શ્વાસ પર સુરની સવારી:‘માઉથ ઓરગન’ માત્ર વાદ્ય નહિ, પણ યોગની સાધના પણ છે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં આર્થિક ફટકો પડયો, પરંતુ આશાવાદી 78 વર્ષીય જયકુમાર શર્માની જિંદગી છે સંગીત
  • સાઈઠ વર્ષમાં વિવિધ શહેરોમાં વીસ હજારથી વધુ કાર્યક્રમો કર્યા છે

જે ઉંમરે વ્યક્તિ હારી થાકી જાય અને બધા જ ક્ષેત્રે સન્યાસ લઈ લે, તે ઉંમરે મૂળ મુન્દ્રાના અને છ દાયકાથી વધુ સમય મુંબઈ વસનાર અઠ્ઠોતેર વર્ષીય જયપ્રકાશ શર્મા આજે પણ શ્વાસ પર સુરની સવારીના સંગાથે યુવાન રહ્યા છે. આ વાદ્ય વગાડવું એ યોગની પ્રક્રિયા સાથે સરખાવતાં કહે છે કે, શ્વાસ અંદર લેવો અને બહાર છોડવો એ હ્રદય અને ફેફસાં માટેની કસરત બરાબર છે. જુસ્સાને જીવંત રાખવામાં માઉથ ઓરગન મુખ્ય કારણ છે તેવું કહેતા વડીલ જયપ્રકાશ ઉમેરે છે કે, પાંચ વર્ષ અગાઉ કચ્છ પરિવાર સાથે આવવું પડ્યું, ત્યાં સુધી મુંબઈમાં તે સમયના સંગીતકારો અને અભિનેતાઓ સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાનો મોકો મળ્યો.

પંકજ મલિકથી કરીને કલ્યાણજી આણંદજી સાથે અનેક બેઠક કરી, તો વિવિધ સંસ્થાઓમાં અને સ્ટાર હોટેલમાં કાર્યક્રમો કર્યા છે. આજે કોઈ પ્રવૃત્તિ નથી તેનો વસવસો છે, કારણ કે જિંદગીભર સંગીત સાથે તોફાન મસ્તીભર્યા ગીતો રજૂ કર્યા છે. લાયન્સ, રોટરી, વૃદ્ધાશ્રમ, સિનિયર સિટીઝન સમક્ષ અનેક પરફોર્મ્સ કર્યા છે. તો રૂબી સ્પિલા કેન્સર હોસ્પિટલમાં દર્દીઓની નીરાશામય જિંદગીમાં આશાના કિરણો જન્માવ્યા અને જે આજે પણ કરવા ઉત્સુક છે.

મુંબઈની વાત કરતા ભાવુક થઈ જઈને વડીલ કહે છે કે, રાજ કપૂર, દિલીપ કુમાર, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર. ડી.બર્મન જેવી અનેક હસ્તીઓ સમક્ષ તેમણે કલા પીરસી છે. કચ્છ આવ્યા બાદ પરિવારના ત્રણ સભ્યો ગુમાવ્યા, આજે પુત્ર અને પુત્રી સાથે રહેતા શર્મા વતનમાં તેમની કલાના ક્ષેત્રમાં આર્થિક ઉપાર્જનની આશા રાખે છે. મુંબઈ જેવું કલ્ચર નથી, છતાં પણ ક્યાંક કોઈ પ્રોગ્રામ મળી જાય તેવી આશા આજે પણ જીવંત છે.

અન્ય વાદ્યોની સામે માઉથ ઓરગન ખાસ ઉપયોગમાં નથી લેવાતું, પણ તેનું મહત્વ તો છે જ. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાહુલ દેવ બર્મન તેના માસ્ટર હતા. આજે પણ આશા સાથે યુવાન જેવી સ્ફૂર્તિ સાથે જીવનના આ પડાવે સકારાત્મકતા ખરેખર અભિનંદનને પાત્ર છે.

બોક્સ : એકમાત્ર વાજિંત્ર જે શ્વાસ અંદર બહાર લેવામાં વાગે છે વાંસળી, પાવો, શરણાઈ આ બધા વાજિંત્ર ફૂંક મારવાથી વાગે છે. શ્વાસ અંદર લેવાથી કોઈ સૂર નથી નીકળતા. માઉથ ઓરગન એકમાત્ર એવું વાદ્ય છે કે, જેમાં શ્વાસ અંદર લો અને બહાર છોડો તો બંનેમાં સૂર નીકળે. સાનિધપામાગા ચાર સૂર શ્વાસ લેવા અને ચાર સૂર છોડવાથી વાગે છે. અલબત્ત તે વગાડવું સરળ નથી તે હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...