પવન:ભુજ જિલ્લામાં સાયક્લોનિક અસર હેઠળ બીજા દિવસે પણ તેજ પવન ફુંકાયો

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં સતત બીજા દિવસે પણ વેગીલો વાયરો ફુંકાયો હતો જો કે તેના કારણે કંડલા (એ) અને કંડલા પોર્ટ સિવાયના વિસ્તારોમાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી. દૂર દૂર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર તળે આગામી બે-ત્રણ દિવસ સુધી તેજ ગતિ સાથે પવન ફુંકાવાની સંભાવના ભુજ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. 

પંજાબ, અફઘાનિસ્તાન અને અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું
જિલ્લામાં સૌથી ઉષ્ણ રહેલાં કંડલા (એરપોર્ટ) ખાતે પ્રતિ કલાક 18 કિલો મીટરની સરેરાશ ઝડપે ફુંકાયેલા પવન સાથે  મહત્તમ 40.9 જ્યારે કંડલા પોર્ટ પર 11 કિલો મીટરની ગતિએ વાયરો વાયો હતો અને 40.1 ડિગ્રી ઉંચું તાપમાન નોંધાયું હતું. ભુજમાં કલાકના 10 કિલો મીટરની ઝડપે ફુંકાયેલા પવનથી ઉષ્ણતા માપક પારો નીચે ઉતરીને 38.4 ડિગ્રી રહેતાં ગરમીમાં રાહત રહી હતી. જ્યારે નલિયામાં વધુમા વધુ 35.6 ડિગ્રી નોંધાયું હતું પણ દિવસભર 13 કિલો મીટરની ગતિ સાથે ફુંકાયેલા વાયરાથી લોકો બેહાલ બન્યા હતા. ભુજ હવામાન વિભાગના પ્રભારી રાકેશકુમારના જણાવ્યા મુજબ હાલે પંજાબ, અફઘાનિસ્તાન અને અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે આ ઉપરાંત પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે પણ તેજ હવા ફુંકાઇ રહી છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી સરેરાશ 15થી 20 કિલો મીટરની ઝડપે પવન ફુંકાશે તેમજ કેટલાક સ્થળે ગરમીનું જોર યથાવત રહેશે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...