હવામાન:નલિયામાં પારો એક આંક ઘટ્યો, 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવ્વલ સ્થાને ગરમ ભુજમાં મહત્તમ 35.2 પર સ્થિર
  • રાજ્યમાં બીજા ક્રમના ઠંડા કંડલા (એ)મા 14.5 ડિગ્રી

નલિયામાં શિયાળો ધીરે ધીરે પક્કડ જમાવી રહ્યો હોય તેમ ન્યૂનતમ એક આંક નીચે ઉતરીને 12.6 થતાં રાજ્યમાં સૌથી ઠંડુ નગર બન્યું હતું તો બીજા ક્રમે રહેલા કંડલા એરપોર્ટ મથકે 14.5 ડિગ્રી સાથે શિયાળો પગપેસારો કરતો જણાયો હતો. ભુજમાં મહત્તમ 35.2ના આંકે સ્થિર રહેતાં ગરમ શહેર તરીકે અવ્વલ સ્થાન જળવાયેલું રહ્યું હતું.

સૌથી ઠંડા રહેલા નલિયામાં ઉંચું ઉષ્ણતામાન 33.5 રહેતાં વાતાવરણમાં વિષમતા જારી રહી હતી અને દિવસે ગરમી તથા રાત્રે ઠંડીનો બેવડો માસ નગરજનોને સહન કરવો પડ્યો હતો. શિયાળામાં શીત નગર તરીકે પંકાયેલા અબડાસાના મુખ્ય મથકે ત્રણ દિવસમાં પારો બે ડિગ્રી ગગડતાં હાડ થીજવતી ઠંડી પડવાના એંધાણ મળ્યા હતા. કંડલા એરપોર્ટ પર ન્યૂતતમ 14.5 ડિગ્રી નોંધાવાની સાથે ગાંધીધામ, અંજાર સહિતના વિસ્તારોમાં રાત્રિ ઠંડી બની હતી.

રાજ્યમાં સૌથી ગરમ ભુજમા ગરમી જારી રહી હતી જો કે, લઘુતમ એક આંક ઘટીને 19 ડિગ્રી થતાં મોડી રાત્રે પ્રસરતી ઠંડકમાં વધારો થયો હતો. તટીય કંડલામાં 32.3 અને 17.5 ડિગ્રી સાથે વાતાવરણ ખુશનુમા જણાયું હતું. મંગળવારથી ન્યૂનતમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઉંચકાવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...