નિવેદન:લોકોની લાગણી અને શ્રધ્ધા સાથે જોડાયેલા ધર્મસ્થાનોના વિકાસ માટે સરકાર સક્રિય

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ચિત્રોડમાં 2.14 કરોડના 12 કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રાપર તાલુકાના ચિત્રોડ ગામને અમદાવાદના સાંસદ ડો.કિરીટભાઇ સોલંકીએ દત્તક લેતાં આજે રૂ.2.14 કરોડના વિવિધ 12 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા. જે પૈકી ગામમાં અનુસૂચિત જાતિવાસમાં રૂ.3 લાખના ખર્ચે બનેલા પેવરબ્લોકનું લોકાર્પણ કરાયું હતું તેમજ અન્ય કામોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા.

સંત ત્રિકમદાસજી મહારાજની કર્મભૂમિ એવા ગુરૂગાદી ગામમાં સાંસદ ડો.કિરીટભાઇ સોલંકી અને વિનોદભાઇ ચાવડાની રજૂઆતના પગલે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંજુર થયેલ રૂ.2.97 કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામનાર ત્રિકમદાસજી ગાદી સંસ્થાન પ્રવાસન વિકાસનો આ તકે વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે શિલાન્યાસ કર્યો હતો.

ડો.નીમાબેન આચાર્યે “સંત ત્રિકમસાહેબની પવિત્ર તપોભૂમિમાં સંતોના ચરણોમાં વંદન કરતાં જણાવ્યું હતું કે, લોકોની લાગણી અને શ્રધ્ધા સાથે જોડાયેલા ધર્મસ્થાનોના વિકાસ અને સુવિધા, સગવડ માટે સરકાર સક્રિય છે. ભકતો, શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે સરકાર વિવિધ યાત્રાધામોનો વિકાસ કરી રહી છે. આ શ્રધ્ધાના યાત્રાધામો પ્રવાસન તરીકે પણ વિકસી રહયા છે. માર્ગ મકાન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ આ તકે વર્ચ્યુઅલી જણાવ્યું હતું કે, “વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરનાર કચ્છનો ભૂકંપ બાદ સર્વાંગીણ વિકાસ થયો છે. ચિત્રોડ ગામને દત્તક લેનારા સાંસદ ડો.કિરીટભાઇ સોલંકીએ જણાવ્યું હતું, “ ગ્રામ વિકાસ માટે સરકાર ગ્રામજનોની પડખે ઉભી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાંસદથી લઇ અધિકારી સુધી ગામને દત્તક લઇ ગ્રામ વિકાસનું સ્વપ્ન જોયું છે.

દલિત સંત પરંપરાના ગામોનો વિકાસ કરી આપણા ધાર્મિક સંસ્થાનોનો વિકાસ કરી ધાર્મિક ઉર્જા સાથે શિક્ષણને પણ વેગ આપીએ. અા તકે તેમણે કહ્યું હતુ કે ચિત્રોડ, રનોડા, કેસરડી, ઘોઘાવદર અને સરસવ ગામોને “આદર્શ સાંસદ ગામ” તરીકે વિકાસ સાથે દલિતોના આસ્થાસ્થાનોનો પણ વિકાસ કરવામાં આવશે. કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ વર્ચ્યુઅલી આ તકે જણાવ્યું હતું કે, દત્તક લેવાતા ગામ વિકાસ કરીને મોડલરૂપ બની અન્ય ગામોને પ્રેરણારૂપ બને. અમારું ગુરૂગાદી ગામ ચિત્રોડમાં સાંસદ આદર્શ ગ્રામ તરીકે વિકસે તેમજ સરકારે ગુરૂગામ ગાદી સંસ્થાના વિકાસ માટે રૂ.3 કરોડની ફાળવણી કરી છે તેના માટે દલિતો વતી સરકારનો આભાર પ્રગટ કરું છું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, કલેકટર પવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પોલીસ અધિક્ષક મયુર પાટીલ, પ્રાંત અધિકારી પી.એ.જાડેજા, ટીડીઓ કે.વી.મોઢેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, મામલતદાર કેતનભાઇ ચૌધરી, રાપર નગરપાલિકા પ્રમુખ વાલજીભાઇ વાવીયા, સરપંચ જવીબેન વેલજીભાઇ ખોડ, રાપર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અગ્રણી, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...