હાલાકી:નગરપાલિકામાં પાણીના ટેન્કરની નોંધણી દોઢ કલાકમાં બંધ કરી દેવાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસના વિરામ બાદ સુધરાઈ લોકોની સુવિધા માટે કામે લાગી
  • જનતા ખોબે ખોબે મત અાપે છે પણ નગરસેવકો તેમને બનાવે છે મોહતાજ

ભુજ નગરપાલિકા ત્રણ દિવસના વિરામ બાદ સોમવારે લોકોની સુવિધા માટે કામે લાગી હતી. પરંતુ, વોટર ટેન્કર નોંધણીની બારી અેકથી દોઢ કલાક જ ખુલ્લી હતી, જેથી પાણી વિના ટળવળતા લોકો નિરાશ વદને પરત ફર્યા હતા. કેટલાક લોકોઅે ઉભરકો ઠાલવ્યો હતો કે, જનતા ખોબે ખોબે મત અાપે છે અને નગરસેવકો મતદારોને મોહતાજ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જી. ડબ્લ્યુ. અાઈ. અેલ.અે ત્રણ દિવસ નર્મદાના પાણીનું વિતરણ બંધ કર્યું હતું. પરંતુ, ભુજ નગરપાલિકા અાગોતરું અાયોજન કરવામાં નિષ્ફળ ગઈ હતી, જેથી શહેરમાં પાણીની રાડ પડી ગઈ હતી.

ત્યારે કટોકટી સમયે પણ વોટર ટેન્કરથી પાણી પહોંચતું કરવામાં વોટર ટેન્કર નોંધણી બારી ખુલ્લી કરવાની તસદી લીધી ન હતી. જે બાદ શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધી શનિવાર સાંજ સુધી વીજ પ્રવાહ બંધ હતો, જેથી ધોળાવા સમ્પેથી પમ્પિંગ થઈ ન શક્યાનું બહાનું અાગળ ધર્યું. ત્યારબાદ શિવકૃપા સમ્પ વાયર બળી જતા વીજ પ્રવાહ બંધ રહ્યો હતો. અેવું બહાનું અાગળ ધર્યું છે. છેલ્લે રવિવારે ટપ્પર ડેમ પાસે વીજ પ્રવાહ ન મળ્યાનું કારણ અાગળ ધર્યું છે. પરંતુ, અે દરમિયાન શુક્ર, શનિ અને રવિવાર સુધરાઈની કચેરી સદંતર બંધ હતી.

સોમવારે કચેરી ખુલ્લી ત્યારે પાણી વિના ટળવળતા લોકો વોટર ટેન્કર નોંધણી માટે લાંબી કતાર લગાવી ઊભા હતા. પરંતુ, બપોરે 10 વાગે અચાનક બારી બંધ કરી દેવાઈ હતી, જેમાં વરધી વધી ગયાનું બહાનું અાગળ ધરાયું હતું, જેથી લોકોઅે ઉભરકો ઠાલવ્યો હતો કે, જનતાને નગરસેવકો પાસે કરગરવા લાચાર કરવામાં અાવે છે. ખોબે ખોબે મત અાપી ચૂંટ્યા બાદ અાવી રીતે હેરાન પરેશાન કરવાનો શો મતલબ. જનતા વિફરશે તો જવાબદાર નગરસેવકો જ હશે.

અન્ય સમાચારો પણ છે...