ભાસ્કર વિશેષ:ભુજના આંગણે દેશના બાર રાજ્યોની હસ્તકળાનો સંગમ

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંસ્કૃતિને જીવંત કરતા કારીગરોની કલાનું પ્રદર્શન લોકો માટે બન્યું આકર્ષણ
  • કેન્દ્રના વસ્ત્ર મંત્રાલય દ્વારા ‘ગાંધી શિલ્પ બજાર’નું દસ દિવસીય આયોજન
  • 100 સ્ટોલ પર હાથશાળનો કુંભમેળો

ઓનલાઇન વેપાર માટેના ડિજિટલ માર્કેટિંગ સામે ફિઝિકલ માર્કેટિંગ દ્વારા વ્યવસાય કરવો તે જ એક પડકાર છે. તેમાંય હસ્તકળા તરફ રુચિ સર્વેને છે, પરંતુ ખરીદી વખતે પીછેહઠ કરતા ગ્રાહકોને આકર્ષવા અને આમંત્રવા ભુજ હાટમાં દસ દિવસીય ‘ગાંધી શિલ્પ બજાર’નું ઉદઘાટન કરવામાં આવ્યું. દેશના બાર રાજ્યોમાંથી પચાસથી વધુ કારીગરો અને ગુજરાત તથા કચ્છના કારીગરો સહિત સો સ્ટોલ પર હસ્તકળાના સંગમનો કુંભમેળો સર્જાયો છે.

હસ્તકળા ક્ષેત્રે રોજગારી અને પ્રોત્સાહન પૂરું પાડતા ભારત સરકાર વસ્ત્ર મંત્રાલય અને હસ્તકળા ઔદ્યોગિક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ભુજ હાટમાં વિવિધ પ્રકારના હસ્તકળાના પ્રદર્શન અને વેંચાણના સ્ટોલ દસ દિવસ માટે ખુલ્લા મુકાયા છે. કચ્છ, ગુજરાત ઉપરાંત જમ્મુ કાશ્મીર, કેરળ,તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત બાર રાજ્યોના કારીગરો અહી આવ્યા છે. આ પ્રદર્શન અને વેંચાણનું મુખ્ય હેતુ કારીગરોએ પોતે બનાવેલી વસ્તુઓનું સીધું વેંચાણ થાય અને વચ્ચેથી અપાતું કમિશન બચી જાય, જેને કારણે વેંચાણકર્તા અને ખરીદનારને ફાયદો થાય.

ગાંધી શિલ્પ બજારમાં અન્ય રાજ્યોમાંથી આવેલા કારીગરો સાથે વાત કરતા પશ્ચિમ બંગાળના વર્ધમાનથી ત્યાંની હસ્તકળા લઇને આવેલા જમશેદ અલી જણાવે છે કે, તેઓ બંગાળની પ્રખ્યાત હેન્ડ પ્રિન્ટ ટેકસટાઇલ્સ, કોટન, સિલ્ક, ટસર સિલ્ક, જોર્જેટ, બાટીકમાંથી બનાવેલા કુર્તા, દુપટ્ટા, સાડી વગેરેની દસથી વધુ વેરાયટી ઉપલબ્ધ છે. તો રાજસ્થાન જયપુરથી આવેલા ચંચલ શર્માએ હાથે બનાવેલા પેઇન્ટિંગના વોલ હેંગિંગ, પોસ્ટકાર્ડ, સ્ટેમ્પ જેવી અનેક વેરાયટી છે. તેલંગાણાના કે.જ્યોતિ બંજારા એમ્બ્રોઈડરીની વિવિધ પ્રકારની વસ્તુઓ ગોઠવી છે. પ્રવાસીઓ હવે કચ્છમાં સંખ્યામાં ઓછા છે, પરંતુ સ્થાનિકો ગ્રાહકો ખરીદી કરતા થયા છે તે શુભ સંકેત છે.

શનિવારે વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્ય, સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ ઠકકર, નાબાર્ડ ડીડીએમ નીરજકુમાર સિંહ, બેંક ઓફ બરોડાના મહેશકુમાર દાસ ઉપરાંત રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા કારીગરો અને આયોજક સંસ્થાના દાદુજી સોઢા સહિતનાઓ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

દેશના વિવિધ પ્રદેશની કારીગરી જોવા મળશે
ભારત સરકાર વસ્ત્ર મંત્રાલય દ્વારા ‘ગાંધી શિલ્પ બજાર’માં દેશના ખૂણે ખૂણેથી કારીગરો તેમની કળા લઇને આવ્યા છે. બાર રાજ્યો કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને ઓરિસ્સાથી કારીગરો આવ્યા છે. જેમની આવવા જવાની અને રહેવાની ઉપરાંત નિશ્ચિત રકમ કેન્દ્ર સરકારની યોજના મુજબ ચૂકવાય છે.

અન્ય સમાચારો પણ છે...