તબાહી:કચ્છના અખાતથી ઓમાન પહોંચેલા ચક્રવાતે તબાહી શરૂ કરી : બાળકનું મોત

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે ઇન્ડો-ઓમાનિયનોને મદદનું વચન આપ્યું
  • રવિવારે રાત્રે ચક્રવાત અોમાન સાથે ટકરાશે : વરસાદ અને ભારે પવનથી વ્યાપક નુકસાન

કચ્છના અખાતમાં ભારે દબાણમાંથી ચક્રવાતમાં પરિવર્તિત થઇને અોમાન પહોંચેલા શાહીન વાવાઝોડાઅે તબાહી શરૂ કરી દીધી છે. જુદી-જુદી હવામાન અેજન્સીના અહેવાલ પ્રમાણે રવિવારે મોડી રાત્રેથી સોમવારે પરોઢ સુધી ચક્રવાત અોમાન સાથે ટકારાઇ શકે છે. પરંતુ તે પૂર્વે જ અોમાનમાં શનિવારે રાત્રેથી જ શરૂ થયેલા ભારે વરસાદે તબાહી શરૂ કરી દીધી છે. અાજુબાજુ અાવેલા યુઅેઇ સહિતના દેશો પણ હાઇઅલર્ટ પર છે.

ચક્રવાત શાહીન રવિવારે ઓમાનના દરિયાકિનારાની નજીક પહોંચ્યો હતો. જેણે કારણે ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો. પૂરનાં પાણીમાં એક બાળકનું મોત થયું હતું. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ચક્રવાત શાહીન રવિવારે રાત્રે અરબી સમુદ્રમાંથી ઓમાન સાથે ટકારાશે. ચક્રવાતથી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકશે. રાજ્ય સંચાલિત ઓમાન ન્યૂઝ એજન્સીએ કહ્યું કે એક બાળકનું પૂરનાં પાણીમાં મૃત્યુ થયું અને અન્ય એક વ્યક્તિ ગુમ છે. અરેબિયન દ્વીપકલ્પની પૂર્વ ધાર પર અાવેલા સલ્તનત શહેર ખાતે ફ્લાઇટ્સ બંધ કરાઇ છે.

પડોશી સંયુક્ત આરબ અમીરાતએ પણ તેના પૂર્વીય વિસ્તારોમાં આવેલા લોકોને તોફાન માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. દરમિયાન, ઓમાનના સત્તાવાળાઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા હજારો રહેવાસીઓને શનિવારે તેમના ઘર છોડીને કટોકટી આશ્રયસ્થાનો તરફ જવા વિનંતી કરી હતી. ઓમાની નેશનલ કમિટી ફોર ઇમરજન્સી મેનેજમેન્ટે ઉત્તરીય રાજ્યો બરકા અને સહમ અને રાજધાની મસ્કતના કેટલાક ભાગો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવાની હાકલ કરી હતી. તો ભારતીય દૂતાવાસે ઇન્ડો-ઓમાનિયનોને મદદનું વચન આપ્યું છે.ચાલુ ચક્રવાત શાહીનને કારણે ઓમાનમાં ભારતીય નાગરિકોને સહાયની જરૂર પડે તો દૂતાવાસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

કચ્છના અખાતમાં ચક્રવાતનો ઉદભવ ક્યારેક જ બનતી ઘટના !
જુનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતીય દ્રીપકલ્પમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં અવાર-નવાર ચક્રવાત અાવતા હોય છે. પરંતુ કચ્છના અખાતમાં ભારે દબાણમાંથી ખતરનાક ચક્રવાત સર્જાય તે ઇતિહાસમાં ભાગ્યે જ બન્યું છે. અેટલે જ હવામાન નિષ્ણાંતો અા ચક્રવાતનું બારીકાઇથી નિરીક્ષણ કરી રહ્યાં છે. વળી અા ચક્રવાતની રોચક યાત્રા રહી છે. કારણ કે તે બંગાળની ખાડીમાં ગુલાબ નામે યાત્રા શરૂ કરી હતી. જે કચ્છ સુધી અાવતા દબાણમાં પરિવર્તિત થઇને ફરી શાહીન નામના ચક્રવાતમાં ફેરવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...