ક્રેડીટ આઉટરીચ:આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા બેન્કિંગ ક્ષેત્રેની ભૂમિકા અગત્યની

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં લાભાર્થીઓને 206 કરોડના સહાય ચેક વિતરણ કરાયા

ટાઉનહોલ ભુજ ખાતે લીડ બેંક-બેંક ઓફ બરોડા તેમજ વિવિધ બેંકોના સંકલન અને જુથ દ્વારા ‘ક્રેડીટ આઉટરીચ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરકારી વિવિધ યોજનાઓમાં બેંકો કેવી રીતે સંકળાયેલી છે, વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેમજ નાના ગરીબ અને જરૂરીયાત મંદ લોકો માટેની વિવિધ અનુકુળ સ્કિમની માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.

વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં જે આર્થિક સંકળામણનો ભોગ સૌ બન્યા અને તેમાંથી બહાર આવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો વિચાર આપ્યો છે તેમાં બેંકોની ખુબ જ મહત્વની ભુમિકા અને જવાબદારી રહેલી છે. સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોનું કલ્યાણ થઇ રહ્યું છે, તો કિસાનોને લગતી વિવિધ સહાય થકી ધરતીપુત્રોની આવક બમણી કરવા તરફ પ્રયાસ કરાઇ રહ્યા છે. આ ઉપરાંત લોકોને મહેનત કરી આગળ વધવા પ્રેરણા આપી છે.

આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જનધન યોજના થકી લોકોને બેંકિગ સુવિધાઓથી અવગત કરી તેમની સાથે જોડયા છે. લોકો પગભર થાય આત્મનિર્ભર બની દેશના વિકાસમાં ફાળો આપી શકે તે માટે બેકિંગ ક્ષેત્ર ખુબજ અગત્યનું છે. આ ઉપરાંત ખરેખર જે લોકોને જરૂરિયાત છે તેમને વિવિધ સહાય અને લોન અપાવવા માટે તેમણે બેંકના અધિકારીઓને અપીલ કરી હતી. આ તકે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા એમ.એસ.એમ.ઈ., બી.કે.સી.સી., પી.એમ.ઈ.જી.પી., પી.એમ.ઈ.વાય, પી.એમ સ્વનિધિ, એગ્રીકલ્ચર લોન એમ વિવિધ સહાય અને લાભ મળી કુલ 206 કરોડની વિવિધ સહાય અને લોનના ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, બેંક ઓફ બરોડાના સીજીએમ સંજીવ દોભલ, ડી.જી.એમ. નરેન્દ્રસિંઘ, પી.આર.એમ. જગજીતકુમાર, બીજીજી બેંકના આરએમ મારૂતિ તિવારી, એસ.બી.આઇ.ના આર.એમ. ઐયર તેમજ બેંક ઓફ બરોડાના એલ.ડી.એમ. સંજય કુમાર સિન્હા તેમજ વિવિધ સહાય તેમજ લોનના લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...