અકસ્માત:સામખિયાળી પાસે વાહન પાછળ ટ્રક ઘૂસી ડ્રાઈવર, ક્લીનરના ઘટનાસ્થળે જ મોત

સામખિયાળીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘાંસડીયોનો જથ્થો મુંદ્રા લઈ જતા સમયે વહેલી સવારે 4:30 વાગ્યે બન્યો બનાવ
  • ટ્રકની કેબીનનો બુકડો વળી ગયોઃ આગળ રહેલી ટ્રકનો કોઇ અતોપતો નહિ, ક્રેઇનથી વાહન સાઈડ કરાયું

​​​​સામખિયાળી હાઈવે પર કોઇ ભારે વાહન પાછળ ટ્રક ઘુસી જતા તેના ડ્રાઈવર અને ક્લીનર ગંભીર રીતે ઘવાતા સ્થળ પરજ મૃત્યુ પામ્યા હતા. ટક્કર કેવી થઈ હશે તેનો અંદાજો ટ્રકનો બુકડો વળી ગયેલો અગ્રભાગ આપતો હતો. સામખિયાળી માળીયા હાઈવે પર પસાર થઈ રહેલી ટ્રકને ભયાનક અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના મંગળવારના વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં ત્યારે બની જ્યારે કડી કોટન કંપનીમાંથી ટ્રક ઘાસડીઓ લોડ કરીને તેને ખાલી કરવા મુંદ્રા જતુ હતું.

બનાવ અંગે સામખિયાળી પોલીસ મથકે મૃતકના નાનાભાઈ દીપકભાઈ વાણીયાએ નોંધવાતા જણાવ્યું કે તેમના 33 વર્ષીય મોટા ભાઈ બહાદુરભાઈ ઉર્ફે બાબુભાઈ મગનભાઈ વાણીયા (દલીત) ડ્રાઈવર તરીકે ટ્રક ચલાવી રહ્યા હતા અને 29 વર્ષીય પ્રવીણભાઈ મગનભાઈ વાણીયા (રહે. બંન્ને પીપળી, સુરેંદ્રનગર) તેમા ક્લીનર તરીકે સવાર હતા અને વહેલી સવારે તમન્ના હોટલની સામે ટ્રક પહોંચી ત્યારે આગળ જતા કોઇ વાહનના ઠાઠાના ચાલકે વાહન ભટકાડી,જોરદાર ટક્કર થઈ હતી અને પાછળથી ટક્કર થનાર ટ્રકની કેબિનના ભાગનો બુકડો વળી ગયો હતો.

જેમાં સવાર ડ્રાઈવર બહાદુરભાઈ અને ક્લીનર પ્રવીણભાઈનું શરીર ભારે ઈજા પહોંચતા સ્થળ પરજ મોત નિપજ્યું હતું. આગળ જતા અજાણ્યા ટ્રકે અચાનક બ્રેક મારતા આવી ઘટના બની હોવાની સંભાવના પણ સુત્રોએ વ્યક્ત કરી હતી. પોલીસમાં મૃતક ચાલક વિરુદ્ધ ગફલત ભરી રીતે ચલાવવાનો ગુનો નોંધ્યો હતો. ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ, હાઈવે ઓથોરિટી સહિતના વાહનો આવી પહોંચ્યા હતા અને સ્ટાફે ભારે મહેનત કરીને બન્ને ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

જેમને પીએમ માટે લાકડીયા ખસેડાયા હતા અને ટ્રકને ક્રેન વડે સાઈડ કરાઈ હતી. ટ્રક પાછળ ટ્રક ઘુસી જવાના વધતા બનાવો અને તેમા હોમાતી મહામુલી માનવ જીંદગીઓનું પ્રમાણ ઓછું કરવા રીફ્લેક્ટર, સ્ટ્રીટ લાઈટ્સ અને હાઈવે પર પાર્કિંગ બંધ કરાવવા જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ થવું જોઇએ તેવો સુર લાંબા સમયથી ઉઠતો રહ્યો છે.

માંડવીમાં બે બાઇકો અથડાતા ચાલક ઘવાયો
માંડવીમાં બીચ તરફ જતા રોડ પર ગત 28મી મેના સવારે બે બાઇકો અથડાતા માંડવીના દીવાદાંડીની બાજુમાં રામેશ્વર કોલોનીમાં રહેતો પાર્થ વિશ્રામભાઇ કસ્ટા (ઉ.વઉ22) નામના બાઇક ચાલકને મોઢાના ભાગે તેમજ શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરૂધ માંડવી પોલીસ મથકમાં સોમવારે ગુનો નોંધાવ્યો હતો.

ગળપાદર રોડ પર ટ્રકની અડફેટે સવાર પિતા- પુત્રીને ઇજા
અંજાર ગળપાદર રોડ પર ગત 29મેના સવારે સર્જાયેલા ટ્રક અને બાઇકના અકસ્માતના બનાવમાં મેઘપર બોરીચી ગામે રહેતા બાઇક સવાર રાહુલભાઇ મહિડાને માથાના ભાગે ઇજા થતાં તેઓ બેભાન થઇ ગયા હતા જ્યારે તેમની બે વર્ષની પુત્રી અંજનાને પણ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંજાર પોલીસ મથકમાં ઘાયલ રાહુલભાઇના પત્નિ મનીષાબેનએ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...