જખૌ ડ્રગ્સકાંડ:હેરોઇનની ડિલિવરી માટે ‘હરિ-1’, ‘હરિ-2’ કોડવર્ડ હતો, ‘અલહુસૈની’ નામની બોટમાં કરાચીથી મીણિયાની થેલીમાં જથ્થો ડિલીવર કરવાના હતા

જખૌ-ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી - Divya Bhaskar
6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી

પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી હશન તથા હાજી કાસમે ડ્રગ્સની ડિલીવરી કરવા માટે એક બોટની વ્યવસ્થા કરવા મોહમદ ઇમરાનને જણાવ્યું હતું. પાકિસ્તાની બોટ અલહુસૈનીમાં કરાચીથી મીણિયાની થેલીઓમાં આ જથ્થો રાખવામાં આવ્યો હતો. ભારતીય જળસીમામાં ગુજરાતના જખૌથી આશરે 35 નોટિકલ માઇલ દૂર રહી વી.એચ.એફ.ચેનલ નંબર 71 ઉપર હરી-1 અને હરી-2 નામના કોડવર્ડથી આ જથ્થો ડિલિવરી કરવાના હતા.

કચ્છના જખૌમાંથી બોટ ઝડપી
ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે. ત્યારે કચ્છમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક અને જખૌથી આશરે 35 નોટીકલ માઇલ દુર ભારતની હદમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે અને 6 પાકિસ્તાની લોકોની ધરપકડ કરી છે.

ઝડપાયેલા 6 પૈકી વૃદ્ધ દરિયાઇ વિસ્તારનો જાણકાર
માછીમારી બોટમાં 77 કિલો હેરોઇનના જથ્થા સાથે પકડાયેલા છ પાકિસ્તાની પૈકી એક વૃદ્ધ છે. નવયુવાનોને દરિયામાં કઇ કઇ જગ્યાઓ છે અને ત્યાં કઇ કઇ એજન્સીઓ પેટ્રોલીંગમાં રહેતી હોય છે તેનો અંદાજ હોતો નથી, પણ વૃદ્ધ આખી જિંદગી દરિયો ખેડયો હોવાથી તેને કઇ જગ્યાએ કઇ એજન્સી પેટ્રોલિંગમાં રહે છે તેમજ કઇ જગ્યાએ સરળતાથી ઘુસણખોરી થઇ શકે તેનો અંદાજ હોવાથી તેને સારી ટીપ આપવાની લાલચ આપી કમાઇ લેવા માટે સમાવેશ કરવામાં આવ્યો હતો.

ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાની
1 - મોહમ્મદ ઇમરાન તારીક વાઘેર (રહે. મુસ્લિમ મુજાહીદ કોલોની, કરાચી)
2 - ઇસ્માઇલ ઇબ્રાહીમ બડાલા (રહે. બદર ગ્રાઉન્ડ, કેમાળી, કરાચી)
3 - મોહમ્મદ સાજીદ હુશેન વાઘેર (રહે. મુસ્લિમ મુજાહીદ કોલોની, કરાચી)
4 - સાગર મોહમ્મદ વાઘેર (રહે. બાબા આઇલેન્ડ, કેમાળી, કરાચી)
5 - મોહમ્મદ દાનીશ હુશેન વાઘેર (રહે. મુસ્લિમ મુજાહીદ કોલોની, કરાચી)
6 - અશફાક મોહમ્મદ ઇશાક વાઘેર (રહે. મુસ્લિમ મુજાહીદ કોલોની, કરાચી)

ગુજરાતમાં આ વર્ષે 3200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું
અદાણી પોર્ટ પર હજારો કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે જેના પડઘા હજુ શમ્યા નથી ત્યારે આ વર્ષે દરિયાકાંઠે 3246 કિલો ડ્રગ્સ પકડાયો છે. જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલમાં 30 કિલો, સપ્ટેમ્બરમાં 3 હજાર કિલો અને નવેમ્બરમાં 186 કિલો ડ્રગ્સ પકડાયો છે, તો ડિસેમ્બરમાં એટીએસની ટુકડીએ 77 કિલો ડ્રગ્સ પકડતા કુલ 3323 કિલો હેરોઇન પકડાયો છે.

અન્ય સમાચારો પણ છે...