કચ્છના ભચાઉના લાકડિયા પોલીસ સ્ટેશન પર આજે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થતા હળવો લાઠીચાર્જ કરવામા આવ્યો હતો. પોલીસે ગામના એક આગેવાનના ઘરમાં ઘૂસી ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે કેટલાક લોકો પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા ત્યારે ઘર્ષણ થતા પોલીસે ટોળાને દૂર કરવા માટે ટીયરગેસના સેલ અને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
લાકડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પરમારે જણાવ્યું હતું કે, ગામના નાનજી મેરાણ વિરુદ્ધ લાકડિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ ફરજમાં રૂકાવટની ફરિયાદ કરતા તેની અટકાયત કરવામા આવી હતી.આ દરમિયાન પોલીસ સ્ટેશન પાસે ભીડ એકત્ર થઈ હતી જેને વિખેરવા માટે ટીયરગેસના 6 સેલ છોડવાની ફરજ પડી હતી. આ દરમિયાન ભીડે બેકાબૂ બની હતી અને અમૂક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દેતા બે જવાનનો ઈજા પહોંચી છે. આ મામલે રાયોટીંગની ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામા આવી છે.
તો બીજી તરફ લાકડીયાના મુકેશ વાણીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લાકડિયા પોલીસના 6 થી 7 પોલીસ જવાનો દ્વારા કોઈ આધાર પુરાવા વગર મારા ઘરમાં ગેર પ્રવેશ કરી કોઈ પણ વાતની જાણ કર્યા વગર ઘરની તલાસી લઇ મારી પત્ની સાથે અસભ્ય વર્તન કરવા બદલ સમાજના લોકો સાથે પોલીસ કર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ માટે રજુઆત કરવા ગયા હતા. પરંતુ કલાકો સુધી અમારી ફરિયાદ પોલીસે ના લેતા પોલીસ મથક બહાર અમે ભેગા થયા હતા. આ દરમિયાન પોલીસે અમને ઘરે જવાનું કહીં લાઠીચાર્જ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.