બાકી વેરા મુદ્દે સુધરાઇ હરકતમાં:વેરા વસુલાતની ગતિ વધી પણ 20 ટકા એ જ પહોંચી

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે 3 પાર્ટીને 12.52 લાખમાંથી 9.72 કરોડ રાહત અપાઈ
  • ​​​​​​​​​​​​​​હવે બાકી રહેતા 3 માસમાં 15 કરોડનો લક્ષ્યાંક પાર કરવો મુશ્કેલ

ભુજ નગરપાલિકાઅે વેરા વસુલાતની ગતિ તેજ બનાવી છે. પરંતુ, ડિસેમ્બર માસ પૂરો થયા ત્યાં સુધી અને 9 માસ જેટલા લાંબા સમય દરમિયાન કુલ મિલકતધારકોના માત્ર 20 ટકા જ વસુલાત થઈ છે. જોકે, કોરોનાને કારણે બાકીદારોને મિલકત વેરામાં રાહત અપાઈ છે, જેથી પણ વસુલાતનો અાંક નીચો જાય અેવી શક્યતા છે.

પ્રાપ્ત વિગતો મુજબ 2020ની અેપ્રિલથી 2021ના માર્ચ માસ સુધીના ગત હિસાબી વર્ષમાં મિલકત વેરા પેટે 11 કરોડ 52 લાખ 34 હજાર 708 રૂપિયા, વ્યવસાય વેરા પેટે 1 કરોડ 59 લાખ 41 હજાર 608 રૂપિયા, દુરાન ભાડા પેટે 44 લાખ 30 હજાર 817 રૂપિયા મળી કુલ 13 કરોડ 56 લાખ 14 હજાર 203 રૂપિયાની વિક્રમી વસુલાત થઈ હતી, જેથી ચાલુ 2021ની અેપ્રિલથી 2022ના માર્ચ માસ સુધીના હિસાબી વર્ષમાં 15 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રખાયો હતો.

પરંતુ, રાજ્ય સરકારે હોટલ, સિનેમા, જીમ સહિતના મિલકતધારકોને અગાઉના લેણા ભર્યા હોય તો ચાલુ હિસાબી વર્ષમાં મિલકત વેરો માફ કર્યો છે, જેથી લક્ષ્યાંક સુધી પહોંચવું સંભવન નથી. અલબત્ત નગરપાલિકાને અેટલી રકમ રાજ્ય સરકાર ચૂકવી દેશે. અેવું ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું. ટેક્સ સમિતિના ચેરમેન ધીરેન લાલને જણાવ્યું હતું કે, ચાલુ હિસાબી વર્ષના ડિસેમ્બર સુધી વ્યવસાય વેરા પેટે 1 કરોડ 5 લાખ 93 હજાર 6 રૂપિયા, દુકાન ભાડા પેટે 7 લાખ 59 હજાર 778 રૂપિયા, જ્યારે પાણી, ગટર, શિક્ષણ ઉપકર, જુના બાકી મિલકત વેરા પેટે મળીને કુલ 5 કરોડ 28 લાખ 11 હજાર 629 રૂપિયાની વસુલાત થઈ છે.

સૂત્રોઅે અાપેલી માહિતી મુજબ 38 હજાર મિલકત ધારકોમાંથી હજુ 20.30 ટકા જ રકમ વસુલી ગણાય. પરંતુ, હવે પાણી અને ગટર જોડાણ કાપવા ઉપરાંત મિલકત સીલ સહિતની કામગીરી હાથ ધરાવાની છે અેટલે બાકીના જાન્યુઅારી, ફેબ્રુઅારી, માર્ચ માસ દરમિયાન વધુ રકમ વસુલી લક્ષ્યાંક સુધી પહોંચી જાય અેવી શક્યતા નકારી ન શકાય.

સિનેમા, હોટલ, મોલને મોટી રકમ બાદ મળી
પ્રાપ્ત વિગતો મુજબ સિનેમાવાળા પાસેથી 2 લાખ 12 હજાર 168માંથી 1 લાખ 73 હજાર 290 રૂપિયા, હોટલવાળા પાસેથી 3 લાખ 9 હજાર 39 રૂપિયામાંથી 2 લાખ 42 હજાર 16 રૂપિયા, મોલ પાસેથી 7 લાખ 31 હજાર 246માંથી 5 લાખ 57 હજાર 325 રૂપિયા મિલકત વેરા બાદ મળ્યા છે. અામ, કુલ 12 લાખ 52 હજાર 453માંથી 9 લાખ 72 હજાર 631 રૂપિયા બાદ મળ્યા છે. જોકે, હજુ અન્ય સિનેમાઘરો, હોટલો અને મોલવાળાને પણ મિલકત વેરાની મોટી રકમ બાદ મળે અેવી શક્યતા છે.

કડક કાર્યવાહીની નોટિસનો અાંક 647
જે મિલકત ધારકો લાંબા સમયથી બિલની બજવણી છતાં લેણા ભરપાઈ કરતા નથી. અેમને છેલ્લી તક અાપી પાણી, ગટર સહિતના જોડાણ કાપવા અને જરૂર પડે મિલકત સીલ કરવા સહિતની નોટિસો અપાઈ છે. જેનો અાંકડો 647 ઉપર પહોંચી ગયો છે. જાન્યુઅારી માસ બાદ છેલ્લા પગલા રૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...