હક્ક અપાયા:જયનગરના રહેવાસીઓ માટે દસ્તાવેજની પ્રક્રિયા ઝડપી થશે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેડીસીસી બેન્કના જીએમ ફડચા અધિકારી તરીકે નિમાશે

જયનગર કો.ઓપ. હાઉસિંગ સોસાયટીના રહેવાસી મકાન કબ્જેદારો વચ્ચે લાંબો સમય લોન કેસને લઈને વિવાદ ચાલ્યા બાદ અને ગુજરાત ટ્રિબ્યુનલમાં આ કેસ મામલે કાનૂની જંગ પછી રાજય સરકારની વન ટાઈમ–સેટલમેન્ટ યોજના સાથે જય નગરવાસી મકાન કબ્જેદારોનું કે.ડી.સી.સી. બેન્ક અને ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ બોર્ડ સાથે સમાધાન થતાં સોસાયટીના અનેક મકાન કબ્જેદારોએ લોનના નાણા ભરતાં આવા મકાન કબ્જેદારોને સોસાયટીના ફડચા અધિકારી દ્વારા દસ્તાવેજ સાથે માલિકી હકક અપાયો છે.

આ પ્રક્રિયા દરમ્યાન વર્ષ 2018માં સોસાયટીના ફડચા અધિકારીની મુદત પુરી થતા અટવાઈ ગઈ હતી. જેના કારણે કેટલાક નાણા ચુકતે કરનારાઓના દસ્તાવેજ પણ થઈ શકયા ન્હોતા તો કેટલાક મકાન કબ્જેદારો નાણા ભરી કર્જ મુકત થવા ઈચ્છતા હોવા છતાં સોસાયટીના ફડચા અધિકાર ન હોવાથી નાણા ભરી શકયા ન્હોતા.સોસાયટીના અગ્રણી કાંતિભાઈ ગોરે રાજય સરકારના સહકાર વિભાગના મંત્રી ઉપરાંત સચિવ,જિલ્લા રજીસ્ટાર, જિલ્લા સમાહર્તા સહિત લાગતા વળગતા વિભાગોને અને તાજેતરમાં રાજયના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજુઆતો કરતાં આખરે રાજયના સહકાર વિભાગના ઉપ સચિવ જી.વી. તડવીએ જાહેરનામુ બહાર પાડી આ સોસાયટી માટે ઓગષ્ટ, 2023 સુધી ફરીથી ફડચા અધિકાર નિમવાનો હુકમ કર્યો છે. આગામી દિવસોમાં ફરીથી કે.ડી.સી.સી.બેન્કના જનરલ મેનેજર ફડચા અધિકારી તરીકે નિમાશે અને ચાર્જ સંભાળ્યા બાદ સોસાયટીના મકાન કબ્જેદારોના દસ્તાવેજની પ્રક્રિયા શરૂ થઈ જવાની આશા બંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...