ફિયાસ્કો:પાલિકાના મહિલા સફાઈ કામદારોને જમાડવાના સમારંભનો ફિયાસ્કો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 3 નગરસેવિકા અાવતા, સાૈને કોલ કરી બોલાવવા પડ્યા
  • વિધાનસભા અધ્યક્ષાઅે જવાબદારી ઉપાડનારાને ખખડાવી નાખ્યા

ભુજમાં ગુરુવારે ભુજ મત વિસ્તારના ધારાસભ્યની બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને હાલમાં જ કચ્છના ત્રીજા અને વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા બનનારા ડો. નિમાબેન અાચાર્યઅે ભુજ નગરપાલિકાની મહિલા સફાઈ કામદારોને જમાડવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, જેમાં નગરસેવિકાઅોને પણ બોલાવાઈ હતી. પરંતુ, 150 વ્યક્તિના જમણવાર સામે માત્ર 7 મહિલા સફાઈ કામદારો અને 3 નગરસેવિકાઅો જ અાવી હતી, જેથી જવાબદારી ઉપાડનારાને ડો. નિમાબેન અાચાર્યઅે અાડે હાથ લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન અાચાર્યઅે ગુરુવારે બપોરે ભુજ નગરપાલિકાની મહિલા સફાઈ કામદારોને જમાડ્યા બાદ સાડી અોઢાડવાની ભાવના વ્યક્ત કરી હતી, જેમાં તમામ નગરસેવિકાઅો ઉપરાંત પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર અને મુખ્ય અધિકારી મનોજ સોલંકીને પણ ઉપસ્થિત રાખવાનું અાયોજન કરાયું હતું. જે કાર્યક્રમની તમામ જવાબદારી તેમના નજીકના નગરસેવકને સોંપી હતી. પરંતુ, અામંત્રણ અાપવામાં ક્યાંક કાંઈક કાચું કપાઈ ગયું, જેથી બપોરે અેક દોઢ વાગ્યા સુધીમાં માત્ર 7 મહિલા સફાઈ કામદારો અને 3 નગરસેવિકાઅો જ અાવી હતી. પ્રમુખ અને મુખ્ય અધિકારી અાવ્યા ન હતા, જેથી તેમને કોલ કરી બોલાવાયા હતા અને પૂછાણું લેવાયું હતું, જેથી પ્રમુખે ખુલાસો કર્યો હતો કે, મને જવાબદારી સોંપાઈ ન હતી.

સેનિટેશન સમિતિના બ્રાન્ચ હેડનો મોબાઈલ સ્વીચ અોફ અાવતો હતો. ઠેકેદાર અને દરેક વોર્ડરને તેમના વોર્ડમાંથી મહિલા સફાઈ કામદારોને બોલાવવા સૂચના અાપવામાં અાવી હતી. જે બાદ 60 મહિલા સફાઈ કામદારો અને ઉપપ્રમુખ સહિત 7 નગરસેવિકાઅો અાવી હતી. છેવટે સાંજે ચારેક વાગ્યે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીમાં અાંતરિક ખટપટ ચરમસીમાઅે છે, જેમાં ક્યારેક ગરિમા ચૂકાઈ જતી હોય છે. જેનો વધુ અેક અનુભવ ડો. નિમાબેન અાચાર્યને થયો હતો.

માહિતી ખાતાની સરકારી યાદી શું કહે છે
માહિતી ખાતાની યાદીમાં કહેવાયું હતું કે, વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ ભુજમાં તેમના નિવાસ સ્થાને તમામ વોર્ડની 125 સફાઇ કામદાર મહિલાઓ સાથે સંવાદ યોજયો હતો, તેમણે તેમના પરિજનોના ખબર અંતર પૂછ્યા હતા. તેમના પગાર અને જીવન ધોરણ જેવી બાબતોમાં પણ પોતાપણું દાખવીને પૂચ્છા કરી હતી. તમામ સફાઇ કર્મચારી બહેનોને સાડી આપી તેમનું સન્માન કરી તેમના કાર્યનહી સરાહના કરી હતી. જે તે વોર્ડની સફાઇ કામદાર મહિલાને ત્યાંના કાઉન્સેલર સાથે પરિચય કરાવ્યો હતો, જેથી તેમના વોર્ડના સફાઇના પ્રશ્નોનું તેઓ સંકલન કરી ત્યાં જ નિવારણ લાવી શકે. કામદાર મહિલાઓને મોકળા મને તેમના પ્રશ્નો અને સમસ્યાઓ ડો. નીમાબેન આચાર્ય સામે રજુ કરી હતી. જે અંગે જરૂરી કાર્યવાહી કરી સફાઇ કામદાર મહિલાઓના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા કોન્ટ્રાકટર, સુપરવાઇઝરોને સૂચના આપી હતી.

જમવાનું નહીં, પગારનું કાંક કરો
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શરૂઅાતમાં અાવેલી સાતેક મહિલા સફાઈ કામદારોઅે ફરિયાદના સૂરમાં જણાવ્યું હતું કે, અમને જમવામાં રસ નથી. અમને અમારા નિયમિત પગાર અને પૂરતા પગારમાં રસ છે. અેનું કાંક કરો.

અન્ય સમાચારો પણ છે...