અશિક્ષિત જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં:બોગસ તબીબોને પકડવાની નામ માત્રની કામગીરી કરવામાં પણ કચ્છ જિલ્લાનો આરોગ્ય વિભાગ લકવાગ્રસ્ત બન્યો !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફ ઘટ હોવાથી ખબર હોવા છતાં કાર્યવાહી ન કરાતી હોવાનો સુર
  • અવારનવાર પોલીસ કાર્યવાહી કરીને હેલ્થ વિભાગનું નાક કાપી જાય છે તોય પગલાં નહિ

રાજ્ય જેવડો વિસ્તાર ધરાવતા સીમાવર્તી કચ્છ જિલ્લામાં આરોગ્યસેવા મુદ્દે અવારનવાર છીંડા સામે આવતા હોય છે.તેવામાં પણ ગાંધીધામ,મુન્દ્રા સહિતના ઔધોગિક પટ્ટામાં પરપ્રાંતીય વસ્તીમાં સરકારી દાક્તરી સુવિધાના અભાવે બોગસ ડોકટરોને બખ્ખા થઈ પડયા છે જેથી કમ્પાઉન્ડર કે 8/10 ભણેલા લોકો પણ દુકાનની આગળ ડોકટરનું પાટીયુ મૂકી પ્રેક્ટિસ કરી રહ્યા છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઊંટવૈધો પર કોઇ કાર્યવાહી કે પગલાં લેવામાં આવતા નથી જેથી આવા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે

કચ્છમાં અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તબીબોને ઝડપી લેવામાં આવે છે તેમાં આરોગ્ય વિભાગને સાથે રાખીને જ કાર્યવાહી કરવામાં આવે છે પણ આરોગ્ય વિભાગ દ્વારા પોતાની કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું ધ્યાને આવી રહ્યું છે.સૂત્રો એમ જણાવે છે કે,ખરેખરમાં કચ્છમાં ગ્રામીણ વિસ્તારોમાં સરકારી દવાખાનામાં તબીબોની ઘટ છે જેથી ઊંટવૈદ્ય સિવાય કોઈ વિકલ્પ નથી આરોગ્ય વિભાગને જાણ હોવા છતાં તેઓ કાર્યવાહી કરતા નથી જો કાર્યવાહી થાય તો લોકોને સાચી કે ખોટી આરોગ્ય સેવા પણ ન મળી શકે તે પણ એક હકીકત છે.

મોટાભાગના બોગસ દવાખાના અશિક્ષિત વિસ્તારો અને જ્યાં પરપ્રાંતીય લોકોની વસ્તી હોય ત્યાં જ ધમધમે છે. વાગડ વિસ્તારમાં પણ સરકારી દવાખાના ઘણા અંતરે હોઇ ઝડપી દવા લેવા માટે બોગસ તબીબોને ત્યાં નાછૂટકે જવું જ પડે છે. અંતરિયાળ અબડાસા નખત્રાણાના અમુક વિસ્તારો અને જ્યાં મોટા ભાગે શિક્ષણનું ચલણ ઓછું છે, ત્યાં દાકતરીનો નામ માત્રન અનુભવ ધરાવતા વ્યક્તિ બોગસ દવાખાનું ખોલી બેસી જાય છે. ખરેખર આ વિસ્તારની પ્રજાને જાગૃત કરી લોકોને સારી સ્વાસ્થ્ય સેવા મળે તે દિશામાં પગલાં ભરવાની તંત્રને જરૂરિયાત છે.કચ્છમાં બોગસ તબીબો સામે જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહી અન્વયે સીડીએચઓ ડો.જે.ઓ. માઢકને કોલ કરતા તેમણે સરકારી ફોન રિસીવ કર્યો ન હતો.

કમનસીબી : સુવિધાના અભાવે લખપતમાં ઊંટવૈધો પાસેથી જ દવા લેવી પડે છે !
છેવાડાના વિસ્તાર લખપતમાં દર્દીઓને પૂરતી આરોગ્ય સેવા મળતી નથી,અહીના સરકારી દવાખાનામાં તબીબો સહિતના સ્ટાફની ઘટ છે જેથી નાછૂટકે લોકોને ગામમાં ડોકટરની પદવી વગર દવાખાનું ચલાવતા વ્યક્તિ પાસેથી દવા ખરીદવી પડે છે જે તંત્ર માટે શરમજનક બાબત છે.તાજેતરમાં અહીં ઊંટવૈધને પકડવા માટે ઝુંબેશ પણ આયોજિત કરાઈ હતી પણ જો ઊંટવૈદ્યને પકડાવી દેવાય તો સ્થાનિક લોકો દવા ક્યાંથી મેળવશે તેવી બીકે કોઇ કાર્યવાહી થઈ નથી જે પણ એક કડવી વાસ્તવિકતા છે.

રણ વિસ્તારના અગરિયાઓ માટે પણ કોઈ વ્યવસ્થા નહીં
કચ્છના વાગડ વિસ્તારમાં મીઠાના અગરોમાં મોટી સંખ્યામાં અગરિયાઓ વસવાટ કરે છે પણ આ વિસ્તારમાંય સરકારી આરોગ્યની કોઈ સુવિધા નથી જેથી નાછૂટકે ઘરગથ્થુ ઉપચારથી પણ ઘણીવાર કામ ચલાવી લેવું પડે છે જ્યારે ખરેખર તેઓ તડકામાં ક્ષારવાળા પાણીમાં કામ કરતા હોવાથી આરોગ્યલક્ષી સારવારની તાતી જરૂરિયાત રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...