તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાભાવથી સફળતા:કચ્છના ખડીર સુધી પહોંચી સેવાની સુવાસ, સેવાભાવીઓના પ્રયાસોથી કોરોના પર મહદઅંશે કાબૂ મેળવાયો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણ વિસ્તારના 12 ગામના સમૂહ 'ખડીર' પ્રાંતમાં કોરોના સામેની લડાઈ સફળતા તરફ .

ઐતિહાસિક ધરોહર એવી હડપીય સંસ્કૃતિ ધરાવતા ધોળાવીરાનો જ્યાં સમાવેશ થાય છે એવા બાર ગામના પંથક ખડીર વિસ્તારમાં કોરોના મહામારી સામે સેવાભાવી લોકો દ્વારા કરાયેલી તાકીદની સેવા રંગ લાવી રહી છે. અને નવા કેસ આવવા પર મોટાભાગે અંકુશ આવી ગયો છે.

સમગ્ર જિલ્લાની સાથે ખડીર બેટના ગામોમાં પણ કોરોના બીમારીનું પ્રમાણ વ્યાપક પણે ફેલાઈ જવા પામ્યું હતું. જેની સાથે આ વિસ્તારના દર્દીઓને સારવાર સંબંધી અનેક જરૂરિયાતો પણ ઉભી થઇ રહી હતી. ત્યારે લોકોની સારવાર માટે ખડીરના જનાળ ગામ ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફને ઈલાજ માટે ખૂટતી તમામ મેડિકલ સામગ્રી પુરી પાડવાની કામગીરી સેવાભાવી લોકો દ્વારા શરૂ કરવામાં આવી.

અંદાજિત 12 હજારની વસ્તી ધરાવતા ખડીરમાં રાજકીય અને સેવાભાવી અગ્રણી નરેન્દ્રદાન ગઢવી અને તેમની સાથેના રૂપેશભાઈ આહીર, ગાંધીધામના જયદેવભાઈ અયાચી વગેરે આગેવાનોએ સહયોગીઓ સાથે મળીને દવાખાનામાં લાંબા અંતરની સતત સફર દ્વારા 10 જેટલા ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવ્યા, અને તેની સાથે કોરોનાની ટેસ્ટ પ્રક્રિયા વધારવા લોકોને સમજાવવામાં આવ્યા. અને 500 જેટલી રેપીડ ટેસ્ટ કીટ સ્વખચે સરકારી હોસ્પિટલને પુરી પાડી. સાથે સાથે ફ્લફ્રુટનું વિતરણ પણ ચાલુ રાખ્યું . અને દરેક ગામના આગેવાનોને મળીને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા લોકોને સમજાવે એવી અપીલ કરવામાં આવી.તો અગ્રણીઓ સાથે સંકલન કરી કોરોના અટકાવ માટે ખડીરના લોકોની બહારના વિસ્તારમાં આવાગમન પર રોક લગાવી દીધી. જેમાં સળંગ 6 દિવસ સુધી ખડીરને સંપૂર્ણ બંધ રાખાવ્યું.

અલબત્ત હવે ખડીર વિસ્તારમાં કોરોના કાબુમાં હોવાનું સેવાભાવી નરેન્દ્રદાન ગઢવીએ જણાવતા કહ્યું હતું કે ચિંતાજનક સ્તરે વધી રહેલી કોરોના બીમારીને અટકાવવા મારા સહયોગીઓ અને લોકોએ ખૂબ મહેનત કરી, જિલ્લા મથક ભુજથી 230 કી. મી. દૂર અને રાપરથી 100 કી. મી. દૂર હોવા છતાં ખડીરના લોકો માટે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવ્યા, તેની સાથે પોતાના વાહન મારફત રિફીલિંગ સેવા પણ ચાલુ રાખી. 10 જેટલા ગંભીર દર્દીઓને છેક ગાંધીધામ ,ભૂજ સુધી રીફર કરવાની કામગીરી કરાઈ હતી. જનાણ સી.એચ.સી. કેન્દ્રના તબીબ, સ્ટાફ અને 108 દ્વારા પણ ખૂબ સારી કામગીરી કરવામાં આવી. આ સેવાની નોંધ લઈ ખડીર મુલાકાતે આવેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરકારી હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ અને તબીબનું બહુમાન પણ કર્યું હતું.

વિશેષમાં છેલ્લા પંદર દિવસમાં 500 રેપીડ ટેસ્ટ, 300 કોરોના દવા કીટ, 1 હજાર કિલોથી વધુ ફળફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને જ્યાં સુધી કોરોના બીમારી નાબૂદ નહીં થાય ત્યાં સુધી ખડીર પંથકના લોકો માટે મેડિકલ સહિતની તમામ સેવા પૂરી પાડવામાં આવશે. અત્યાર સુધી કુલ 220 કોવિડના કેસ સામે આવ્યા છે. જેમાંથી 6 વ્યક્તિ અવસાન પામ્યા. તો 110 જેટલા હોમ આઇશોલેટ સારવાર હેઠળ સ્વસ્થ થયા છે. હજુ 50 જેટલા કેસ સક્રિય છે. જયારે નવા કેસ હવે એકલ દોકલ એકાંતરે આવી રહ્યા છે. તેથી નવા કેસનું પ્રમામ ઘટી ગયું છે. જે અમારા માટે સંતોષની વાત કહેવાય.

સૌથી રહતરૂપ અને આનંદદાયક ઘટના એ રહી કે ગામના 40 વર્ષીય બાબુ ખીમાં સંજોટ નામના યુવકે 84 ટકા જેટલો ચેપ શરીરમાં ફેલાઈ ગયો હતો. પરંતુ અમે તેમના ઈલાજમાં સતત પ્રયત્નશીલ રહ્યા, અને અંતે લાંબી સારવાર બાદ તે સ્વસ્થ બની ઘરે પરત ફર્યા.આમ કોરોના મહામારીના બિહામણા માહોલ વચ્ચે અનેક નાના મોટા સેવાભાવીઓ, સંસ્થાઓ, અને વિવિધ સમાજ વગેરે દ્વારા સેવારૂપી કામગીરી લોકોને માનસિક ઓક્સિજન પૂરું પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...