મહાપર્વ:આજથી દિવાળી પર્વનો દબદબાભેર આરંભ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે મહામારી નહિવત પ્રમાણમાં હોવાથી લોકોમાં તહેવારનો ઉત્સાહ બેવડાયો

રંગોળી થી લઈ દીવડા અને રોશનીથી લઈ મીઠાઈ સુધીના પ્રકાશના પર્વની ઉજવણીનો આજથી દબદબાભેર આરંભ થઈ ગયો છે.આ વખતે કાળી ચૌદશની તિથીનો ક્ષય હોવાથી એક જ દિવસમાં બે - બે તિથિનો સંયોગ સર્જાયો છે.ગત વર્ષે કોરોના મહામારીનો કહેર હોવાથી દિવાળી પર્વની ઉજવણી ફિક્કી રહી હતી.જોકે,આ વખતે કોરોના નહીવત પ્રમાણમાં જોવા મળતા ઉત્સવની ઉજવણીમાં ઉમંગ અને હર્ષોલ્લાસ બેવડાયો છે.

શરૂઆતથી જ ભુજની બજારોમાં ઘરાકી જોવા મળી હતી તેમાં પણ અંતિમ દિવસોમાં તો બજારોમાં ખાસ્સી એવી ગીરદી જોવા મળી હતી તો મોલ્સમાં પણ લોકોનો ધસારો હતો.લોકોએ આ વખતે મન મુકીને ખરીદી કરીને તહેવારની ઉજવણી માટેની તૈયારીઓ કરી છે.આજે આ દીપોત્સવી પર્વમાં ધનતેરસનો તહેવાર છે. વિક્રમ સંવતના આખાય વર્ષ સુધી માં લક્ષ્મીની કૃપા આપણા સૌ પર વરસતી રહે તેવી પ્રાર્થના આજે લોકો કરશે.આજના ધનતેરસના શુભ દીને ખાસ તો નવા વાહનો અને મકાનની ડિલિવરી લેવા સાથે સોના ચાંદીની ધૂમ ખરીદી થશે.લોકો શુકન સાચવવા માટે ચાંદીનો સિક્કો પણ ખરીદશે.તો વ્યવસાયિક એકમોમાં યંત્રો અને ચોપડાની પૂજનવિધિ કરવામાં આવશે.વેપારીઓ સાંજના સમયે દુકાનમાં ચોપડા પૂજન કરશે તો મંદિરોમાં પણ આજના દિવસે વિશેષ કાર્યક્રમોની આયોજન કરાયું છે.આવતીકાલે સવારે 9 વાગ્યા બાદ કાળી ચૌદશ અને પછી ગુરુવારે સૌ કોઇ ઉલ્લાસ અને ઉમંગભેર દિવાળીનો પર્વ ઉજવશે.આમ તો સરકારે દિવાળીના દિવસે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. જોકે આજથી જ ઠેકઠેકાણે આતશબાજી શરૂ થઈ જશે.

આજથી ભુજમાં મંગળા આરતી શરૂ
દીપોત્સવી પર્વ અનુસંધાને ભુજ શહેરમાં આજથી મંદિરોમાં મંગળા આરતી શરૂ થવા જઈ રહી છે.શહેરના હાટકેશ્વર મંદિર,જૂનું કલ્યાણેશ્વર મંદિર તેમજ સત્યનારાયણ મંદિરમાં વહેલી પરોઢે મંગળા આરતી કરવામાં આવે છે.આ આરતીનું વિશેષ મહત્વ એ છે કે, શહેરીજનો વહેલી સવારે નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ભગવાનની પૂજાવિધિમાં હાજરી આપે છે.દીપોત્સવી પર્વમાં મંગળા આરતીનો સવિશેષ મહીમાં રહેલો છે.

આજે ધનતેરસ : બપોરે 11 : 30 વાગ્યા પછી શુભમુહૂર્ત
આ વખતે દિવાળીના તહેવારમાં તિથીનો ક્ષય હોવાથી આજે સવારે વાઘબારસ છે અને સવારે 11 : 30 વાગ્યા પછી ધનતેરસની તિથિ શરૂ થવા જઈ રહી છે.આમ તો આ આખો દિવસ શુભ છે જેથી ગમે તે ઘડીએ સારા કાર્યો, ચોપડા પૂજન,વાહન અને સોનાની ખરીદી તેમજ નવા કાર્યોનો આરંભ કરી શકાય છે.જોકે ચોઘડિયા પ્રમાણે, આજે 11 : 31 થી 2 : 00,3: 15 થી 4 : 30 અને 5 : 43 થી 9 : 30 વાગ્યા સુધીના મુહૂર્ત શ્રેષ્ઠ હોવાનું ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ જણાવ્યું હતું. ધનતેરસના દિવસે દાન અને પુણ્યનો પણ ઘણો મહિમા છે.

અન્ય સમાચારો પણ છે...