ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે વોર્ડ નંબર 1, 2 અને 3માં અાવેલી 800 જેટલી મિલકત નવી અાકારણી માટે તારવી છે. ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના ચોપડે ચડાવવા માટે મિલકતો માલિકોને નોટિસ પણ અાપી છે, જેમાં 100 જેટલા મિલકત માલિકોઅે દસ્તાવેજો પૂરા પાડ્યા છે અને હજુ 700 જેટલા મિલકત માલિકો ફરક્યા પણ નથી.
ભુજ શહેરના વિસ્તારોમાં અાવેલી મિલકતો ઉપર ભુજ નગરપાલિકા દ્વારા મિલકત વેરો, શિક્ષણ ઉપકર, પાણી, ગટર, સફાઈ અને રોડ લાઈટ સેવા ચાર્જ વસુલવામાં અાવે છે. પરંતુ, વોર્ડ કોટ અંદરના વોર્ડ નંબર 1, 2 અને 3માં મોટાભાગના મિલકત માલિકોઅે ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના ચોપડે ચડાવી નથી, જેમાંથી 800 જેટલા મિલકત માલિકોને નોટિસ પાઠવી છે. પ્રાપ્ત વિગતો મુજબ 2008 અને અે પછીના વર્ષમાં મિલકતો ઊભી થઈ છે, જેથી ત્યારથી 2022 સુધીમાં અેકાદ લાખ રૂપિયા જેટલી બાકી ચડત રકમ બોલે છે. જે ચડતી જ જાય છે.
જો મિલકત માલિકો નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચમાં મિલકત ચડાવશે નહીં તો ધીરેધીરે મિલકતની કિંમત જેટલી રકમ ચડી જશે અને વેચસાટ વખતે અે રકમ નહીં ભરે તો નો ડ્યૂ પ્રમાણપત્ર વિના નામ ટ્રાન્સફર પણ થઈ નહીં શકે, જેથી મિલકત માલિકો જાગૃતિ બતાવી જાતે જ ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના ચોપડે ચડાવે અે હિતાવહ છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મિલકત માલિકો 2012થી કે અે પછીના વર્ષથી મિલકતની માલિકી બતાવવા માંગે છે. પરંતુ, દસ્તાવેજ, લાઈટ બિલ, પાણી અને ગટર જોડાણના અાધારે તારીખ નક્કી થઈ શકે અેમ છે, જેથી મામલો ગૂંચવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.