કોરોના વેકસીનેશન:રસીકરણના નવતર પ્રયાસનો ફિયાસ્કો થતાં હવે બીજીવાર આયોજન નહીં થાય

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિવાળી પૂર્વે બજાર, મોલ, કોલેજ સહિતના સ્થળોએ યોજાઈ હતી ડ્રાઇવ

કચ્છમાં કોરોના વેકસીનેશન અભિયાનને આગળ ધપાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા નવતર આયોજનના ભાગરૂપે દિવાળી પહેલા બજાર,મોલ,કોલેજ સહિતના જાહેર સ્થળોએ વેકસીન ડ્રાઇવ રાખવામાં આવી હતી. જોકે, આ નવતર આયોજનને જે તે સમયે સારો પ્રતિસાદ ન મળતા આયોજનનો ફિયાસ્કો થયો હતો. જેથી હવે આ પ્રકારનું આયોજન નહિ થાય.કચ્છમાં સરકાર દ્વારા અપાયેલા લક્ષ્યાંકના આધારે 16,38,318 લોકોને વેકસીન આપવાનું આયોજન છે. પ્રથમ ડોઝની કામગીરી તો સાવ સુસ્ત થઈ ગઈ છે.

જોકે પ્રથમ ડોઝ મુકાવનારા 3 લાખથી વધુ લોકો મુદત આવી ગઈ છતાં રસી મુકાવવા માટે આગળ આવ્યા નથી. લોકોને સમજાવવા અને વિનવણી કરવા છતાં રસી મુદ્દે હકારાત્મક પ્રતિસાદ મળતો ન હતો. દરમ્યાન દિવાળીના સમયમા બજારોમાં ભારે ભીડ રહેતી હોવાથી જિલ્લા તંત્ર દ્વારા ભીડમાં રસીકરણની સેશન રાખવામાં આવી હતી.ખાસ કરીને ભુજ, અંજાર અને ગાંધીધામ શહેરમાં બજાર,કોલેજ,મોલ,બસ સ્ટેશન,રેલવે સ્ટેશનમાં આ નવતર ડ્રાઇવ રાખવામાં આવી હતી.

જોકે પાંચ દિવસની આ ડ્રાઇવમાં જોઈએ એટલો પ્રતિસાદ મળ્યો ન હતો. ડીડીઓએ અગાઉ જણાવ્યું હતું કે,આ 5 દિવસનો પાયલોટ પ્રોજેકટ છે જો સફળતા મળશે તો દિવાળી બાદ આયોજન કરવામાં આવશે પણ પ્રોજેકટ દરમ્યાન લોકો તરફથી સહકાર ન મળતા હવે બીજીવખત આ પ્રકારે આયોજન કરવામાં નહિ આવે તેવું જાણવા મળ્યું છે.

પ્રોજેકટ નિષ્ફળ જવા પાછળ આ કારણો જવાબદાર
સમય : દિવાળી પહેલા લોકો ખરીદી અને ઉજવણીમાં વ્યસ્ત હતા. જેથી લોકો પાસે રસી મુકાવવાનો સમય ન હતો.
કામગીરી : દિવાળીની રજાઓ આવતી હોવાથી મોટાભાગના આરોગ્ય સ્ટાફને વતનમાં જવાની ઇચ્છા હતી. જોકે એક્સ્ટ્રા રજા કેન્સલ થઈ જતા કમને કામગીરી થતી હતી.
ગંભીરતા : પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ બીજો ડોઝ મુકાવવો કેમ જરૂરી છે ? તેની શુ અસરો હોઈ શકે ? બીજો ડોઝ સમયમર્યાદામાં મુકાવવો કેમ અનિવાર્ય છે ? મહત્વ સહિતના પાસાઓ બાબતે લોકોમાં હજી પણ અજાણતા છે જેથી બીજો ડોઝ મુકાવવામાં લોકો નીરસ છે. આ બાબતો અંગે આરોગ્ય વિભાગ લોકોને સાચી અને સ્પષ્ટ માહિતી પહોંચાડી શક્યું નથી.
બીમારી : હાલમાં દરેક ઘરોમાં બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે તેમજ સારવાર પાછળ પરિવાર રોકાયેલો હોવાથી રસી મુકાવવા માટે આજ - કાલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...