સિદ્ધિ:લારી પર રોટલા વેચી પિતાએ ભણાવ્યો, પુત્ર 25 વર્ષની ઉમરે બન્યો અધિકારી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે રોટલાવાળા કાકાનો પુત્ર સ્ટેટ ટેક્સ અોફિસર બનતા ખુશી
  • મેડિકલમાં હેલ્પર અને કલાર્ક તરીકે નોકરી કર્યા બાદ યુવકે જીપીઅેસસીની તૈયારી શરૂ કરી
  • પિતા અને પરિજનોએ હિંમત વધારી અને રાજયભરમાં ભુજના યુવકે 206મું નંબર મેળવ્યું

શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ પાસે 40 વર્ષથી અેક સામાન્ય લારી પર બાજરાના રોટલા વેચતા કાકાના પુત્રઅે જીપીઅેસસીની પરીક્ષામાં 208મું નંબર મેળવી સ્ટેટ ટેક્સ અોફિસર બન્યો છે. ભુજના હોસ્પિટલ રોડ પાસે રામક્રૃષ્ણ કોલોનીમાં રહેતા 25 વર્ષીય યુવકે રાજયભરમાં 206મું નંબર મેળવી 25 વર્ષની ઉમરે વર્ગ-2 અધિકારી બની શ્રમજીવી પરીવારનું નામ રોશન કર્યું હતું. મુળ રાજસ્થાન છોટુરામ યાદવના પુત્ર નીતીનભાઇ છેલ્લા ચાર દાયકાથી શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે બાજરાનો રોટલો અને મગનું શાક વેચવા માટે લારી લગાવે છે.

નીતીનભાઇનો પુત્ર વિવેક યાદવ 25 વર્ષની ઉંમરે જીપીઅેસસીની પરીક્ષા અાપી રાજયભરમાં 206મું નંબર મેળવ્યું છે. જે શ્રમજીવી પરીવારને કયારે ટેક્સ અંગે કોઇ માહિતી નથી, મોટો પુત્ર સામાન્ય નોકરી અને પિતા બાજરાના રોટલા વેચી જીવન નિર્વાહ કરે છે તે પરિવારનો પુત્ર સ્ટેટ ટેક્સ અોફિસર બનતા પરિજનો અને સબંધીઅોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પિતાની હૈયાધારણા અને ભાઇના સપોર્ટથી પુત્ર વિવક છેલ્લા બે વર્ષથી જી.પી.અેસ.સી.ની તૈયારી કરતો હતો અને અંતે તેણે વર્ગ-2 અધિકારી બન્યો હતો.

પરીક્ષાની તૈયારી શરૂ કરી તે પહેલા વિવેક અેક વર્ષ કલાર્ક અને બે-ત્રણ માસ મેડીકલ સ્ટોરમાં હેલ્પર તરીકે પણ નોકરી કરી હતી. સામાન્ય પરીવારમાંથી અાવતા યુવકે રાજયભરમાં 206મું નંબર મેળવી પરીવારનું નામ રોશન કર્યું હતું.

ભુજની શાળામાંથી ભણતર શરૂ કર્યું
​​​​​​​વર્ગ-2 અધિકારીમાં સમાવેશ થયો છે અે યુવક વિવેક ભુજથી જ ભણતરની શરૂઅાત કરી હતી. હોસ્પિટલ રોડ મધ્યે અાવેલી ભુજ ઇંગ્લીશ સ્કુલમાં ધોરણ અેકથી અગિયાર સુધી અભ્યાસ કર્યો હતો. બાદમાં 12મું ધોરણ અોલ્ફ્રેડમાંથી અેક્સર્ટનલ કર્યું હતું. 2013થી 2017 સુધી કચ્છ યુનિવર્સિટી મધ્યે બી.અે.માં અેક્સર્ટનલ અભ્યાસક્રમ કર્યું હતું. બાદમાં યુવકે પરિવારને મદદ કરવા માટે બે-ત્રણ માસ મેડીકલમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી, બાદમાં સરકારી કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરી હતી. તો અેક વર્ષ મિલિટરી અેન્જિનિયર સર્વિસ (અેમ.ઇ.અેસ.)માં અાઉટ સોર્સિંગ મારફતે કોન્ટ્રાકટ પર કલાર્ક તરીકે નોકરી હતી. જો કે, જી.પી.અેસ.સી.ની તૈયારી કરવાની ઇચ્છા દર્શાવતા મોટાભાઇઅે તેને હૈયાધારણા અાપી નોકરી મુકી દેવાની સલાહ અાપી હતી. 2019માં તમામ નોકરી મુકી તૈયારી શરૂ કરી અને સફળતા મેળવી હતી.

શરીરમાં લોહીની ઉણપ હોવાથી બે વર્ષ બેડ રેસ્ટ લીધો
વિવેક યાદવ સાથે વાત કરતા તેમણે ખુશી સાથે જણાવ્યું હતું કે, પિતા અને પરિવારના સપોર્ટથી તેણે અા સિદ્ધિ હાંસલ કરી છે. વિવેકને હિમોફિલિયા રોગ છે, શરીરમાં લોહિની ઉણપ છે. અા રોગને કારણે શરીરમાં કયાંક પણ ઇજા થાય તો લોહી બંધ થાય નહીં, જેથી પોતે બે વર્ષ સુધી બેડ રેસ્ટ લીધો હતો. 2015 અને 2016માં હિમોફિલિયા રોગને કારણે તેણે બેડરેસ્ટ લઇ અેક્સર્ટનલ અભ્યાસ કર્યો હતો. જી.પી.અેસ.સી. પરીક્ષામાં તેણે ગુજરાતમાં 206મું રેન્ક મેળવ્યું છે અને 1000માંથી 419.25 ગુણ મેળવ્યા છે.

મોટાભાઈએ પરિવારના સપોર્ટ માટે નોકરી શરૂ કરી
વિવેક યાદવ એમ.ઇ.એસ.માં આઊટ સોર્સિંગ મારફતે કલાર્કની નોકરી કરતો હતો, જો કે જીપીએસસી પરીક્ષાની તૈયારી કરવાની હોવાથી મોટા ભાઈએ તેને આ નોકરી મુકાવી દીધી હતી. જો કે પરિવારને સ્પોર્ટ મળી રહે તે માટે મોટાભાઈએ પોતે નોકરી શોધી કામ કરવાનું શરુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...