ઉજ્જવળ ભવિષ્ય:કચ્છમાં ત્યજી દેવાયેલા 20 કુમળા ફૂલનું ભારતમાં, 8નું વિદેશમાં ભવિષ્ય ખીલ્યું

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રે 7 વર્ષમાં 28 બાળકો અાપ્યા દત્તક
  • સંસ્થાઅે અત્યાર સુધી 375 દીકરીઅોને ઉછેરીને પરણાવી

ભુજના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં નિરાધાર બાળકોને અાશ્રય અપાઇ રહ્યો છે અને છેલ્લા 7 વર્ષમાં 28 બાળકોનો ઉછેર કરી, તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દત્તક અપાયા છે, જેમાં ભારતમાં 20 અને વિદેશમાં 8 કુમળા ફૂલનું ભવિષ્ય ખીલ્યું છે.અગાઉ બાળકો દત્તક અાપવા માટેનું લાઇસન્સ સંસ્થા પાસે ન હતું, જે વર્ષ 2015થી મળ્યા બાદ દત્તક વિધાન માટેની પ્રક્રિયા પણ અોનલાઇન કરવામાં અાવી રહી છે. છેલ્લા 7 વર્ષના અાંકડા પર દ્રષ્ટિપાત કરીઅે તો વર્ષ 2015-16થી વર્ષ 2021-22 સુધીમાં 16 દીકરીઅોમાંથી ભારતમાં 12 અને વિદેશમાં 4 અને 12 દીકરામાંથી ભારતમાં 8 અને વિદેશમાં 4 મળી કુલ 28 કુમળા ફૂલનું ભવિષ્ય ખીલ્યું છે.

1954થી ભુજમાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અસ્તિત્વમાં અાવ્યું છે ત્યારથી અત્યારથી સુધી અંદાજિત 375 જેટલી દીકરીઅોનો ઉછેર કરી, સ્વમાનભેર સાસરે વળાવાઇ છે. તેમાંય છેલ્લા 15 વર્ષમાં 20 દીકરીઅોને પરણાવાઇ છે. સંસ્થા પ્રમુખ કમલાબેન વ્યાસ, સંચાલિકા ઇલાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ 0થી6 વર્ષના દીકરા-દીકરીઅોનો ઉછેર, દીકરીઅોના લગ્ન અને દત્તક માટેની પ્રક્રિયા કરવામાં અાવી રહી છે.

પોલીસ, બાળ સુરક્ષા અેકમના પ્રમાણપત્ર બાદ દત્તક માટેની ગતિવિધિ
સંસ્થાને જયારે કોઇ ત્યજાયેલું બાળક મળી અાવે ત્યારે પોલીસ દ્વારા તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરાય છે અને બે મહિનામાં તેનો રીપોર્ટ અાપવાનો હોય છે. પોલીસના અા પ્રમાણપત્ર અને બાળ સુરક્ષા અેકમનો રીપોર્ટ સંસ્થાને મળ્યા બાદ તે રીપોર્ટ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ મૂકાય છે અને ત્યારબાદ જ જે-તે બાળકને દત્તક અાપવા માટેની ગતિવિધિ હાથ ધરાય છે. બાળક શારીરિક રીતે સ્વસ્થ છે કે કેમ તે માટે 15થી 17 જેટલા મેડિકલ રીપોર્ટ કરાવ્યા બાદ તે રીપોર્ટ અોનલાઇન દત્તક માટેની પ્રક્રિયા દરમ્યાન અપલોડ કરવાના હોય છે.

7 વર્ષમાં 7 સગીરા કુંવારી માતા બની
સત્તાવાર વિગતો મુજબ કચ્છમાં 7 વર્ષમાં 7 દીકરીઅો કુંવારી માતા બની છે. સગીરાવસ્થામાં માતા બની હોય તેવા કિસ્સામાં તે સગીરાના સંતાનનો યોગ્ય ઉછેર, વિકાસ થાય તે માટે જે-તે સગીરાના ભવિષ્યને ધ્યાનમાં રાખી સગીરાના માતા-પિતા સામેથી સંતાનને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મૂકી જતા હોય છે. વર્ષ 2015-16થી 2021-22 અેટલે કે, 7 વર્ષમાં અાવા કિસ્સામાં 5 દીકરી અને 2 દીકરા મળી 7 બાળકોનો ઉછેર કરવામાં અાવી રહ્યો છે.

ત્યજાયેલા 24 બાળકોને અાશ્રય
સંસ્થાના મેનેજર કો-અોર્ડિનેટર અવનીબેન જેઠીઅે જણાવ્યું હતું કે, જિલ્લામાં ત્યજી દેવાયેલા અને પોલીસ કે, જે-તે હોસ્પિટલ મારફતે સંસ્થાને છેલ્લા 7 વર્ષમાં મળી અાવેલા કુમળા ફૂલ પૈકી 14 દીકરી અને 10 દીકરા મળી કુલ 24 બાળકોનો ઉછેર કરવામાં અાવી રહ્યો છે. 6 વર્ષ સુધીના દીકરા-દીકરીને સંસ્થામાં જ રખાય છે અને 6 વર્ષથી ઉપરના દીકરાને કાળજી અને રક્ષણની હેઠળ અલગ રાખવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...