જાહેરાત:માધાપરના પોલીસ મથકનું 4 વાગ્યે લોકાર્પણ હતું પણ 3 વાગ્યે મોકુફની જાહેરાત કરાઇ !

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા પોલીસ સ્ટેશનની જાહેરાત ગૃહમંત્રીઅે કરી હોવાથી ઉદ્દઘાટનની તક પણ ઝડપી
  • રેન્જ આઇજીપીના હસ્તે થવાનું હતું પણ હવે બે દિવસ પછી ગૃહમંત્રી કરશે

ત્રણ સપ્તાહ અગાઉ રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભુજમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી હતી જેમાં પશ્ચિમ કચ્છમાં ત્રણ નવા પોલીસ મથક બનશે તેવી જાહેરાત કરી હતી. રવિવારે સાંજે માધાપરના નવા પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન રેન્જ આઇજીપીના હસ્તે કરવાનું આયોજન કરાયું હતું પણ અેક કલાક પહેલા ત્રણ વાગ્યે લોકાર્પણ મોકુફ રાખવાની જાહેરાત કરાઇ હતી, હવે મંગળવારે ગૃહરાજયમંત્રીના હસ્તે ઇ-માધ્યમથી કરવામાં આવશે.

ભુજ શહેર બી ડિવિઝનમાંથી માધાપર પોલીસ સ્ટેશનને અલગ કરવામાં આવ્યા બાદ માધાપરના નવા પોલીસ મથકનું બોર્ડર રેન્જ આઇજીપીના હસ્તે રવિવારે સાંજે ચાર વાગ્યે ઉદ્દઘાટન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તમામ તૈયારીઅો થયા બાદ ત્રણ વાગ્યે આ કાર્યક્રમ મોકુફ રાખી મંગળવારે યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કાયદો-વ્યવસ્થાની બેઠકમાં ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા તરફથી માધાપરના નવા પોલીસ મથકની જાહેરાત કરવામાં આવી હતી જેથી તેમના હસ્તે જ નવા પોલીસ મથકનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

હવે, મંગળવારે ઇ-માધ્યમથી ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહના હસ્તે સવારે અગિયાર વાગ્યે નવા પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવશે. જે કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણભાઇ આહીર, રેન્જ આઇજીપી જે. આર. મોથાલીયા, પશ્ચિમ કચ્છ અેસપી સાૈરભ સીંઘ, ડીવાયઅેસપી જે. અેન. પંચાલ સહિતના ઉપસ્થિત રહેશે.

નોંધનીય છે કે, સરકારી યોજના હોય કે નવા બાંધકામ કે બિલ્ડિંગનું લોકાર્પણ કે ખાતમૂહુર્ત રાજકીય આગેવાનો પોતાના હસ્તે કરવાની તક ઝડપી લેતા હોય છે ત્યારે માધાપરના નવા પોલીસ મથકના ઉદ્દઘાટનની તમામ તૈયારી થઇ ગયા હોવા છતાય અંતિમ તબક્કે અેક કલાક પૂર્વે ઉદ્દઘાટન મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...