બેદરકાર તંત્ર:કચ્છમાં સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ હજુ પણ શરૂ ન થયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરહદી જિલ્લાની 120 શાળાઓને સાંકળવાની યોજના હતી
  • વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર બેંકનો છે આર્થિક સહયોગ

કચ્છમાં સમગ્ર ગુજરાતની સાથે 5મી સપ્ટેમ્બરથી સ્કૂલ અોફ અેક્સલન્સ કાર્યક્રમ શરૂ થવાનો હતો, જેમાં પસંદ કરેલા છાત્રોને અાંગણવાડીથી ધોરણ 12 સુધીનું શિક્ષણ અેક જ સ્થળે અાપવાની યોજના છે. જે માટે વર્લ્ડ બેંક અને અેશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર બેંકના અાર્થિક સહયોગ અાપશે. પરંતુ, સોમવારથી કાર્યક્રમ શરૂ જ થઈ નથી શક્યો.પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર વર્લ્ડ બેંક અને અેશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર બેંક પાસેથી લોન લેશે. ત્યારબાદ કચ્છ જિલ્લાના દરેક તાલુકામાંથી બે-બે અેવી સ્કૂલો પસંદ કરશે જેને સ્કૂલ અોફ અેક્સલન્સ કાર્યક્રમ હેઠળ વિકસિત કરી શકાય.

જે માટે પ્રથમ 100 દિવસમાં 20 શાળા, બીજા 200 દિવસમાં 20 શાળા, 300 દિવસમાં 40 શાળા અને 400 દિવસમાં 40 શાળા મળીને કચ્છ જિલ્લામાંથી 120 શાળાઅો વિક્સિત કરવા વિચારાયું છે. જે માટે ગુજરાત સ્કૂલ ક્વોલિટી અેક્રીડીટેશન કાઉન્સિલ દ્વારા સ્કૂલ ઈન્સ્પેકટર મોકલી તબક્કાવાર મૂલ્યાંકન કરાશે.

જે માટે પ્રારંભે 20 સ્કૂલોની પસંદગી કરાઈ છે. જે સ્કૂલોમાં પ્રવેશ માટે પરીક્ષા અાપવી પડશે. જોકે, અાંગણવાડીથી ધોરણ 12 સુધીનું શિક્ષણ અાપવા વિક્સિત તો કરાશે પણ પ્રવેશનું ધોરણ શું હશે અેની હજુ સુધી કોઈ માર્ગદર્શિકા અાવી નથી. કેમ કે, અાંગણવાડીના બાળકની પરીક્ષાથી તેજસ્વિતા કેવી રીતે નક્કી કરી શકાય. અેનો જવાબ કોઈ પાસે નથી. પરંતુ, હાલ શાળા પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 20 શાળા પસંદગી પામી છે.

કઈ કઈ શાળા પસંદગી પામી
અબડાસામાં કોઠારાની જી.ટી.અેમ. હાઈસ્કૂલ, મોથાળાની અેસ.અેસ.અેલ.અે. અેન્ડ અેસ.ડી. હાઈસ્કૂલ, અંજારમાં અંજાર શહેરની જ મોડેલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, ભચાઉની ભચાઉ શહેરની જ અેસ. અેલ. પી. બી. અેસ., સારસ્વત વિદ્યાલય, ભુજ શહેરની માતૃછાયા કન્યા વિદ્યાલય, અોલ્ફ્રેડ હાઈસ્કૂલ અને માનકુવાની અેમ.કે.અેમ.અેસ., ગાંધીધામ શહેરની અેસ.વી.પી. ગુજરાત વિદ્યાલય, અેમ.પી. પટેલ કન્યા વિદ્યાલય, લખપતના દયાપરની સારસ્વત સંચાલિત હાઈસ્કૂલ, માંડવી શહેરની જે. જી. અેસ. ટી. કન્યા વિદ્યાલય, બિદડાની બી. બી. અેમ. હાઈસ્કૂલ, મુન્દ્રા શહેરની સી. કે. અેમ. કન્યા વિદ્યાલય, ભુજપુરની અે. જે. અેસ. હાઈસ્કૂલ, નખત્રાણા શહેરની ટી.ડી. વેલાણી કન્યા વિદ્યાલય, કોટડા (જ.)ની પટેલ ભીમજી કેશરા વિદ્યાલય, રાપરની સારસ્વત કન્યા વિદ્યાલય, ફતેહગઢની સરકારી સ્કૂલનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...