તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાનુનના લાંબા હાથ:માધાપરથી ફોર્ચ્યુનર કાર લઇને ભાગેલો સાધુ અંતે પકડાયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના બ્યાવર ખાતેથી આરોપીને પોલીસે દબોચી લેવાયો
  • ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઢોંગી સાધુને કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા

માધાપર હાઇવે પર કાર લે-વેચ વેપારી પાસેથી ફોરચ્યુનર કાર લઇને નાસી જનાર આરોપી સાધુને પોલીસે રાજસ્થાન બ્યાવર ખાતેથી દબોચી લીધો છે. આરોપી પાસેથી મુદામાલ રીકવર કરીને ઢોંગી સાધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોઇ પોલીસે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગત શુક્રવારે માધાપર હાઇવે પર કાર લે-વેચનો વેપાર કરતા મહેશગર વેલગર ગુસાઇ પાસેથી ટેસ્ટ ડ્રાઇવના બહાને ફોરચ્યુનર કાર અને રૂપિયા 50 હજાર લઇને નાસી છુટેલા સાધુ પ્રદિપકુમાર પોપટલાલ શાહને ઝડપી લેવા બી ડિવિઝન પોલીસે નાકા બંધી સહિતના પગલા લીધા હતા.

દરમિયાન રાજસ્થાન તરફ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. રાજસ્થાન પોલીસને વોચ રાખવાનો મેસેજ જતાં રાજસ્થાન પોલીસે બ્યાવર ખાતેથી ફોરચ્યુનર કાર સાથે આરોપીને પકડી લીધો હતો. આરોપીને ભુજ બી ડિવિઝન પોલીસની ટીમ રાજસ્થાનથી આરોપી પ્રદિપકુમાર શાહ (ઉ.વ.60) નામના ઢોંગી સાધુને ભુજ લાવીને પુછતાછ હાથ ધરતાં આરોપીએ ગુનાની કબુલાત આપી હતી. આરોપી પાસેથી કાર અને રૂપિયા 50 હજાર રીકવર કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે, કેમ તે સહિતની તપાસ હાથ ધરી છે.

ઢોંગી સાધુ સામે વાહન ચોરી સહિત 6 ગુનોઓની તપાસ ચાલે છે
પકડાયેલો ઢોંગી સાધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ રાજકોટ શહેરમાં બે, અમરેલીમાં એક, સાબરકાંઠાના ઇડરમાં જાહેર નામનો અને હથિયાર બંધીનો ગુનો તેમજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વાહન ચોરીના ગુનાઓ સહિતના પાંચ પોલીસ મથકોમાં ગુનો નોંધાયા છે. તે ગુનોઓમાં પોલીસની તપાસ ચાલુ હોવાનું આરોપીએ ખુદ પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

કચ્છમાં ટોકન પર જમીન ખરીદી અનેકને ચોપડ્યો છે ચેનો
આરોપી ઢોંગી સાધુએ કચ્છમાં ટોકન પર જમીન ખરીદીને કેટલાક લોકોને શીશામાં ઉતાર્યા હોવાની પણ ચર્ચા છે આ બાબતે પોલીસ સમક્ષ માહિતીઓ આવી છે અને તે દિશામાં સઘન તપાસ હાથ ધરાઇ હોવાનું સામે આવ્યું છે.

આધાર કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ મળી આવ્યા
આરોપી સાધુ પાસેથી બોગસ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળી આવતાં પોલીસે તેના વિરૂધ આઇપીસી 465,468,471ની કલમનો વધારાનો ગુનો દર્જ કરી તે દિશામાં તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...