ઉજવણી:ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવાઈ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છભરમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન પરશુરામ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ભુજમાં બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય સહભાગી થયા હતા અને પોથીયાત્રાનો આરંભ કરાવ્યો હતો. ભુજ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કૃત પાઠશાળા, ભુજ: શ્રેષ્ઠ સંસ્કૃત વાંચન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અ વિભાગમાં રાવલ ખુશી, વ્યાસ ધ્યાનમ, બ વિભાગમાં અંતાણી નૈઋતી અને ક વિભાગમાં સ્વામી જ્ઞાન પ્રિયદાસજી વિજેતા થયા હતા. નિર્ણાયક આશાબેન અને આશિષભાઈ રહ્યા હતા.

માંડવી : પરશુરામજીની પૂજન વિધિ બાદ શોભાયાત્રા નીકળી હતી. જે શહેરમાં મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી. માંડવી તાલુકા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અંજાર: સવારે ભરેશ્વર મહાદેવ મંદિરેથી પરશુરામ ધામ સુધી બાઈક રેલી, બપોરે મહાઆરતી અને સાંજે નીલકંઠ મહાદેવ મંદિરેથી ટાઉનહોલ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાંજે સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું.

નલિયા : અબડાસા બ્રહ્મસમાજ, યુવા બ્રહ્મ સમાજ, નલિયા સમસ્ત બ્રહ્મ સમાજ, પરશુરામ સેના તથા મહિલા પાંખ દ્વારા ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા તેમજ નલિયાના સમસ્ત હિંદુ-મુસ્લિમ અગ્રણીઓએ હાજરી આપી હતી. રાજપૂત સમજવાડીમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. અબડાસા તાલુકાના મુખ્ય મથકે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. જંગલેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા બાદ મહાઆરતી, મહાપ્રસાદ સહિતના આયોજન કરાયા હતા. ચેતનભાઈ રાવલ, ગૌતમ જોષી, રમેશ જોષી, રાજુભાઈ અબોટી સહિત અબડાસા તાલુકાના બ્રહમસમાજ ભાઈઓ-બહેનો મોટી સંખ્યા જોડાયા હતા.

નખત્રાણા : અડધા કિમી લાંબી બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. સિદ્ધેશ્વર મંદિરે પરશુરામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા, નખત્રાણા સમસ્ત બ્રહ્મસમાજ પરશુરામ સેના, નખત્રાણા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા ઉજવણી કરાઇ હતી. જેમાં ગણેશ સ્થાપન, પૂજન, જલયાત્રા, યજ્ઞ કાર્ય તેમજ સાંજના સમયે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી ઇન્દ્રનીલ રાજગુરુ તેમજ તાલુકાના વિવિધ રાજકીય, સામજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં બ્રહ્મ સમાજના હજારો લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...