સારા ને સારું કહેવું જોઇએ:જળાશયોને મલીન કરતી લાઈન કાઢવાનો ખર્ચ રૂા.1.28 કરોડ બતાવાયો, થશે માત્ર 18 લાખ !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજનેર બદલતા ખોટા ખર્ચમાં સીધો 86 ટકા ઘટાડો
  • તાંત્રિક મંજુરી મંગાઈ પણ નિવિદા વેળાસર ન પડે તો હાલત બગડશે

ભુજ નગરપાલિકાઅે અેકાદ વર્ષ પહેલા જળાશયોમાંથી ગટરની લાઈનો અને ચેમ્બર્સ બહાર કાઢવા માટે 1 કરોડ 28 લાખનો અંદાજિત ખર્ચ કાઢ્યો હતો. પરંતુ, ઈજનેર બદલતા જે અંદાજિત ખર્ચમાં 86 ટકા ઘટાડા સાથે તાંત્રિક મંજુરી માંગી છે. જોકે, વેળાસર નિવિદા બહાર પાડી કામ પાર પાડવામાં નહીં અાવે તો ચોમાસામાં હાલત બગડી જશે. ભુજ શહેરના જળાશયોમાં દોઢ બે દાયકા પહેલા જી.યુ.ડી.સી.અે ગટરની ચેમ્બર નાખી લાઈનો પાથરી નાખી હતી, જેથી છેલ્લા પાંચ સાત વર્ષથી દેશલસર તળાવ અને હમીરસર તળાવમાં ગટરના ગંદા પાણી ભરવા લાગ્યા છે.

ભુજ નગરપાલિકામાં ઘનશ્યામ અાર. ઠક્કરે નગરપતિનો પદ સંભાળ્યા બાદ અેમણે જળાશયોમાંથી ગટરની ચેમ્બર અને લાઈનો બહાર કાઢવાના કામને અગ્રતા અાપવા જાહેર કર્યું હતું. જે બાદ ડ્રેનેજ બ્રાન્ચને અંદાજિત ખર્ચ જણાવવા કહ્યું હતું. ઈજનેરે 1.28 કરોડનો અંદાજિત ખર્ચ બતાવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં ઈજનેરોની બદલી થઈ, જેમાં અનુભવી ઈજનેર અરવિંદસિંહ જાડેજા અને મદદનીશ ઈજનેર ભાવિક ઠક્કરે સર્વે કર્યા બાદ માત્ર 18 લાખનો અંદાજિત ખર્ચ બતાવ્યો હતો.

તાજેતરમાં કારોબારી સમિતિની બેઠક મળી, જેમાં ખર્ચને મંજુરી અાપી દેવાઈ છે અને ડ્રેનેજ બ્રાન્ચે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાસે તાંત્રિક મંજુરી માટે મોકલી પણ દીધી છે. પરંતુ, નિવિદા બહાર પાડી કામ પાર પાડતા ચોમાસો નીકળી જશે તો ફરી અેની અે સમસ્યા ઊભી રહેશે. કેમ કે, જળાશયોમાં પાણી ભરાઈ ગયા બાદ કામ શરૂ કરી નહીં શકાય.

ખોટી લાઈનોનો સરવે થઈ ગયો હતો : ઈજનેર
અંદાજિત ખર્ચમાં 86 ટકા ઘટાડા મુદ્દે ઈજનેર અરવિંદસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, જી.યુ.ડી.સી.અે જળાશયોમાં જે ચેમ્બર નંખાઈ હતી અને લાઈનો પાથરી હતી અેમાંથી મોટાભાગની લાઈનો બંધ કરી દેવાઈ છે, જેથી અે ચેમ્બર અને લાઈન બહાર કાઢવાનો કોઈ મતલબ નથી. અે તો નિષ્ક્રિય કરી દેવાઈ છે. બાકી રહેતી ચેમ્બર બહાર કાઢવાને બદલે ઊંચી લેવાશે. અેક માત્ર ભાનુશાલી નગર પમ્પિંગ સ્ટેશન વાળી ચેમ્બર અને લાઈન બહાર કાઢવાની રહેશે. જેનો ખર્ચ માત્ર 18 લાખ જેટલો થાય છે.

અેકાદ માસમાં શરૂ થઈ જશે : મદદનીશ ઈજનેર
ડ્રેનેજ બ્રાન્ચના ઈજનેર ભાવિક ઠક્કરે જણાવ્યું હતું કે, તાંત્રિક મંજુરી મળે અને ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થાય અેને અેકાદ મહિનો લાગી જશે. ત્યારબાદ ચોમાસા પહેલા કામ પૂરું થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...