રાજકારણ:જશ ખાટવામાં કોંગ્રેસ ઉતાવળી બની, ભાજપ દાવો કરવાનું ચૂક્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડધાથી વધુ પરિણામો બાકી હતા ને કોંગ્રેસે યાદી પાઠવી દીધી

કચ્છમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના સાંજ સુધી 40 ટકા જેટલા પરિણામો જાહેર થયા હતા તેવામાં કોંગ્રેસ જાણે જશ ખાટવા માટે ઉતાવળી બની હોય તેમ ગામના વિજેતા મુખીઓમાં વધુમાં વધુ કોંગ્રેસ તરફી હોવાની અખબારી યાદી પાઠવી દીધી હતી. બીજી બાજુ ભાજપ દાવો કરવાનું પણ ચૂકી ગયો હતો.

પક્ષે કરેલા દાવામાં જણાવાયું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનો ઝોક કોંગ્રેસ તરફ રહ્યો છે. વધુ પડતા કોંગ્રેસની વિચારધારાને વરેલા સરપંચો ચૂંટાઇ આવતાં પાર્ટીમાં ખુશીની લહેર ફેલાઇ છે. પક્ષ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર સરપંચની સત્તાઓમાં કાપ મૂકી રહી છે અને પંચાયતોમાં પણ અમલદારશાહી લાવવા માગે છે.

સરકારના આ વલણને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આક્રોશ ફેલાયો હતો પરિણામે કોંગ્રેસ તરફી સરપંચો અને સદસ્યોની તરફેણમાં મતદાન કર્યું છે. લોકોએ મૂકેલા આ વિશ્વાસ માટે કોંગ્રેસ આભારની લાગણી વ્યક્ત કરે છે. કોંગ્રેસની વિચારસરણી ધરાવતા નવા વરાયેલા ગામના સુકાનીઓ પક્ષા-પક્ષી ભૂલી રાગદ્વેષ રહિત પંચાયતી રાજમાં તમામને ન્યાય આપશે તેવી જિલ્લા કોંગ્રેસને ખાતરી છે. ઉલ્લેખનીય છે કે, પક્ષે આ યાદી પાઠવી ત્યારે અડધાથી વધુ સરપંચોના પરિણામ આવવાના બાકી હતા.

અન્ય સમાચારો પણ છે...