નોટિસ:શિક્ષણ વિભાગમાં છતી ગ્રાન્ટે વિદ્યાલક્ષ્મી બોન્ડ ન જ ખરીદાતા હવે પ્રમોશન અટકશે

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્લાર્કથી DPEO સુધીના જવાબદારોને કારણદર્શક નોટિસ અપાઈ હતી
  • જિલ્લા પંચાયતમાં પાંચ વર્ષ જૂના પ્રકરણના પડઘા હજુ શમવાનું નામ લેતા નથી

જિલ્લા પંચાયતની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં પાંચેક વર્ષ પહેલા છતી ગ્રાન્ટે વિદ્યા લક્ષ્મી બોન્ડ ખરીદાયા ન હતા, જેમાં ક્લાર્કથી ડી.પી.ઈ.અો. સહિતી 14 જેટલા કર્મચારીઅોને કારણદર્શક નોટિસ અપાઈ હતી. પરંતુ, છેક હવે અે પ્રકરણે ફરી માથું ઉંચક્યું છે, જેમાં દિવાળી પછી મળનારા પ્રમોશનની ફાઈલમાંથી કોનું નામ કપાય છે અને કોનું નામ રખાય છે, અે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જ્યાં સ્ત્રીમાં સાક્ષરતાનું પ્રમાણ અોછું હોય ત્યાં પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવનારી કન્યાને 1000 રૂપિયાનું બોન્ડ અપાતું હતું.

જેની રકમ ધોરણ 8 બાદ વ્યાજ સહિત કન્યાને અપાતી હતી. જે માટે કચ્છ જિલ્લામાં ગ્રાન્ટની રકમ પણ અાવી ગઈ હતી. પરંતુ, છતી ગ્રાન્ટે વેળાસર તો ઠીક પણ અઢી વર્ષ સુધી બોન્ડ ખરીદીને કન્યાઅોને અપાયા ન હતા, જેથી ક્લાર્કથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુધીની જવાબદાર 14 જેટલી વ્યક્તિઅોને કારણદર્શક નોટિસ અપાઈ હતી. સૂત્રોનું માનીઅે તો અે પ્રકરણમાં તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જરગેલાનું નિવૃત્તિ પછીનું પેન્શન અટકાવી દેવાયું હતું. જે પ્રકરણે હવે ફરી માથું ઉંચક્યું છે, જેમાં દિવાળી પછી પ્રમોશન અાવવાનું છે.

જે માટે જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતની પ્રાથમિક શિક્ષણ શાખામાંથી પ્રમોશનની ફાઈલ ગાંધીનગર મોકલવામાં અાવી છે. પરંતુ, અેમાંય વહાલા દવલાની નીતિ અપનાવાઈ છે. કેટલાકના નામ પ્રમોશનની ફાઈલમાં રખાયા છે અને કેટલાકના નામ ફાઈલમાંથી કાઢી નખાયા છે. જેનું નામ પ્રમોશનની ફાઈલમાંથી કાઢી નખાયું છે અે વ્યક્તિઅો સ્ટાફમાં રડતા રડતા અન્યાયની લાગણી વ્યક્ત કરી રહી છે.

બદલીઅોને કારણે બોન્ડની ખરીદી વિસરાઈ
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અે સમયે બદલીઅો થઈ હતી. ગ્રાન્ટની રકમ અાવી ત્યારે અેક કલાર્ક હતો અને અેકાદ મહિના બાદ બીજો ક્લાર્ક અાવી ગયો હતો, જેથી વિદ્યા લક્ષ્મી બોન્ડની ગ્રાન્ટની ફાળવણી અને બોન્ડ ખરીદીની છેલ્લી સ્થિતિ તેના ધ્યાનમાં લવાઈ જ ન હતું. અામ છતાં અત્યારે પ્રમોશનમાં અેનું નામ અગ્રતાક્રમ છે તોય અન્યની સાથે અેનું નામ પણ ઈરાદાપૂર્વક પ્રમોશન ફાઈલમાંથી બાકાત કરી દેવાયું છે.

જોકે, સૂત્રોઅે જણાવ્યું હતું કે, અે અત્યારથી કેમ નક્કી થાય. પ્રમોશન અાવ્યા બાદ મળ્યું ન હોય તો ખ્યાલ અાવે. જોકે, અે પ્રકરણે મુખ્ય જવાબદારી વ્યક્તિ ડી.પી.ઈ.અો. સામે કાર્યવાહી થઈ ગઈ છે અેટલે બાકીની વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષથી પ્રમોશન ફાઈલમાંથી નામ કમી કરવું ઉચિત નથી.

અન્ય સમાચારો પણ છે...