તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુઝિવ:સુરજબારી-માળિયા રેલવે બ્રિજની સમસ્યાનો અંત કે આરંભ?

ભુજ/સામખિયાળી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી હાઇવે પર ટ્રાફીકનો પ્રશ્ન હવે રોજીંદો બની ગયો છે - Divya Bhaskar
કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી હાઇવે પર ટ્રાફીકનો પ્રશ્ન હવે રોજીંદો બની ગયો છે
  • હાલની ટ્રાફિક સમસ્યાના મૂળ હરિપર પુલમાં પણ પુન:નિર્માણ માટે ભાંગફોડની શક્યતા
  • ડબલ ડેકર કન્ટેનર ટ્રેન દોડાવવા માટે માળિયા પાસેનો જૂનો બ્રિજ તોડવો પડશે: હરીપર પાસે મુખ્ય પુલનો એક ભાગ તૂટી જતા બે મહિનાથી સમારકામ ચાલુ

કચ્છનાં પ્રવેશદ્વાર સમા સુરજબારી હાઇવે પર ટ્રાફીકજામ શબ્દ હવે રોજીંદો બની ગયો છે દરરોજ આ નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોના થપ્પા લાગે છે અને હજી એકવખત વાહનચાલકોને આ હાડમારી ભોગવવી પડે તો નવાઈ નહિ કારણકે અમદાવાદ - માળિયા વચ્ચે ડબલ ડેકર કન્ટેનર ટ્રેન દોડાવવાની યોજના છે જે માટે માળિયા નજીક રેલવેના બે ઓવરબ્રિજની ઊંચાઈ નડતરરૂપ થતી હોવાથી આ બ્રિજ તોડવામાં આવશે જેમાં જુના બ્રિજને તોડીને નવો બનાવવાનું આયોજન કરાયું છે તો હાલમાં જે બ્રિજનું કામ શરૂ છે.

તેની ઉંચાઈ 7.5 ફૂટ છે છતાં સંભવત આંશિક તોડવામાં આવે તેવા સંજોગો ઉભા થયા છે.આ અંગેની વિગતો મુજબ, કચ્છને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 સૌથી વધુ વ્યસ્ત રહેતો માર્ગ છે ત્યારે હાલ માળિયા નજીક હરીપર પાસે બ્રિજનો એક ભાગ તૂટી જતા બે મહિનાથી સમારકામ ચાલી રહ્યું છે હજી પણ આ સમારકામને પૂર્ણ થતાં એક માસ જેવો સમય લાગશે.બ્રિજના કામના કારણે દૈનિક વીસ હજાર વાહનોને અસર થાય છે તેવામાં વધુ એક ટ્રાફિકજામનો સામનો કરવા વાહન ચાલકો તૈયાર રહે એ જરૂરી છે.

કારણ કે રેલવે સૂત્રોમાંથી મળેલી વિશ્વસનીય માહિતી મુજબ, અમદાવાદથી માળિયા સુધીના રેલવે ટ્રેક પર રેલવે વિભાગ દ્વારા ડબલ ડેકર કન્ટેનર ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે આ ટ્રેનને પસાર થવા માટે માળિયા નજીક બે પુલ નીચેથી પસાર થવું પડશે પણ અહીં બે બ્રિજ પૈકી જુના બ્રિજની ઊંચાઈ ઓછી હોવાથી તોડીને વધુ ઊંચાઈવાળો બનાવવામાં આવશે ઉપરાંત નવો બ્રિજ ઊંચાઈ વાળો છે તેમ છતાં આંશિક ભાંગફોડ કરવી પડે તેવી વકી સેવવામાં આવી છે.

જોકે આ કામથી વાહનચાલકોને હાડમારી વેઠવાનો વારો આવશે એ તો નક્કી જ છે મહત્વની બાબત એ છે કે,હરિપર પાસે જે બ્રિજના કારણે ટ્રાફિક થાય છે તે બ્રિજ સપ્ટેમ્બરમાં બની જશે પણ અને તેની બાજુમાં આવેલો જૂનો બ્રિજ ઓક્ટોબરમાં તોડી પાડવામાં આવે તો નવાઈ નહિ આ કામના ટેન્ડર પણ પાસ થઇ ગયા છે રાજ્ય સરકાર મંજૂરી આપે તો સંભવત દિવાળીની આસપાસ બ્રિજ તોડી ડબલ ડેકરનું કામ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

રેલવે વિભાગના અધિકારીઓએ એકબીજાને ખો આપી આડકતરી રીતે સમર્થન આપ્યું
આ સમગ્ર મુદ્દો રેલવે ઓવરબ્રિજનો છે અને તે કચ્છની હદમાં આવતો નથી જેથી રેલવેના અમદાવાદ ડિવિઝનલ મેનેજરને પૂછતાં તેમણે આ મુદ્દે માહિતી ન હોવાનો ઇનકાર કરી માળિયા સેક્શનના અધિકારી પર ખો આપી હતી જેથી તેમને પૂછતાં ટ્રેન પસાર થવાની હોઈ જૂનો બ્રિજ તોડવો પડશે અને નવા બ્રિજને કદાચ સાઈડમાં ખસેડવો પડે તેવી શકયતા દર્શાવી અન્ય વિગતો અંગે અજાણતા દર્શાવી હતી તો બાંધકામ વિભાગના અધિકારીએ પણ બ્રિજ તોડવાની વાતને સમર્થન આપ્યું પણ ક્યારે કાર્યવાહી થશે એ મુદ્દે અનિશ્ચિતતા દર્શાવી હતી.

અલબત્ત અંતમાં વેસ્ટર્ન રેલવેના PRO જીતેન્દ્ર કુમારને પૂછતાં તેમણે જણાવ્યું કે,અમદાવાદ,મોરબી માળીયા રેલ્વે લાઈનમાં ભવિષ્યમાં ડબલ ડેકર ટ્રેન કન્ટેનર ચલાવવાની યોજના છે જેથી હાઇવે પર આવતા બ્રિજ ઉંચા લેવાની જરૂર પડશે અને માળીયા-હરીપર વાળો બ્રિજ ઊંચો લેવો પડશે તો ફરી લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડશે.

નવો બ્રિજ બનશે પછી જૂનો બ્રિજ તોડવામાં આવશે : નેશનલ હાઇવે ઓથોરિટી
સુરજબારી - માળિયા હાઇવે પર હરિપર નજીક રેલવે દ્વારા બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે પણ બાજુમાં જ નેશનલ હાઇવે હોવાથી NHAI પણ સંકલનમાં છે ત્યારે ઓથોરિટીના જવાબદાર અધિકારી કે.પી.ચૌહાણ સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું કે,હરિપર પાસેનો બ્રિજ એક મહિનામાં બની જશે.ડબલ ડેકર ટ્રેન માટે રેલવેની એપ્લિકેશન મંજુર કરી દેવાઈ છે પણ જૂનો બ્રિજ એકાએક તોડવામાં નહિ આવે. વાહનચાલકો માટે નવો પુલ બન્યા બાદ જુનો પુલ તોડવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...