તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરાગત ઉજવણી:વાગડના ઐતિહાસિક ગામ વ્રજવાણીમાં પણ થાય છે કૃષ્ણના સાક્ષાત્કારની અનુભૂતિ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધાકૃષ્ણ મંદિરમાં 140 આહિર સતીઓની મૂર્તિઓના દર્શનથી ભાવિકો અભિભૂત થઈ ઉઠે છે
  • જન્માષ્ટમી પર્વ પ્રસંગે 15 હજાર લોકો પ્રાદેશિક વસ્ત્રોમાં ઊમટતા માહોલ ગોકુળમય બની જતો

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલુ વ્રજવાણીધામ તાલુકા મથક રાપરથી 52 કી.મી.દૂર છે. ધોળાવીરા માર્ગ પરના ઐતિહાસિક અને પૌરાણિક ગામમાં હાલ યદુવંશના આહીર સમાજનું એક પણ ઘર ના હોવા છતાં આહીર સમાજ દ્વારા સંચાલિત ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. રાધાકૃષ્ણ મંદિરમાં સ્થાપિત એક સાથે આહીરકુળની સતી થયેલી 140 દીકરીઓની પ્રતિમાઓ દર્શનાર્થીઓને અનેરી શ્રદ્ધા પુરી પાડે છે. અહીં દર વર્ષે ઉજવાતા કૃષ્ણ મહોત્સવને માણવા હજારો લોકો ઉમટે છે જે આ વખતે સાદગીપૂર્ણ રીતે ઉજવાશે.

માન્યતા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની બાલ્યાવસ્થા દરમ્યાન યાદવકુળના નંદબાવાના ઘરે 11 વર્ષ અને 52 દિવસ રહી બાળલીલાના દર્શન કરાવ્યા હતા તે સમયે ગોપીઓ સંગ ત્રણ રાસ લીલા સંપન્ન થઈ હતી જ્યારે ચોથી નાદબ્રહ્મ રાસ અધુરો રહી ગયો હતો. આ રાસ સેંકડો વર્ષ જુના પાવન ભૂમિ ધરાવતા વ્રજવાણી ગામના ધોલાસર ચોકમાં તત્કાલીન સમયના રાધાકૃષ્ણ મંદિર સન્મુખ વિક્રમ સવંત 1511ના વૈશાખ સુદ 4ના રોજ યોજાયો હતો જેમાં આહીરવંશની 140 (સાત વીશું) દીકરીઓએ ભગવાન ક્રુષ્ણની સાક્ષીએ નાદબ્રહ્મ રાસ રમ્યો હતો અને આ રાસ સંપન્ન થતા ભગવાન કૃષ્ણમાં લિન બની એક સાથે સતી બની ગઈ હતી. આ વિરલ ઘટનાના માનમાં અહીં રાધાકૃષ્ણનું ભવ્ય મંદિર બનાવાયું છે.

આજથી 566 વર્ષ પૂર્વે યોજાયેલી રાસલીલાની વિરલ ઘટના બાદ વૃજવાણી ગામનો આહીર સમાજ દ્વારા અપૈયો(પાણી હરામ) કરાયો હતો. જેના કારણે આહીર સમાજનો અહીં એક પણ પરિવાર નથી રહેતો પરંતુ સન 2009માં ભચાઉના સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી કૃષ્ણદાસજીની પ્રેરણાથી આહીર સમાજના મોવડીઓએ ગામની મુલાકાત લીધી અને જુના મંદિર સ્થળ પર રાધાકૃષ્ણ મંદિરનું નવ નિર્માણ કાર્યનો પ્રારંભ કર્યો અને તત્કાલીન મંદિર સ્થળ પરથી મળેલા અવશેષોને નૂતન મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વ્રજવાણી ગામના મંદિર અને વિશાળ સંકુલની વાગડના તીર્થસ્થાનો, ખડીરના પર્યટન સ્થળોએ આવતા આસ્થળુઓ અને પર્યટકો અવસ્ય મુલાકાત લે છે. મંદિર સંકુલમાં પ્રવેશતા જ અલૌકિક માનસિક શાંતિની અનુભૂતિ થાય છે. કતારબંધ સેંકડો વૃક્ષોની હરિયાળી સાથે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા મળી રહે છે. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે આ સ્થળનું અતિ મહત્વ રહેલું છે. મંદિર સંકુલ અને ઉજવણીની વ્યવસ્થા વ્રુજવાણીધામ ઐતિહાસિક ચેરીટેબલ ટ્રસ્ટ સમિતિ સાંભળે છે. સમસ્ત આહીર સમાજ વ્રજવાણીધામના વિકાસમાં તન, મન અને ધનથી સંમર્પિત રહે છે તો રાજયમંત્રી વાસણભાઈ આહીર સહયોગી બનતા રહ્યા છે.

જન્માષ્ટમીના દિવસે અહીં અંદાજિત 15 હજાર જેટલા ભાવિકો ઉપસ્થિત રહી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ જાય છે . સવારે ભાઈઓ અને બહેનો પ્રાદેશિક વસ્ત્રોમાં સજ્જ થઈ અલગ અલગ રાસ રમી પોતાની કૃષ્ણ ભક્તિ પ્રગટ કરે છે. 1 હજાર જેટલા ખૈલેયા એક તાલમાં રાસ રમતા હોય છે . ધાર્મિક વિધિ પૂજા બાદ મહા આરતી અને મહા પ્રસાદનો કાર્યક્રમ યોજાય છે. દિવસભર ચાલતી ઉજવણી રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મના આનંદ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકીના જનઘોષથી જન્માષ્ટમીની ઉજવણી પરિપૂર્ણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...