પ્રજાકીય પ્રતિનિધિઓનું મૌન:પ્રવાસન સ્થળો વિકસાવવામાં રાજ્ય સરકારનો કચ્છને ઠેંગો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસન જિલ્લા તરીકે કચ્છની ગણના પણ પર્યટન સ્થળોના વિકાસમાં કોઈને રસ નહીં
  • હરિયાણા અને કેરળ રાજ્ય જેટલો વિસ્તાર હોવા છતાં કચ્છના એકપણ સ્થળની પસંદગી ન કરાઈ

નબળી નેતાગીરીના કારણે હંમેશા કચ્છ જિલ્લા સાથે અન્યાય થતો આવ્યો છે ત્યારે પ્રવાસન જિલ્લા તરીકે જેની ગણના થાય છે. તેવા આ સરહદી જિલ્લામાં પર્યટન સ્થળોના વિકાસમાં કોઈને રસ ન હોય તેમ ગુજરાત સરકારે પ્રવાસન સ્થળોના વિકાસમાં કચ્છને ઠેંગો બતાવી દીધો છે કારણકે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 11 વિકસિત સ્થળને ડેવલોપ કરવામાં આવશે પણ તેમાં સીમાવર્તી જિલ્લા કચ્છના 1 પણ સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

તાજેતરમાં મળેલી સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યના પોળો ફોરેસ્ટ, ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ, વેળાવદર અભયારણય,રાજકોટના ખંભાલીડા બૌદ્ધ ગુફા,ટંકારા ખાતે દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ,બેટ દ્વારકા અને શિયાળ બેટ,પોરબંદર,સુરતનો ડુમસ બીચ,ભીમરાડના ગાંધી સ્મારક,સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા વચ્ચે આવતાં અગત્યના પ્રવાસન સ્થળો તેમજ ડાંગ સર્કિટ, પંપા સરોવર, શબરી ધામ, અંજની કુંડ, ગીરા ધોધ સહિતના 11 સ્થળોને વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જોકે નવાઈ વચ્ચે રાજ્યના સૌથી મોટા જિલ્લાની બાદબાકી કરી દેવામાં આવી છે.વાસ્તવિકમાં કચ્છમાં વાગડથી લઈ લખપત સુધી નામી - અનામી પર્યટન સ્થળો આવેલા છે ન માત્ર કચ્છ પરંતુ ગુજરાત,મુંબઈ સહિત દેશ વિદેશમાંથી પ્રવાસીઓ કચ્છમાં ફરવા આવે છેમ તેમાં પણ કચ્છમાં રણ,દરિયો અને ડુંગર સહિતના અદભુત લોકેશનો હોવાથી ઢગલાબંધ ફોટા અને અવિસ્મરણીય યાદો લઈને પ્રવાસીઓ આનંદિત બની જાય છે.

જોકે નવા સ્થળોના વિકાસમાં કચ્છની બાદબાકી થઈ જતા નારાજગી ફેલાઈ છે તે પણ એક હકીકત છેદરમ્યાન નોંધનીય છે કે,જિલ્લાના ઘણા એવા પ્રવાસન સ્થળો છે.જ્યાં હાલમાં વિકાસકામો ચાલુ છે તેમજ ઘણા સ્થળોએ વિકાસ થઈ ચૂક્યો છે.જોકે જનશૈલાબ વધતો હોવાથી સહેલાણીઓ પણ નવી સુવિધા માંગી રહ્યા છે.

નેતાઓને માત્ર વાહવાહીમાં જ રસ, સરકાર વિરુદ્ધ બોલવા કોઈ તૈયાર નહીં
આગામી સમયમાં ગ્રામ પંચાયતની અને તે બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.એકતરફ કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાની વાતો થઈ રહી છે.જ્યારે બીજી તરફ જિલ્લામાં એકપણ સ્થળને વિકસાવવા માટે પસંદ કરવામાં આવતું નથી.જે ખરેખર અન્યાય કહી શકાય તેમ છે પણ આગામી સમયમાં ચૂંટણી નજીક આવતી હોવાથી ચૂંટાયેલા નેતાઓને માત્ર વાહવાહીમાં જ રસ છે. સરકારની જાહેરાતો પર તાળીઓ વગાડી સંતોષ માની લેવાય છે પણ આ અન્યાય મુદ્દે સરકાર વિરુદ્ધ બોલવા કોઈ તૈયાર નથી.

પિંગલેશ્વર બીચથી લઈ કડીયા ધ્રો સહિતના સ્થળો માંગે છે વિકાસ
અબડાસા તાલુકામાં આવેલા પિંગલેશ્વર બીચમાં રમણીય દરિયાકિનારો હોવાથી લોકો ફોટોસેશન માટે આવે છે. આ સ્થળને વિકસાવવા માટે રજૂઆત થઈ છે છતાં બાદબાકી કરી દેવાઇ છે તો લખપત તાલુકામાં ઐતિહાસિક કિલ્લો તેમજ શિયોતની ગુફા સહિતના સ્થળો પણ વિકાસ માંગે છે નખત્રાણામાં આવેલા કડીયા ધ્રોની નોંધ છેક ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા લેવામાં આવી હતી. અહીં પણ સહેલાણીઓ આવી રહ્યા છે તો અંજારમાં મેકમરડોનો બંગલો તો વર્ષોથી ખંડેર બની ગયો છે છતાં ઉપેક્ષા દૂર થઈ નથી.

જેસલ તોરલની સમાધિ જોવા દેશમાંથી લોકો આવે છે.ભચાઉ તાલુકામાં કંથકોટનો કિલ્લો,રાપરમાં વ્રજવાણી,રવ સહિતના સ્થળોએ તો પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી.તેમજ ભુજમાં ભુજીયો ડુંગરની એકસાઈડ સ્મૃતિવન બને છે પણ બીજી બાજુનો ભાગ આજે પણ અવાવરું અને ખંડેર છે જેથી રાજાશાહી ઇતિહાસ વિસરાઈ રહ્યો છે.કાળો ડુંગર તેમજ અન્ય હિલ સ્ટેશન સહિત ઐતિહાસિક કિલ્લા પણ કંઈક નવું ડેવલપમેન્ટ માંગે છે.માંડવી બીચ પર હજારો પ્રવાસીઓની મુલાકાત વચ્ચે બીચની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો નિવેડો આવ્યો નથી.

ધોળાવીરા સહિતની સાઈટમાં ઇતિહાસ છે ધરબાયેલો
ધોળાવીરાને તાજેતરમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ ઘોષિત કરવામાં આવી છે. જે કચ્છની સિદ્ધિ કહી શકાય જોકે ધોળાવીરાની સાથે જિલ્લામાં શિકારપુર,કાનમેર,કુરન,દેશલપર,ખીરસરા સહિતના વિસ્તારોમાં પણ હડપ્પીય સાઈટ આવેલી છે જ્યાં અવારનવાર સંશોધન કાર્ય થતું હોય છે તો લખપતના પેટાળમાં પણ હજારો વર્ષ જુનો ઇતિહાસ ધરબાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...