ગત ગુરુવારે આઈ.એમ.બી.એલ. પાસેથી એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આઠ પાકિસ્તાની પાસેથી કરોડોનો હેરોઇન જપ્ત કરવામાં આવ્યો હતો, બરાબર એક સપ્તાહ બાદ એટલે કે ગઇકાલે ગુરૂવારના પાકિસ્તાન મરીન સિકયુરિટી ભારતીય માછીમારોની છ બોર્ડ સાથે 36 માછીમારોનું આઈ.એમ.બી.એલ. પાસેથી અપહરણ કરી ગઈ છે. ગત સપ્તાહે એટીએસ અને કોસ્ટગાર્ડે આઠ પાકિસ્તાની પકડ્યા ત્યારે જ શંકા હતી કે આઈ.એમ.બી.એલ. પાસે PMC પાછો ચંચુપાત કરશે જે સંભાવના સાચી ઠરી હતી, અને છ બોટમાં સવાર 36 નિર્દોષ માછીમારોને સવારના અપહરણ કરી પાકિસ્તાન બંદર પર લઇ જવાયા છે.
PMCવાળા દાદાગીરી કરી ઉઠાવી ગયા
છ બોટમાં પાંચ પોરબંદરની અને એક વેરાવળની છે જે સારી માછલીની શોધમાં માછીમારો જતાં જ પીએમસી વાળા આવીને દાદાગીરી કરીને ઉઠાવી ગયા હતા. આઈ.એમ.બી.એલ. પાસે પીએમસી કમાન્ડો પડ્યા જ હોય છે ત્યારે ગત ગુરુવારના આઈ.એમ.બી.એલ. પાસેથી એટીએસ અને કોસ્ટગાર્ડે માણસોને પકડ્યો ત્યારે શંકા ગઈ હતી કે આઈ.એમ.બી.એલ. પાસે પાકિસ્તાનની એજન્સીઓની સાંઠગાઠ હોય તો જ પહોંચાય અને તેમને છૂપા આશીર્વાદ હતા એ તો નક્કી જ છે.
પાકિસ્તાનની અરબ સાગર પર નજર
આંતરરાષ્ટ્રીય જળસીમા પર વર્ચસ્વ જમાવવા માટે હાલમાં પીએમસીના નવા કમાન્ડોની મોટેપાયે ભરતી કરવામાં આવી છે. તેમજ આધુનિક બોટો અન્ય દેશો પાસેથી મેળવી અને કમાન્ડોને આધુનિક હથિયારથી સજ્જ કરવામાં આવ્યા છે. હિંદ મહાસાગરમાં ચીન પોતાનો કબજો બનાવી રહ્યો છે, મોટાભાગના જળવિસ્તારમાં તો પોતાનો પાક મિત્ર પણ પાછળ રહેવા માંગતો ન હોય તેમ અરબ સાગરમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં મથી રહ્યો છે. એ અલગ વાત છે કે ભારતીય એજન્સીઓ ઓલટાઇમ એલર્ટ રહેતા નાપાક ઈરાદા હજુ સુધી સફળ રહ્યા નથી અને ભારતીય એજન્સીઓનો તાલમેલ સારો રહેતા તે સફળ થવાના પણ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.