સામાન્ય સભા:સામાન્ય સભામાં શાસક પક્ષે રાહ જોઈ, બોલવા દીધા છતાં વિપક્ષ નબળો પૂરવાર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચર્ચા જ નહીં, બહુમતીના જોરે સામાન્ય સભા મિનિટોમાં સંકેલાઇ: વિરોધ પક્ષ બોલી ન શક્યો
  • જાહેરાત, પાલિકાઅે ત્રિમાસિક હિસાબો સાથે કચેરીની ઈમારત નવી બનાવવાનું પણ ગાણું ગાયું

ભુજ નગરપાલિકાઅે શનિવારે ટાઉનહોલમાં સામાન્ય સભા યોજી હતી, જેમાં શાસક પક્ષના નગરસેવકો સમયથી પહેલા અાવી ગયા હતા અને વિપક્ષના સદસ્યો અંત સમયે અાવ્યા હતા. પરંતુ, શાસક પક્ષે વિપક્ષી નગરસેવકોના અાવવાની રાહ જોઈ હતી. અેટલું જ નહીં પણ ત્રિમાસિક હિસાબો, ઠરાવોના વાંચન અને સુધરાઈની નવી ઈમારત બનાવવાનું ગાણું પુન:ગાયા બાદ વિપક્ષને સાંભળવાની તક અાપ્યા વિના બહુમતીના જોરે મિનિટોમાં કાર્યવાહી સંકેલી લેવાની પરંપરા ચાલુ રાખવાને બદલે વિપક્ષને બોલવાની પૂરતી તક અાપી હતી. અામ છતાં શાસક પક્ષને ઘેરવામાં વિપક્ષ નબળો પુરવાર થયો હતો!

સામાન્ય સભા 12.30 વાગે મળવાની હતી. પરંતુ, પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી સહિત શાસક પક્ષના મોટાભાગના નગરસેવકો 15થી 20 મિનિટ પહેલા જ અાવી ગયા હતા. પાંચેક મિનિટ બાકી હતી ત્યારે કારોબારી ચેરમેન જગત વ્યાસે પ્રમુખને કહ્યું હતું કે, રાષ્ટ્રગાન શરૂ કર્યા બાદ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરી દેવી જોઈઅે અને વેળાસર અાટોપી લેવી જોઈઅે. પરંતુ, પ્રમુખે પૂરતી સંખ્યામાં વિપક્ષી સદસ્યોના અાવવાની રાહ જોઈ. વિપક્ષીનેતા કાસમ સમા અને અન્ય નગરસેવકો અાવતા સામાન્ય સભા શરૂ કરી હતી.

અેજન્ડા મુજબ કાર્યવાહી પૂરી થયા બાદ વિપક્ષીનેતાને બોલવાની તક અાપી હતી, જેમાં વિપક્ષે શહેરના માર્ગોમાં સફાઈનો અભાવ અને ગટરની ચેમ્બર્સ ઉભરાવવાની સમસ્યા ઉકેલવામાં ઠેકેદાર નિષ્ફળ ગયાનો મુદ્દો છેડ્યો હતો. પરંતુ, પ્રમુખે વળતો પ્રહાર કર્યો હતો કે, તમારી નગરસેવિકાઅે જ માત્ર વોર્ડ નંબર 1થી 3માં સફાઈ અને ગટરની સમસ્યાની રજુઅાત કરી છે. માત્ર બાકી અાખા શહેરમાં અે સમસ્યા નથી અેવી અાડકતરી રીતે કબૂલાત પણ કરી છે. તમારે ખરાઈ કર્યા બાદ મુદ્દો છેડવો જોઈઅે. જોકે, વિપક્ષીનેતાઅે વળતી દલીલ કરી હતી કે, મારી સાથે અત્યારે જ ચાલો તમને વાસ્તવિકતાથી વાકેફ કરાવું.

જોકે, વિપક્ષ અે મુદ્દે દલીલ ન કરી શક્યો કે, સફાઈના ઠેકેદારનો ઠેકો પૂરો થઈ ગયો અને અેને પણ દસેક મહિના વીતી ગયા છે. અામ છતાં પદાધિકારીઅો ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને નવા ઠેકેદારને કામ સોંપવામાં નબળી પુરવાર થઈ છે! સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સાથે સચિવ સ્થાને રહેલા મુખ્ય અધિકારી મનોજ સોલંકી પણ મંચસ્થ રહ્યા હતા. સંચાલન હેડ ક્લાર્ક જયંત લિંબાચિયા રહ્યા હતા. વ્યવસ્થા પ્રમુખના પી.અે. કૃણાલ ભીંડે અને મેહૂલ વૈષ્ણવે સંભાળી હતી.

પાણીની સ્થિતિ સુધરી છે : વિપક્ષીનેતા
વિપક્ષીનેતા કાસમ સમાઅે શહેરમાં ગટર મિશ્રિત પાણી અાવતું હોવાની વાત છેડતી વખતે કહ્યું હતું કે, નળ વાટે પાણી વિતરણની સ્થિતિ સુધરી છે. પરંતુ, પીવાલાયક શુદ્ધ પાણી નથી મળતું. જેનો જવાબ અાપવાને બદલે પ્રમુખે કહ્યું હતું કે, સાથી સદસ્યો, તાળી પાડો, વિપક્ષે કબૂલ્યું કે, પાણીની સ્થિતિ સુધરી છે. તો વિપક્ષીનેતાઅે કહ્યું, 100 ટકા સુધરી છે. અેમાં ક્યાં ના પાડીઅે છીઅે.

ખાનગીમાં કાંઇક કહો છો, જાહેરમાં કાંક : પ્રમુખ
વિપક્ષીનેતાઅે સફાઈ, ગટરની સમસ્યા ઉપરાંત અશુદ્ધ પાણીનો મુદ્દો છેડ્યો ત્યારે તેમને જવાબ અાપતા પહેલા પ્રમુખે ટકોર કરી હતી કે, તમે રૂબરૂમાં ખાનગીમાં મળો ત્યારે કાંઇક કહો છો અને જાહેરમાં કાંક બોલો છે. જોકે, મારે અત્યારે અે પ્રશ્ન છેડવો નથી. ફકત ધ્યાન ખેંચું છું.

વોર્ડ નં. 2ના વિપક્ષી નગરસેવકો ગેરહાજર
શહેરના 11 વોર્ડના 44 નગરસેવકોમાંથી પ્રથમ વોર્ડની ચારેચાર બેઠકો કોંગ્રેસને મળી છે. બીજા વોર્ડમાં ત્રણ બેઠકો મળી છે. અેક બેઠક વોર્ડ નંબર 10માં મળી છે. પરંતુ, અનેક સમસ્યાથી પીડાતા બીજા વોર્ડના કોંગ્રેસના ત્રણેય નગરસેવકો ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...