તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજખોરોની ખેર નથી:પોલીસવડાએ લોક દરબારમાં 17 ભોગગ્રસ્તોને સાંભળ્યા, ફોજદારીના આદેશ કરાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છમાં વ્યાજ ચૂકવવાના ત્રાસથી બનાવોમાં ઉછાળો આવતા બે વર્ષ બાદ ફરી યોજાયો લોક દરબાર
  • ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાંથી ભોગગ્રસ્તો હાજર રહી રજૂઆત કરી
  • એસપીએ અરજદારોને સાંભળી વહેલીતકે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી

પશ્ચિમ કચ્છમાં વ્યાજની બદી ફાટીને ધુમાડે ગઇ છે ત્યારે વ્યાજખોરીને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું. પઠાણી ઉઘરાણીને કારણે અનેક પરીવારો બરબાદ થઇ ગયા છે અને આત્મઘાતી પગલા ભરવાનો વારો આવે છે ત્યારે કૂટુંબીજનોને બરબાદીથી બચવા તેમજ વ્યાજની બદીને નેસ્તનાબદુ કરવા માટે યોજાયેલા લોકદરબારમાં 17 ભોગગ્રસ્તોને પશ્ચિમ કચ્છ એસપીએ સાંભળ્યા હતા. ચેકબાઉન્સના કેસમાં કાગળો તેમજ પુરાવા તપાસી તેમજ અમુક કિસ્સામાં ફોજદારી નોંધવા આદેશ કર્યો હતો.

કોરોના મહામારીમાં અનેક લોકો ધંધા રોજગાર વગરના થઇ ગયા છે જેના કારણે તેઓ વ્યાજે નાણા લેવા માટે મજબુર બનતા હોય છે તો અમુક લોકો પહેલાથી જ વ્યાજના ચુંગાલમાં ફસાયેલા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવવા મજબુત થઇ જતા હોય છે તો અનેક પરીવારો બરબાદ થઇ જતા હોય છે. પશ્ચિમ કચ્છ એસપી સાૈરભ સીંઘ તેમજ ડીવાયએસપી જે. એન. પંચાલ સહિતના થાણા અધિકારીઓની હાજરીમાં યોજાયેલા લોક દરબારમાં 17 જેટલા ભોગ ગ્રસ્તો હાજર રહ્યા હતા.

મોટાભાગના કિસ્સામાં અરજદારોએ લીધેલી રકમ કરતા બેથી ત્રણ ગણા નાણા આપી દીધા હોવા છતાં માનસિક-શારિરીક ત્રાસ આપવામાં આવતા એસપી સમક્ષ જિલ્લા તાલીમ ભવનમાં યોજાયેલા લોક દરબારમાં પોતાની વ્યથા ઠાલવી હતી. ભુજ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અબડાસા અને લખપતના અરજદારો પોતાની વ્યથા ઠાલવતા એસ.પી.એ. થાણા અધિકારીઓને કાગળો તેમજ પુરાવા ચકાસણી ગુનો દર્જ કરવા સૂચના આપી હતી.

અમુક કિસ્સામાં ચેક બાઉન્સના કેસ કરવામાં આવ્યા હોવાથી તેમાં ધમકી કે ફોન પર મળેલા મેસેજ આધારે ફોજદારી નોંધવા તાત્કાલીક સૂચના અપાઇ હતી. નોંધનીય છે કે, ભુજના ભીલ ફળીયામાં રહેતા ગોકળભાઇ ભીલે હમીરસરમાં ઝંપલાવી આપઘાત કર્યું હતું, જેમનો પુત્ર લોક દરબારમાં હાજર રહ્યો હતો એ બી ડિવિઝન પોલીસને લાભશંકર મહેતા સામે ગુનો નોંધવા સૂચના આપી હતી.

સરકારી કર્મીઓ અને નેતાઓ પણ વ્યાજે નાણા ધીર્યા
નખત્રાણાના એક અરજદારે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, પોતે શાકભાજીનો ધંધો કરે છે તેણે ગામના જ ત્રણેક શખ્સો પાસેથી નાણા લીધા હતા બાદમાં પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને વ્યાજખોરો રાજકારણમાં હોવાથી પૈસા નહીં આપે તો ફીટ કરાવી દેવાની ધમકી આપતા હોવાની ધમકી આપી હતી. તો અમુક કિસ્સામાં સરકારી કર્મચારી પણ વ્યાજે નાણા આપ્યા હોવાની ચોંકાવનારી હકીકત લોકોએ એસ.પી. સમક્ષ મુકી હતી.

બે વર્ષ પૂર્વે યોજાયેલા લોકદરબાર થકી 45 લાખ ચૂકવી દીધા
બે વર્ષ પૂર્વે સાૈરભ તોલંબીયા દ્વારા ભુજમાં વ્યાજખોરોને ડામવા માટે લોક દરબાર યોજયો હતો જેમાં રમેશ લાઇટ એન્ડ મંડપ ડેકોરેશનના માલિક રમેશભાઇ ભાનુશાલીએ વ્યાજખોરો અંગે રજૂઆત કરી હતી. લોક દરબાર થકી 45 લાખનું દેવુ ધીમે ધીમે ચુકવી દીધુ હતું. ગાંધીધામના શખ્સે નવ લાખ રૂપિયાનો ચેક બાઉન્સનો કેસ પણ કર્યો હતો. પોલીસ વડા તરફથી કરવામાં આવતા લોક દરબાર અંગે તેમણે પોતાનો અનુભવ વ્યકત કર્યો હતો તેમજ વ્યાજે આપનાર અને વ્યાજે રૂપિયા લેનાર બંને સામે પગલા ભરવામાં આવે તેવો કાયદો બનાવાય તેવી રજૂઆત તેમના મારફતે સરકાર સમક્ષ મૂકી હતી.

MESનો કર્મી વ્યાજની ચુંગાલમાં ફસાયો : નાણા આપી દીધા છતાં વ્યાજ માટે દબાણ
એમ.ઇ.એસ.માં નોકરી કરતા કિશોરભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, તેમણે ચાર લાખ રૂપિયા ઉછીના લીધા હતા જેની બમણી રકમ ચૂકવી દીધી હોવા છતાં નોકરી કરવા માટે જવા દેતા નથી તેમજ 8થી 10 ટકા વ્યાજ વસુલ કરે છે. બે સ્ટેમ્પ પેપર અને કોરા ચેક લઇ લીધા હોવાથી બ્લેકમેઇલ કરી વ્યાજ ચૂકવવા મજબુર કરાતો હોવાની વ્યથા ઠાલવી હતી.

હમીરસરમાં આપઘાત કરનાર શખ્સના પુત્રએ વ્યથા ઠાલવી : કાર્યવાહીની માંગ
ગત સપ્તાહે શહેરના ભીલ વાસમાં રહેતા ગોકલભાઇ ભીલે હમીરસર તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી શખ્સે આપઘાત કર્યો હતો. લોકદરબારમાં તેમનો પુત્ર પણ હાજર રહ્યો હતો અને પોલીસવડા સમક્ષ રજૂઆત કરી હતી. વ્યાજખોરોનો ત્રાસ દિવસા-દિવસ વધતો જાય છે ત્યારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...