• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Fate Of 5642 Contenders Will Be Sealed In The Ballot Box Today, Police Arrangements Have Been Made At The Polling Stations.

ગ્રામ પંચાયત ચૂંટણી:આજે 5642 દાવેદારોનું ભાવિ મતપેટીમાં થશે સીલ, મતદાન મથકોએ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં ગામના પ્રથમ નાગરિકની 344, સભ્યની 2125 બેઠકો માટે મતદાન થવાનું હોઇ તંત્ર સજ્જ
  • મંગળવારે તાલુકા મથકોઅે મત ગણતરી કેન્દ્રોમાં ખુલશે મતપેટી
  • પોલીસ, પોલિંગ સ્ટાફ મતપેટી, ચૂંટણીલક્ષી સાહિત્ય સાથે પહોંચ્યા મતદાન કેન્દ્ર પર

કચ્છમાં 478 પૈકી 117 ગ્રામપંચાયતો સમરસ, ટેકનિકલ બિનહરીફ થતાં 361 ગ્રામપંચાયતોમાં અાજે તા.19-12, રવિવાર મતદાન થવાનું છે. અમુક ગ્રામપંચાયતોમાં માત્ર સરપંચ માટે તો અમુકમાં માત્ર સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે. જિલ્લાની 361 ગ્રામપંચાયતોમાં સરપંચપદની 344 બેઠકો માટે 895 ઉમેદવારો અને સભ્યપદની 2125 બેઠકો માટે 4747 દાવેદારો મેદાને છે. રવિવારે 342242 પુરુષ, 329103 મહિલાઅો, 5 અન્ય મળી કુલ 671350 મતદારો મતદાન કરશે અછેલ્લા અેક કલાકમાં કોરોન દર્દી કરશે મતદાનને સરપંચ, સભ્યપદના 5642 ઉમેદવારોનું ભાવિ મતપેટીઅોમાં સીલ થશે.

તા.21-12, મંગળવારના તાલુકા મથકોઅે ઉભા કરાયેલા મત ગણતરી કેન્દ્રો ખાતે મતદાનપેટીઅો ખુલશે અને મળશે નવા 344 સરપંચ અને 2125 સભ્યો. મતદાનને લઇને વહીવટી તંત્ર સજ્જ છે અને શનિવારે પોલિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીઅો વગેરે મતદાન પેટીઅો, બેલેટ પેપર, મતદાન કુટીર સહિત ચૂંટણીલક્ષી સાહિત્ય સાથે મતદાન કેન્દ્રોઅે પહોંચી ગયા હતા.

ગ્રામ્ય મામલતદાર વિવેક અેચ. બારહટના માર્ગદર્શન હેઠળ ભુજની લાલન કોલેજ ખાતેથી તાલુકાના મતદાન કેન્દ્રોઅે પોલિંગ સ્ટાફ રવાના થયો હતો. કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.અે પણ મુન્દ્રા ખાતેના કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને શનિવારે કલેક્ટર કચેરીઅે તમામ પ્રાંત અધિકારી, પોલીસ સહિતના અધિકારીઅો સાથે બેઠક મળી હતી.

લખપત તાલુકામાં મતદાન માટે તંત્ર સજ્જ
લખપત તાલુકાની ગ્રામપંચાયતોની યોજાનારી ચૂંટણીને લઇને વહીવટી તંત્ર સજ્જ છે. તાલુકા મથક દયાપરમાં ચૂંટણી કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો છે, જયાંથી શનિવારે ચૂંટણી કામગીરીમાં રોકયેલા અધિકારી, કર્મચારીઅો, પોલીસ સ્ટાફને જરૂરી ચૂંટણી સાહિત્ય અપાયું હતું અને મામલતદાર જે.અેન. દરબાર તેમજ અન્ય અધિકારીઅોઅે બપોર બાદ ચૂંટણી કમાગીરીમાં રોકાયેલા કર્મચારીઅોને મતદાન કેન્દ્રોઅે અેસ.ટી. બસ મારફતે રવાના કર્યા હતા.

મુન્દ્રામાં ખુદ કલેક્ટરે જ ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થા ચકાસી
મુન્દ્રા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 21 ગામો પૈકી 17 ગામોમાં યોજાવા જઈ રહેલા મતદાનની પૂર્વ સંધ્યાએ પ્રશાસન દ્વારા જડબેસાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી. રવિવારે વહેલી સવારથી મતદાનના શ્રીગણેશ થયા બાદ મોડી સાંજે સંપૂણ ગતિવિધિઓ સમેટાયા બાદ દરેક ગામની મતપેટી ચુસ્તબંદોબસ્ત વચ્ચે મુન્દ્રા સ્થિત આરડી હાઈસ્કૂલના પ્રાગણમાં ખસેડાશે. જ્યાં 21 તારીખના થનારી મત ગણતરી અગાઉ મંડપ અને ચૂંટણીલક્ષી વિવિધ વિભાગોના સ્ટોલ ખડા કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યપદના ઉમેદવારોના ભાવિ નક્કી થાય તે પહેલાં આરડી શાળાની તદ્દન સામે આવેલા શાસ્ત્રી મેદાનમાં સમર્થકોના ટોળાં એકત્રિત થાય છે અને ત્યાંથી વિજયી ઉમેદવારોનું સરઘસ વાજતે-ગાજતે નગરમાં ફરી વડે છે, માટે તે વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતો હોવાનું સર્વવિદિત છે.

અંજાર તાલુકાની 24 ગ્રામપંચાયતોમાં 55 સરપંચ અને 336 સભ્યો વચ્ચે રસાકસીનો જંગ જામશે
અંજાર તાલુકાની 24 ગ્રામપંચાયતો માટે આજે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં હાલે 55 સરપંચપદના ઉમેદવારો અને 336 સભ્યપદના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળશે. તો બીજી તરફ તાલુકાના 4 સંવેદનશીલ ગામો પર પોલીસ ચાંપતી નજર રાખશે. આ અનવે મળતી માહિતી મુજબ અંજાર તાલુકામાં કુલ 33 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલી જ વાર ચૂંટણી યોજાઈ રહેલી પશુડા ગ્રામ પંચાયત ઉપરાંત નગાવલાડીયા તથા બીટાવલાડીયા આથમણા ગ્રામપંચાયત સમરસ થઈ છે. તો ટપ્પર, ખેડોઈ, નાની નાગલપર, પાતિયા, લોહારિયા મોટા તથા સંઘડ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ છે. જેથી હવે બાકી રહેતી 24 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. આ 24 ગ્રામપંચાયતોમાંથી બુઢારમોરા, મેઘપર-બો. તથા માથક ગ્રામપંચાયતમાં સરપંચ પદ બિનહરીફ જાહેર કરી દેવાતાં માત્ર સભ્યપદ માટે જ ચૂંટણી યોજાશે. અંજાર તાલુકામાં કુલ 4 ગામો સંવેદનશીલ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. જેમાં ભીમાસર, સતાપર, મીંદિયાળા તથા લાખાપરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેઘપર-બો. તથા વરસામેડીમાં પણ કાયદો વ્યવસ્થા સચવાઈ રહે તે માટે કુલ 6 ગામો પર પોલીસ ચાંપતી નજર રાખશે. એક દિવસ પહેલા એટલે કે શનિવારથી જ વહીવટી તંત્રમાં દોડધામ જોવા મળી હતી. જેમાં કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પોલિંગ સ્ટાફ અને પોલીસકર્મીઓને ચૂંટણી સામગ્રી તેમજ કોરોના સામેની રક્ષા માટેની કીટ સાથે જુદા જુદા મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. આ માટે ટાઉનહોલ ગ્રાઉન્ડમાં બસ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

અંજાર તાલુકાના આ 24 ગામોમાં યોજાશે ચૂંટણી
દુધઈ, ધમડકા, બુઢારમોરા, ખીરસરા, નવાગામ, ચાંદ્રાણી, હીરાપર, કોટડા, સતાપર, આંબાપર, લાખાપર, ખોખરા, વરસામેડી, ભીમાસર, મેઘપર-બો., ભુવડ, મીંદિયાળા, મોટી નાગલપર, વાડા, ભલોટ, માથક, વીરા, તુણા અને વંડી.

534 જણનો પોલિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ રાપર તાલુકાના મતદાન કેન્દ્રોઅે રવાના
રાપરની મોડર્ન સ્કૂલ ખાતે બનાવવામાં આવેલા કન્ટ્રોલ રૂમ ખાતેથી તાલુકાની 44 ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતપેટી સાથે 534 જણનો પોલિંગ સ્ટાફ 13 અેસ.ટી. બસ, અેક જીપ મારફતે રવાના થયો હતો. અા સાથે 14 ઝોનલ અધિકારીઓ પણ જોડાયા હતા. તમામ બૂથો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે બોર્ડર રેન્જ આઈજી જે આર. મોથાલિયાની સુચનાથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા મયૂર પાટીલના માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવાયએસપી કે. જી ઝાલા પીઆઇ પી એન. ઝીઝુવાડિયા, પીએસઆઇ જી.જી. જાડેજા, ડી. આર ગઢવી વગેરેએ તમામ બુથો પર ચેકીંગ કર્યું હતું.

મત કેન્દ્રોઅે જવા ચૂંટણી સ્ટાફનું નખત્રાણાથી પ્રસ્થાન
ગ્રામ પંચાયતની ચૂંટણી કામગીરી માટે પ્રિસાઇડિંગ અધિકારી, પ્રથમ, દ્વિતીય, તૃતીય અધિકારી, પટ્ટાવાળાથી માંડીને પોલીસ, જી.આર. ડી.સહિતના કર્મચારીઓ પોતાને ફાળવાયેલા મતદાન મથક પર પહોંચવા માટે નખત્રાણાથી પ્રસ્થાન કર્યું હતું.

કચ્છમાં 48 કલાક સુધી નશીલા પદાર્થના વેચાણ પર પ્રતિબંધ
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કોઇ વ્યક્તિ, ઇસમ દારૂ પી, દંગા ફસાદ કરી ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે 48 કલાક સુધી દારૂ કે, તેના જેવા નશાકારક પદાર્થો, ચીજવસ્તુઅોના વેચાણ પર પ્રતિબંધ મૂકી ડ્રાય ડે જાહેર કરાયો છે. તા.19-12ના સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી, જેમાં જો પુન: મતદાન થાય તો પુન: મતદાનનો દિવસ અાવરી લેવાશે અને તા.21-12ના મત ગણતરીના દિવસ માટે કલેક્ટર પ્રવીણા ડી.કે.અે ડ્રાય ડે જાહેર કર્યો છે.

છેલ્લા અેક કલાકમાં કોરોના દર્દી કરશે મતદાન
વર્તમાન સમયે કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે તેવી સ્થિતિમાં તકેદારી સાથે મતદન થવાનું છે. જન સંપર્ક અધિકારી નિરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોવિડને લઇને સંબંધિત મતદાન મથકોઅે સાંજે છેલ્લા અેક કલાક દરમ્યાન કોરોના દર્દીઅો મતદાન કરી શકશે.

શુક્રવારના સાંજે જ બેલેટ પેપર અાપી દેવાયાનો આક્ષેપ
ભુજ તાલકાના મતદાન કેન્દ્રો પર નિયત કરાયેલા સ્ટાફ પૈકી અમુક પોલિંગ સ્ટાફને તા.17-12, શુક્રવારના સાંજે જ પોલીસ સ્ટાફ વિના બેલેટ પેપર અાપી દેવાયા હોવાના અાક્ષેપો ખુદ સ્ટાફ દ્વારા જ ઉઠી રહ્યા છે ત્યારે અા અંગે ભુજના ગ્રામ્ય મામલતદાર વિવેક અેચ. બારહટે અા અાક્ષેપોને ખોટા હોવાનું જણાવી તમામ પોલિંગ સ્ટાફને બેલેટ પેપર વગેરે સામગ્રી સાથે પોલીસ સ્ટાફ સાથે શનિવારના રવાના કરાયા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...