લોકો પોતાના વિસ્તારના પ્રશ્નો અને રજૂઆતો રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ મોકલવા ધારાસભ્યો અને સાંસદોને ચૂંટતા હોય છે, પરંતુ કચ્છના નેતાઓ આ જિલ્લાના પ્રશ્નો ઉચ્ચ કક્ષાએ યોગ્ય રીતે ન મૂકતા હોવાની એક સામાન્ય રાવ છે. દેશના સૌથી મોટા જિલ્લાના સાંસદ વિનોદ ચાવડાએ લોકસભામાં તાજેતરમાં બે પ્રશ્ન પૂછ્યા છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે કચ્છના સાંસદે અધધધ 20 મહિના બાદ આખરે સંસદમાં પ્રશ્ન પૂછ્યા છે ! એમાં પણ વધારે ચોંકાવનારી વાત એ છે કે આ બે પ્રશ્નમાંથી એક પ્રશ્ન તો 20 મહિના પહેલાં પૂછેલો હતો !
આ અંગે મળતી વિગતો મુજબ, કચ્છના સાંસદને ભાજપે પ્રદેશના મહામંત્રીની પણ જવાબદારો સોંપી છે. જોકે તેમની પ્રથમ ફરજ તો સાંસદ તરીકેની જ છે. તેમણે છેલ્લે લોકસભામાં ગત તા. 12/12/19ના રોજ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2020માં એકપણ પ્રશ્ન પૂછ્યો ન હતો. ત્યાર બાદ વર્ષ 2021માં બજટ સત્રમાં પણ કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો.
પરંતુ આખરે 20 મહિના બાદ હાલ ચોમાસુ સત્રમાં સાંસદે કચ્છને લગતા બે પ્રશ્ન પૂછ્યા છે. એમાં ભુજ અને દિલ્હી વચ્ચે કોઈ સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવાની રેલવેની કોઇ યોજના છે કે કેમ એ અંગે તેમણે રેલવે મંત્રાલય સમક્ષ પ્રશ્ન પૂછ્યો હતો. એમાં રેલવે મંત્રાલયે આવી કોઇ યોજના હાલ ન હોવાનો જવાબ આપ્યો હતો. સાંસદે અન્ય એક પ્રશ્ન કચ્છના રાષ્ટ્રીય ધોરી માર્ગો અંગેનો પૂછ્યો હતો, જેનો પણ મંત્રાલયે સવિસ્તાર જવાબ આપ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ભુજ અને દિલ્હી વચ્ચે ટ્રેન અંગેનો પ્રશ્નો સાંસદે વર્ષ 2019માં પણ પૂછ્યો હતો.
ભુજમાં ફ્લાઇટનો પ્રશ્ન અસરકારક રીતે સંસદમાં ઉઠાવવો જોઈએ
દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. અહીં દેશનું સૌથી મોટું સરકારી બંદર છે, જેને પગલે કેન્દ્રને લગતા અનેક મુદ્દાઓ કચ્છને અસર કરે છે. ખાસ કરીને ભુજમાં ફ્લાઇટનો મુદ્દો મુખ્ય છે. પૂરતી ફ્લાઇટની સંખ્યા ન હોવાથી જિલ્લાના લોકો પરેશાન છે. એ મુદ્દો અસરકારક રીતે સંસદમાં સરકારે જણાવવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.