લોકો ઝડપે તક:આરોગ્ય તંત્ર કહે છે કચ્છમાં 100 ટકા રસીકરણ પૂરું કરવું હવે લોકોના હાથમાં

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે કોવિશિલ્ડના 60,000 અને કોવેક્સિનના 5,000 ડોઝ ઉપલબ્ધ
  • ઓછું રસીકરણ થશે તો ભવિષ્યમાં બીજા ડોઝ ઓછા મળવાની ભીતિ

સરહદી કચ્છ જિલ્લામાં કોરોના વેકસીનેશનની કામગીરીમાં હવે એ તબક્કો આવી ગયો છે કે જ્યાં રસીકરણની યાત્રા થંભી ગઈ છે.અત્યારસુધી જિલ્લામાં 83 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ જ્યારે 32 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે પણ હવે આ આંકડો આગળ વધતો જ નથી.હેલ્થ ની ટીમો ગામડા ગામડા ખૂંદી વળી અને શહેરો ફરી વળી પણ રસીથી વંચિત રહેલા લોકો આગળ આવતા જ નથી. કોરોના વાયરસથી બચવા માટે રસીકરણ ફરજીયાત છે જેથી સમગ્ર કચ્છને વેકસીનયુક્ત બનાવવું જરૂરી છે. કચ્છને 100 ટકા વેકસીનયુક્ત જિલ્લો બનાવવા માટે દરેક કચ્છીઓ આગળ આવે તેવો અનુરોધ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે જણાવ્યું કે,જિલ્લામાં અત્યાર સુધી પ્રથમ ડોઝ 13,66,141 અને બીજો ડોઝ 5,27,500 થી વધુ લોકોએ મેળવી લીધો છે. આજે જિલ્લામાં 60,000 થી વધારે કોવિશીલ્ડ અને 5000 થી વધારે કોવેકસીન રસીના ડોઝ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.વધુમાં કહ્યું કે,રસીકરણની આ કામગીરીમાં જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં સમગ્ર તંત્ર મહેનત કરી રહ્યું છે.

જે જિલ્લામાં સૌથી વધુ લોકો ડોઝ મુકાવે તે જિલ્લાને એટલું વધારે વેક્સિન મળશે.કોરોના રસીના બે ડોઝ લઈ લેવાથી બીમારી સામે રક્ષણ મળે છે તેમજ હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવો ગંભીર કોરોના પણ થતો નથી તેમજ મૃત્યુ પણ અટકાવી શકાય છે. તંત્ર દ્વારા પ્રથમ અને બીજા ડોઝમાં બાકી રહેલા લાભાર્થીઓને વિવિધ માધ્યમથી સંપર્ક કરીને તેમને રસી લેવા સમજ અપાઈ રહી છે તેમજ શંકાઓનું વૈજ્ઞાનિક તથ્યો આધારિત સમાધાન પણ કરાઈ રહ્યું છે જેથી હવે કચ્છને વેકસીનયુક્ત બનાવવું એ આપણા હાથની વાત છે અને આપણા હિતની વાત છે જેથી બાકી રહી ગયેલા લોકો ઝડપથી પોતાનો ડોઝ મુકાવી સમાજ અને કચ્છને કોરોના સામે રક્ષણ આપવામાં મદદરૂપ બને તે માટેની અપીલ કરી હતી.

વેક્સિન આપવાવાળા તૈયાર તો લેવા વાળા કેમ નહિ ?
કચ્છ જિલ્લામાં સરકારી કેન્દ્રો પર વેક્સિન આપવાવાળા 700 થી વધારે કુશળ વેક્સિનેટર આજે-કાલે અને દરરોજ તૈયાર છે તેઓ વેકસીન આપવા માટે સજ્જ છે ત્યારે કચ્છમાં હજી પણ બાકી રહી ગયેલા લોકો ડોઝ મુકાવવા આગળ આવે એ જરૂરી છે.

1.85 લાખ લોકોના રસીના ડોઝ ડયું થઈ ગયા
કચ્છ જિલ્લામાં હાલની સ્થિતિએ કોવિશીલ્ડ રસી મુકાવનારા દોઢ લાખ અને કોવેકસીન રસી મુકાવનારા 35 હજાર લાભાર્થીઓના રસીના ડોઝ ડ્યું થઈ ગયા છે.નિયત તારીખ પર આ લોકોએ રસી મુકાવી નથી જેથી તેઓના ડોઝ બાકી બોલે છે. હજુ 2.72 લાખ લોકો પ્રથમ ડોઝથી વંચિત છે.

છ દિવસ બાદ સોમવારે 19,720 લોકોને રસી મળી
સોમવારે જિલ્લામાં 19,720 લોકોને રસી આપવામાં આવી હતી.જેમાં ગાંધીધામમાં 3630,અંજારમાં 3422,ભચાઉમા 2813,ભુજમાં 2744 જ્યારે મુન્દ્રામાં 2174,રાપરમાં 1620,નખત્રાણામાં 1483,માંડવીમાં 1288,અબડાસામાં 292 અને લખપત માં 254 લોકોએ રસી મુકાવી હોવાનું જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.સતત સાતમા દિવસે કચ્છમાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...