લોકલ રૂટો પર તવાઈ:ગુજરાત પંચાયત મહાસંમેલનમાં 11 માર્ચે સભ્યોને પહોંચાડવા અને પરત લાવવા દોડશે

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છથી અમદાવાદમાં 90 બસો મોકલાશે એસટીને 31.50 લાખ ચૂકવવા પડશે
  • પરાણે ભીડ એકઠી કરવામાં જિલ્લાના લોકલ રૂટો ઉપર અવળી અસરની ભીતિ

અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનમાં 11મી માર્ચે ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે, જેથી પરાણે ભીડ એકઠી કરવા સમગ્ર રાજ્યમાંથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને પહોંચતા કરવાની જવાબદારી સરકારી તંત્ર ઉપર ઠોકવામાં આવી છે, જેમાં કલેકટરે કચ્છમાંથી સદસ્યોને મોકલવા માટે એસ.ટી. વિભાગીય નિયામક પાસે 90 બસો ફાળવવાની માંગણી કરી છે. જોકે, મધ્યસ્થ કચેરીઅેથી શું હુકમ થાય છે અેના ઉપરથી વધઘટ પણ થઈ શકે છે. પરંતુ, જો 90 બસો કચ્છમાંથી દોડાવાશે તો 31.50 લાખ રૂપિયાનો અેડવાન્સ ચેક આપવો પડશે.

એક સમય હતો જ્યારે કોઈ રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાનો નેતા તો ઠીક પણ સ્થાનિક નેતા પણ સભા સરઘસનું આયોજન કરે તો લોકો સ્વયંભૂ એકઠા થઈ જતા હતા. પરંતુ, હવે સમય બદલાયો છે. લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા દિવસભર પ્રવૃતિમાં રહેતા હોય છે. અેટલે સભા સરઘસમાં જવા સમય જ રહેતો નથી, જેથી રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાના નેતાઅોના સભા સરઘસમાં પરાણે ભીડ અેકઠી કરવા રાજ્યભરની અેસ.ટી. બસો દોડતી કરી દેવાય છે. જોકે, શરૂઆતમાં બસો દોડાવાતી પણ ભાડું ચૂકવાતું નહોતું, જેથી રાજ્ય સરકાર કે સંબંધિત આયોજક ઉપર કરોડો રૂપિયાની બાકી બોલતી હતી.

પરંતુ, હવે એમાં સુધારો કરાયો છે. સરકારી કાર્યક્રમમાં જિલ્લાના વડાઅો ઉપર જવાબદારી નાખી દેવાય છે અને એસ.ટી. બસનું ભાડું એડવાન્સ ચેકથી ચૂકવી દેવું પડે છે. કચ્છમાંથી 90 એસ.ટી. બસો અમદાવાદ દોડશે તો કચ્છમાંથી લઈ જવા ઉપરાંત કચ્છમાં પરત લાવવા માટે એસ.ટી. બસ રોકાશે, જેથી પ્રત્યેક બસે 35000 રૂપિયા જેટલું ભાડું ચૂકવવું પડશે. જે 90 બસનું કુલ ભાડું 31 લાખ 50 હજાર રૂપિયા થઈ જશે. જે કલેકટરે અથવા જિલ્લા પંચાયતે અથવા તો આયોજકે ચૂકવવું પડશે.

ત્રિદિવસીય હાજીપીર મેળા માટે 60 બસો
કચ્છમાં 12મીથી 14મી માર્ચ સુધી હાજીપીરનો મેળો યોજાશે, જેમાં જવા માટે લોકોનો ભારે ધસારો રહેતો હોય છે. જોકે, હવે સમય બદલાયો છે. ખાનગી વાહનો હાથવગા થઈ ગયા છે. લોકો પાસે પણ પોતાના અંગત વાહનો વધી ગયા છે.

આમ છતાં ત્રિદિવસીય મેળા માટે કચ્છના અેસ.ટી. તંત્રે 60 બસો દોડાવવાનું આયોજન કર્યું છે. જે ભુજ ઉપરાંત નખત્રાણા, માંડી અને ભચાઉ સહિતના ડેપોમાંથી દોડશે. અેવું કચ્છ અેસ.ટી. વિભાગીય નિયામક વાય. કે. પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...