ધોળાવીરામાંયે ધોલેરાવાળી!:વિશ્વ વિરાસત સ્થળે એરપોર્ટ બનાવવા સરકારને જમીન પણ મળતી નથી!

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ બનાવવાની જાહેરાત સરકારે 2014માં કરી હતી, આઠ વર્ષ બાદ હજુ યોજનાનું જમીન પર લેન્ડિંગ નહી !
  • જાહેરાત પૈકી માત્ર માંડવીમાં જ એરસ્ટ્રીપ કાર્યરત : બાકીની હવાઇપટ્ટીઓમાં અલગ-અલગ વિઘ્નો

વિસ્તારની દ્રષ્ટીઅે ભારતના બીજા નંબરના હડપ્પીય પુરાતત્વીય શહેર ધોળાવીરા હવે તો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. પરંતુ સરકારે જાહેર કરેલી અનેક યોજના હજુ વર્ષો વિત્યા છતાં જમીન પર ઉતરી નથી. જેવી રીતે અમદાવાદના ધોલેરા ખાતે અાંતરરાષ્ટ્રીય અેરપોર્ટની જાહેરાતના વર્ષો વિત્યા બાદ પણ કોઇ નક્કર અાયોજન થઇ રહ્યું નથી. તેમ ધોળાવીરા ખાતે પણ અેરપોર્ટ બનાવવાની જાહેરાત ગુજરાત સરકારે છેક 2014માં કરી હતી પણ અાજે 8 વર્ષ બાદ અેરપોર્ટ તો દૂરની વાત પણ તેના માટે જમીન પર સરકાર મેળવી શકી નથી !

અા અંગે મળતી વિગતો મુજબ વર્ષ વર્ષ 2014માં રાજ્યના પ્રવાસન મંત્રી સાૈરભ પટેલે કચ્છના ધોળાવીરા, માંડવી સહિતના સ્થળોઅે અેરસ્ટ્રીપ બનાવવા નક્કી કર્યું હોવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. ધોળાવીરાને વર્ષ 2021માં યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ તરીકેનો દરજ્જો પ્રાપ્ત થઇ ગયો છે. પરંતુ ધોળાવીરામાં અેરપોર્ટ કે હવાઇ પટ્ટી માટે સરકારને અાટલા વર્ષો બાદ પણ જમીન મળી નથી ! અાટલા વર્ષોમાં સ્થાનિકથી લઇને કેન્દ્ર સુધી ભાજપની જ સરકાર છે. છતાં જમીન સરકાર મેળવી શકી નથી.

જમીન અંગેની અા માહિતી ખુદ વિધાનસભામાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રીઅે અાપી હતી. સરકારે ગત તા.22/2/19ના વિધાસભામાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, મોરબી, દહેજ, પાલિતાણા, ધોળાવીરા, રાજકોટ, અંકલેશ્વર, પરસોલી, રાજપીપળા, માંડવી, વણોદ(બેચરાજી) અને બગોદરા ખાતે રાજ્યની માલિકીની એરસ્ટ્રીપ વિકસાવવાનું આયોજન હોવાની માહિતી અાપી હતી. તેમાંથી કેટલા સ્થળે કામ પૂર્ણ થયું તેની માહિતી તાજેતરમાં તા. 31/3/22ના વિધાનસભામાં માંગવામાં અાવી હતી.

તેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીઅે જણાવ્યું હતું કે, અંબાજી, દ્વારકા, મોરબી, પાલિતાણા, રાજકોટ, અંકલેશ્વર, પરસોલી, રાજપીપળા, માંડવી, અને બગોદરા ખાતે એરસ્ટ્રીપ વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. દહેજ અને ધોળાવીરામાં યોગ્ય જમીન ઉપલબ્ધ નથી. જ્યારે વણોદ (બેચરાજી) હવાઈપટ્ટી બાંધકામની કામગીરી પડતી મૂકવા નિર્ણય લેવામાં આવ્યો છે. અા તમામમાં હાલ માત્ર માંડવી એરસ્ટ્રીપ કાર્યરત છે.

બાકી એરસ્ટ્રીપ વિકસાવવાની કામગીરી જમીન સંપાદન તેમજ ભારત સરકારનાં વિવિધ મંત્રાલયો તરફથી વૈધાનિક મંજૂરીઓ મેળવ્યા બાદ હાથ ધરી શકાય તેમ હોવાનું સરકારે કહ્યું હતું. નવાઇની વાત અે છે કે વર્ષ 2019માં પણ સરકારે ધોળાવીરામાં જમીન ઉપલબ્ધ ન હોવાનું કારણ અાપ્યું હતું. અામ ત્રણ વર્ષમાં સરકારે ધોળાવીરામાં હવાઇ પટ્ટી માટે જમીન શોધી શકી નથી.

ઘડૂલી-સાંતલપુર માર્ગના લીધે અા અેરપોર્ટ મહત્વપૂર્ણ
હાલ ઘડૂલી-સાંતલપુર માર્ગનું કામ ચાલી રહ્યું છે. જે ખડીર થઇને જ પસાર થાય છે. જો ધોળાવીરામાં અેરપોર્ટ બને તો તે પ્રવાસનની સાથોસાથ કચ્છના સરહદી લોકોને લાભ મળશે. સાથે ઉત્તર ગુજરાતના લોકોને પણ તેનો લાભ થઇ શકશે. રણોત્સવમાં અાવતા પ્રવાસીઅોને પણ અા અેરપોર્ટના કારણે ફાયદો થશે.

દેશની સુરક્ષા માટે પણ જરૂરી
ખડીર સરહદી વિસ્તાર છે. ઉત્તર બાજુઅે મોટારણ બાદ અાંતરરાષ્ટ્રીય સરહદ છે. તેવામાં અા વિસ્તારમાં જો હવાઇપટ્ટી હોય તો કટોકટીના સમયે દેશની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. અંતરિયાળ વિસ્તાર તેમજ અહીં સેનાના જવાનો ફરજ તૈનાત હોવાથી આપત્તિ કે કટોકટીના સમયે સરહદ પર પહોંચવા માટે હવાઇપટ્ટી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...