ખો ખો રમવાના અણસાર:વિવાદાસ્પદ આજીવન વાહન વેરામાં 24 વાંધા અરજીઓ વિશેનો નિર્ણય હવે નગરપતિ પર

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની કારોબારીઅે પ્રમુખને સત્તા સોંપી
  • ​​​​​​​14 મુદ્દાના અેજન્ડામાં અાઉટ સોર્સિંગથી નિમણૂક સી.અો. ઉપર મૂકાઈ

ભુજ નગરપાલિકામાં ગુરુવારે કારોબારી ચેરમેન જગત વ્યાસના અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠક મળી હતી, જેમાં વિવાદાસ્પદ અાજીવન વાહન વેરામાં 24 વાંધા અરજીઅો ઉપર નિર્ણય લેવાની સત્તા નગરપતિને સોંપવામાં અાવી હતી, જેથી ખો ખો રમવાના અણસાર મળી રહ્યા છે. અામ, શહેરીજનો પાસેથી નવા વાહનની ખરીદી ઉપર 2 ટકા અાજીવન વેરો વસુલવાનો નિર્ણય લઈ કોઈ દાઝવાની તૈયારીમાં નથી અે નક્કી થઈ ગયું છે.

નવું વાહન ખરીદીથી રોડ ટેક્સ સુધી ન જાણે કેટલાય વેરા વાહન ઉપર ભરવાના અાવતા હોય છે, જેમાં નગરપાલિકાઅે પણ 2 ટકા અાજીવન વેરો વસુલવાનો ઠરાવ કરવા માટે રાજકોટ ઝોનથી પ્રાદેશિક કમિશનરે જણાવ્યું હતું. જેના પગલે છેલ્લી સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી વાંધા અરજી મંગાવવા સહિતની અાગળની કાર્યવાહી સંપન્ન કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. જોકે, અાજીવન વેરો વિવાદાસ્પદ બન્યો છે અને વિપક્ષ સહિત કુલ 24 વાંધા અરજી અાવી છે. જે ઉપર નિર્ણય લેવા માટે નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરને સત્તા સોંપવામાં અાવી છે.

અામ, હવે અાવતી સામાન્ય સભા પહેલા નિર્ણય લેવાય અેવી શક્યતા નથી અને અે પહેલા વિધાનસભાની ચૂંટણી અાવી જશે તો સમગ્ર પ્રકરણ ઠેલાઈ જશે. ત્યારબાદ ખો ખોની રમતથી ટલ્લે ચડાવી દેવાય અેવી શક્યતા છે. અે સિવાય ભુજ નગરપાલિકામાં ફિક્સ વેતન ઉપર કામ કરતા કર્મચારીઅોની નિમણૂક અાઉટ સોર્સિંગ અેજન્સીને સોંપવાની સત્તા પણ મુખ્ય અધિકારી જીગર પટેલ ઉપર ઢોળવામાં અાવી હતી.

ખેંગારપાર્કમાં 10 કરોડના ખર્ચે પ્લેટિનમ
ખેંગાર પાર્કમાં ઈન્ડિયન પ્લેટિનમ સોસાયટી દ્વારા 7થી 10 કરોડના ખર્ચે પ્લેટિનમ નાખવા 20 વર્ષ માટે ફાળવવાનો પણ નિર્ણય લેવાયો હતો. અે સિવાય બાંધકામ, ડ્રેનેજ, પાણી વિતરણ શાખા, રોડલાઈટને લગતા વિકાસ કામોના ઠરાવો પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...