કચ્છને કુદરતે છૂટા હાથે સુંદરતા બક્ષી છે. રણ, દરિયો અને ડુંગરો ધરાવતા અા પ્રદેશની અવનવી તસવીરો બહાર આવતી હોય છે. કચ્છના રણની પણ સેટેલાઇટ તસવીરો ભારત સહિત દુનિયાભરની સ્પેસ અેજન્સીઅો જાહેર કરતી હોય છે. તેવામાં હાલ ઘડુલી-સાંતલપુર માર્ગના ભાગરૂપે પચ્છમથી ખડીર (ધોળાવીરા)ને જોડાતા રણ રસ્તાનું કામ ચાલુ છે. માનવ ઇતિહાસમાં પ્રથમ વખત અહીં માર્ગ બની રહ્યો છે ! હાલ માત્ર માટીકામ થયું છે પણ વાહન-વ્યવહાર શરૂ થઇ ગયો છે. બન્ને બાજુ રણના લીધે અા માર્ગ પર અલૌકિક સુંદરતાનું નિર્માણ થાય છે.
અનેક પ્રવાસીઅો તો અા માર્ગને સ્વર્ગના માર્ગ તરીકે ઉપમા આપી રહ્યા છે. હવે અા રસ્તાની પ્રથમ સેટેલાઇટ તસવીરો ભાસ્કરે મેળવી છે. અમેરિકન સ્પેસ અેજન્સી નાસા અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના અત્યાધૂનિક સેટેલાઇટ લેન્ડસેટ-9ના ડેટાનો ઉપયોગ કરી અા રણ રસ્તાની પ્રથમ વખતે સેટેલાઇટ તસવીર મેળવાઇ છે. જેમાં કચ્છના અફાટ મોટા રણને ચીરતો રસ્તો માટીની સીધી લીટી પ્રકારે સ્પષ્ટ દેખાય છે. તસવીરમાં કાળો ડુંગર અને ખડીરની ટેકરીઅો જોઇ શકાય છે.
લેન્ડસેટ-9 કુદરતી અને માનવ-પ્રેરિત ફેરફારો દર્શાવે છે
ઉપગ્રહ લેન્ડસેટ 9 ને અમેરિકામાં 27 સપ્ટેમ્બર 2021 ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો. નાસા ઉપગ્રહના નિર્માણ, પ્રક્ષેપણ અને પરીક્ષણની જવાબદારી સંભાળે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે ઉપગ્રહનું સંચાલન કરે છે અને ડેટા આર્કાઇવનું સંચાલન અને વિતરણ કરે છે. લેન્ડસેટ પ્રોગ્રામમાં તે નવમો ઉપગ્રહ છે. લેન્ડસેટ પ્રોગ્રામ પૃથ્વીની સેટેલાઇટ ઇમેજના સંપાદન માટે સૌથી લાંબા સમય સુધી ચાલતું કાર્યક્રમ છે. લેન્ડસેટ ઉપગ્રહોઅે અત્યારસુધી લાખો તસવીરો મેળવી છે.
દુનિયાભરમાં અા તસવીરો વૈશ્વિક પરિવર્તન સંશોધન અને કૃષિ, નકશાશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, વનસંવર્ધન, પ્રાદેશિક આયોજન, સર્વેલન્સ અને શિક્ષણના અભ્યાસ માટે એક અનન્ય સ્ત્રોત છે. વૈશ્વિક જમીન કવર અને જમીનના ઉપયોગના બદલાવ, હવામાન અને આબોહવા પરિવર્તન, ઇકોસિસ્ટમ કાર્ય અને સેવાઓ, કાર્બન સાયકલિંગ સહિતની માહિતી મેળવવામાં અા મદદ મળે છે. લેન્ડસેટએ એકમાત્ર યુએસ સેટેલાઇટ સિસ્ટમ છે જે કુદરતી અને માનવ-પ્રેરિત ફેરફારો બંનેને દર્શાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.