તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:કચ્છમાં અષાઢી બીજે મેઘરાજા શુકન સાચવે તેવી સંભાવના

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નારાયણ સરોવરમાં આંધી - Divya Bhaskar
નારાયણ સરોવરમાં આંધી
  • જિલ્લામાં પવનની ગતિ ઘટવાની સાથે તાપમાનનો પારો ઉંચકાતા ગરમી વધી

કચ્છમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે પડેલો વરસાદ ઠેલાઇ જતાં ચિંતા પ્રસરી રહી છે તે વચ્ચે અષાઢી બીજે સોમવારે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી બાજુ પવનની ગતિ ઓછી થતાં મોટા ભાગના જિલ્લામાં ગરમી અનુભવાઇ હતી. અમદાવાદની વેધશાળાએ વ્યક્ત કરેલી શક્યતા સાચી ઠરે તો ‘અષાઢી બીજ, વાદળને વીજ’ની ઉક્તિ સાર્થક થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે વેગીલા વાયરા અને વીજળીના કડાકા ભડાકા સાથે કચ્છના કેટલા સ્થળે ભારે ઝાપટા કે હળવો વરસાદ વરસી શકે છે.

જો આમ થાય તો અષાઢી બીજનું શુકન સચવાઇ રહેશે. બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસથી ફુંકાઇ રહેલા પવનની ગતિ મંદ પડતાં ગરમીએ ફરી જોર પકડ્યું હતું. કંડલા બંદરે 37 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે કંડલા એરપોર્ટ મથકે 36.6, ભુજમાં 35.2 તેમજ નલિયા ખાતે 33.8 રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ સરેરાશ 70 અને સાંજે 50 ટકા નોંધાયું હતું.

નારાયણસરોવરની ખાડીમાં ધૂળનું સામ્રાજ્ય
નારાયણસરોવર વિસ્તારમાં દિવસભર વેગીલો વાયરો ફૂંકાયો હતો જેને પગલે ખાડીમાં ધૂળનું સામ્રાજ્ય છવાઇ જતાં રાજસ્થાનના રણ જેવો નજારો ખડો થયો હતો. સમયાંતરે ધૂળની ડમરીઓ ઉડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેઠ માસના અંત ભાગમાં તેજ ગતિથી ફૂંકાઇ રહેલા પવનને કારણે ખેડૂતો તેમજ પશુ પાલકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...