તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકરા પાણીએ:કચ્છને નર્મદાના વધારાના પાણી માટે સરકારે આશ્વાસનો જ આપ્યાં છે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ રાજ્યમંત્રી બાદ હવે પૂર્વ સાંસદ પણ પાણી મુદ્દે આકરા પાણીએ

કચ્છને નર્મદાના વધારાના પાણી મળે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆતો થઇ રહી છે જે બહેરા કાને અથડાતાં આજ સુધી ઠોસ પગલા ભરાયા નથી. સરકારના આ વલણથી નારાજ પૂર્વ રાજ્યમંત્રીએ ઇચ્છા શક્તિનો અભાવ કારણભૂત હોવાનું કહેતાં ઉચ્ચકક્ષાએ પત્ર વ્યવહાર કર્યો હતો જે નિરર્થક રહેતાં હવે પૂર્વ સાંસદ પણ મેદાનમાં ઉતર્યા છે. વધારાના પાણી માટે તેમણે જિલ્લા ભાજપ અધ્યક્ષને કરેલી રજૂઆતમાં તત્કાલિન અને વર્તમાન સરકારે માત્ર આશ્વાસનો જ આપ્યા હોવાનું જણાવ્યું છે.

તાજેતરમાં યોજાયેલી પ્રદેશ ભાજપની વર્ચ્યૂઅલ બેઠકમાં નર્મદાના વધારાના પાણીનો પ્રશ્ન ઉઠાવનારા પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ ભાજપના જિલ્લા અધ્યક્ષને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભાજ૫ની વર્તમાન અને ગત અનેક સરકારો દ્વારા કચ્છના વિકાસ માટે કરાયેલા કાર્યો બિરદાવવા લાયક છે પરંતુ જિલ્લાનો અતિ મહત્વનો પ્રાણ પ્રશ્ન નર્મદાના વધારાના એક મીલિયન એકર ફૂટ પણીનો છે. આ માટે અગણિત વખત ૨જુઆતો કરાઇ છે અને તેના પ્રત્યુતરમાં વર્તમાન અને ગત રાજય સરકારો ધ્વારા અગણિત વખત આશ્વાસનો અપાયા છે. વાસ્તવમાં આ પ્રશ્ન આજ સુધી વણઉકેલ જ છે તેમજ નજીકના ભવિષ્યમાં ઉકેલ આવે તેવું જણાતું પણ નથી.

સમસ્યાનો છેવટનો ઉપાય સૂચવતાં પૂર્વ સાંસદે કચ્છ ભાજપ સંગઠન અને આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ પ્રદેશ ભાજપ પ્રમુખની આગેવાનીમાં મુખ્યમંત્રીને મળી રજુઆત કરે અને આ માટેનું આયોજન શક્ય તેટલું ઝડપથી ગોઠવાય તેમ જણાવ્યું હતું. નર્મદાના વધારાના પાણી કચ્છને મળે તો તેજ ગતિથી વિકાસ થાય તેમ છે જેને પગલે આ સરહદી જિલ્લો રાજયના અન્ય વિભાગોની બરોબરીમાં આગળ વધી શકે તે બે મત છે. આ પ્રશ્ન હવે વધુ સમય વણ ઉકેલ રહેશે તો ભાજપ અને વર્તમાન સરકારને નુક્સાન થશે તેવી ગર્ભિત ચીમકી આપતાં પૂર્વ સાંસદે તાત્કાલિક તેમની આ રજૂઆત પ્રદેશ કક્ષાએ પહોંચાડવા ભાજપના જિલ્લા અધ્યક્ષ કેશુભાઇ પટેલને પત્ર પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...