કામગીરી:મથલનો જર્જરીત પુલ ભારેખમ વાહનો માટે તંત્રએ ખોલી નાખ્યો

રવાપર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ડાયવર્ઝન ધોવાઇ જશે તેની તંત્રને હવે ખબર પડી
  • લાખોના ખર્ચે ડાયવર્ઝન બનાવી, તેમાં પાઇપ બેસાડવા ફરી તોડી પાડ્યું

નખત્રાણા તાલુકાના મથલમાં જર્જરીત પુલ ભારેખમ વાહનો માટે બંધ કરાયા બાદ જે-તે વખતે બાજુમાંથી લાખોના ખર્ચે ડાયવર્ઝન કાઢવામાં અાવ્યું હતું પરંતુ ચોમાસામાં તે ધોવાઇ જશે તેની ખબર તંત્રને હવે પડતાં અા ડાયવર્ઝનમાં પાઇપ બેસાડવાની કામગીરી શરૂ કરી, ફરી જર્જરીત પુલ ભારેખમ વાહનો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. મથલના જર્જરીત પુલિયામાં ગાબડું પડતાં તંત્ર દ્વારા ગત અોક્ટોબરથી ભારેખમ વાહનોની અવર-જવર પર રોક લાગવી દીધી હતી અને પુલ નીચેથી નદી વાળા રસ્તાઅે વાહનોની અવર-જવર માટે લાખો રૂપિયાનું અાંધણ કરીને ડાયવર્ઝન બનાવાયું હતું.

જો કે, અા ડાયર્વઝન તંત્રઅે ચોમાસામાં અા નદીમાં પુર અાવશે તો સરહદી વિસ્તાર અને યાત્રાધામોને જોડતો અા માર્ગ બંધ થઇ જશે તેનો વિચાર કર્યા વિના જ બનાવી નાખ્યું હતું. જો કે, તંત્રને હવે બ્રહ્મજ્ઞાન લાદ્યું હોય તેમ અગાઉ બનાવેલું ડાયવર્ઝન તોડી તેમાં પાઇપ બેસાડવાની કામગીરી શનિવારથી શરૂ કરાઇ છે અને ફરીથી જર્જરીત પુલ પરથી ભારેખમ વાહનો અવર-જવરને લીલીઝંડી અાપી દીધી છે.

પુલના નવનિર્માણ માટે 18 કરોડ મંજૂર પરંતુ કામ શરૂ ન થયું
જર્જરીત પુલના નવનિર્માણ માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે જે-તે વખતે રજૂઅાત કરતાં સરકાર દ્વારા રૂ.18 કરોડ મંજૂર કરાયા હતા, જેને 6 મહિનાનો સમય થવા અાવ્યો હોવા છતાં પણ નવું પુલ બનાવવાની દિશામાં અાજદિન સુધી કોઇ જ કામગીરી કરાઇ નથી.

ડાયવર્ઝનના કામમાં ઘાટ કરતાં ઘડામણી મોંઘી
અગાઉ જયારે ડાયવર્ઝન બનાવવામાં અાવ્યું હતું ત્યારે જ જો ચોમાસાને ધ્યાનમાં લઇને સિમેન્ટ ક્રોંકિટથી પાકું બાંધકામ કરાયું હોત તો તે ભવિષ્યમાં પણ ઉપયોગી બન્યું હોત પરંતુ હાલે ડાયવર્ઝન તોડીને તેમાં નદીવાળા 90 મીટરના ભાગમાં સાઇડોમાં સિમેન્ટની દિવાલ ઉભી કરી, મોટા 36 પાઇપ બેસાડવાની કામગીરી શરૂ કરી છે, જે ઘાટ કરતાં ઘડામણી મોંઘી સમાન છે. જો કે, ડાયવર્ઝનની કામગીરી બે મહિના સુધી ચાલે તેમ છે, જેથી ભારેખમ વાહનોના ચાલકોને જોખમ લઇને અા જર્જરીત પુલ પરથી પસાર થવાની નોબત અાવશે.

અન્ય સમાચારો પણ છે...