તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ઐતિહાસિક જૂની શાક માર્કેટની હાલત ખંડેર

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકપછી એક પગ કરી જતી યુરોપીયન શૈલીની ઇમારતના દરવાજાની ગ્રીલ
  • પુરાતત્વ વિભાગ જ આ ભવ્ય ઇમારતને ભુલી ગયો હોય તેવો તાલ
  • એક સમયે માર્કેટ બહાર નવી રીલીઝ થતી ફિલ્મના પોસ્ટર મૂકાતા

ભુજની ઐતિહાસિક વિરાસત સમી જૂની શાક માર્કેટની હાલત દિવસા-દિવસે ખંડેર બનતી જાય છે, જેથી તેની જાળવણી કરવા માગ શહેરીજનો દ્વારા માગ ઉઠી રહી છે.શહેરની સુંદરમાં વધારો કરતી યુરોપીયન શૈલીની શાક માર્કેટ મહારાવ ત્રીજાએ બંધાવી હતી એવો ઉલ્લેખ શીલાલેખમાં જોવા મળે છે. આજુબાજુ ખીચોખીચ બજાર વચ્ચે આવેલી આ ભવ્ય શાક માર્કેટ એ સમયે શહેરની વસ્તીના પ્રમાણમાં બંધાઇ હતી. વહેલી સવારથી મોડી રાત્રિ સુધી આ માર્કેટમાં કાછિયા શાકભાજી વેંચતા અને લોકોની ચહલ-પહલ રહેતી હતી. માર્કેટની બહાર ફિલ્મના પોસ્ટર લાગતા. શુક્રવારના જયારે ફિલ્મ બદલતી ત્યારે ભુજવાસીઓ ખાસ કરીને અહીં લાગેલા પોસ્ટર જોવા આવતા હતા. અમુક ફિલ્મ રસિયાઓ તો ગુરૂવારે રાત્રે 12 વાગ્યા સુધી ફિલ્મ પોસ્ટર બદલવાની રાહ જોતા.

આજે પણ વનમાં પ્રવેશેલા લોકોને આ સંસ્મરણો હૈયે હશે જ. એટલે જ આ જાજરમાન ઇમારતની સાથે ભુજવાસીઓની યાદોનો વારસો પણ જળવાયેલો રહ્યો છે. જાળવણીના અભાવે આ વિરાસત સમી ઇમારત દિવસા-દિવસે ખંડેર બનતી જાય છે. હાલે અંદર થોડાઘણા અંશે શાકભાજી વેંચતા કાછિયાઓના માલ-સામાનની કોઇ જ સુરક્ષા નથી, કારણ કે, ધીમેધીમે દરવાજાની ગ્રીલ પગ કરી રહી છે. પાવડી પાસેની ગ્રીલ એકપછી એક ગાયબ થતી જાય છે ત્યારે અહીં આ જ હાલત છે.

​​​​​​​પુરાતત્વ વિભાગની બેદરકારીના કારણે આ ઇમારત જર્જરીત બનતી જાય છે. અમુક દરવાજા તો ખુલ્લા હોઇ ઢોર-ઢાંખર અંદર પેસે નહીં તે માટે ધંધાર્થીઓ દ્વારા દરવાજે હાથલારીઓ રાખવામાં આવી રહી છે. માર્કેટમાં સફાઇનો અભાવ જોવા મળે છે. દેશ-વિદેશથી કચ્છ આવતા સહેલાણીઓ આ ઇમારત નિહાળવા આવતા હોય છે ત્યારે બહારથી નયનરમ્ય લાગતી આ ઇમારત અંદરથી સાવ ભેંકાર, ખંડેર લાગતી હોઇ પ્રવાસીઓ ખરાબ છાપ લઇને જાય છે. જર્જરીત ઇમારત જમીનદોસ્ત થાય તે પહેલા તંત્ર જાગે અને સમારકામ સાથે જાળવણી કરે તેવી માગ શહેરીજનો દ્વારા ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...