તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Cloud Ride Arrived Just Before The Unripe Seed, Two And A Half In Bhuj, Two In Vithon, Three Inches In Vandhay In Deshal

મેઘ રાજાનું આગમન:અષાઢી બીજ પહેલાં જ મેઘ સવારી આવી પહોંચી, ભુજમાં સવા બે, વિથોણમાં બે, દેશલપર વાંઢાયમાં ત્રણ ઇંચ વરસ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઠના શુકનવંતા વરસાદથી ખેડૂતો, પશુપાલકોના ચહેરા મલકી ઉઠ્યા
  • કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા વહી નીકળ્યા, રાબેતા મુજબ અનેક ગામોમાં વીજ પુરવઠો ઠપ, વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • અંજાર, અબડાસા અને માંડવીને બાદ કરતાં મોટા ભાગના કચ્છમાં જેઠ મહિને જ અષાઢ જેવો માહોલ જામ્યો

કચ્છી નવું વર્ષ અષાઢી બીજ અને ચોમાસુ વિધિવત શરૂ થાય તે પહેલાં સતત ત્રીજા દિવસે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદે હાજરી પુરાવી હતી. બુધવારે અને ગુરૂવારે રાપર તથા ભચાઉ તાલુકામાં વરસાદ પડ્યા બાદ શુક્રવારે રાપર, ભચાઉ ઉપરાંત ભુજ, ગાંધીધામ, નખત્રાણા,લખપત અને મુન્દ્રા તાલુકામાં ઝાપટાથી લઇ વરસાદ રૂપે દોઢથી ત્રણ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.

જિલ્લા મથક ભુજમાં બપોરના 12 વાગ્યાથી મોડી સાંજ સુધીમાંસવા બે ઇંચ જેટલો વરસાદ થયો હતો તો નખત્રાણાના વિથોણ પંથકમાં એક કલાકમાં દે ધનાધન બે ઇંચ તથા દેશલપર વાંઢાયમાં ત્રણ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા વહી નીકળ્યા હતા તો રાબેતા મુજબ વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. લોક વાયકા મુજબ જેઠ મહિનામાં વરસાદ આવે તે શુકનવંતો મનાય છે જેને પગલે ખેડૂતો અને પશુ પાલકોના ચહેરા મલકી ઉઠ્યા હતા.

ભુજમાં બે, દેશલપર વાંઢાયમાં ત્રણ ઇંચ વરસ્યો
ભુજમાં સવારથી વાદળોની આવન જાવન વચ્ચે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. બપોરે 12 વાગ્યા બાદ માહોલ ગોરંભાયો હતો અને ચાર કલાકના ગાળામાં 41 મીલિ મીટર એટલે કે પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મોસમના પ્રથમ વરસાદને માણવા બાળકો અને યુવા વર્ગ ઘરથી બહાર નીકળી ગયો હતો.

તાલુકાના દેશલપર વાંઢાયમાં બપોરે 3 કલાકે મેઘાની એન્ટ્રી થઇ હતી અને બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસી પડતાં ગામના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. કોટડા ચકારમાં સવારથી ધીમી ધારે વરસાદ પડતાં કિસાનો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા તો સામત્રા સહિતના વિસ્તારોમાં પણ પાણી વરસ્યું હતું. તાલુકાના કેરામાં નાગમતી નદી બે કાંઠે વહી નીકળી હતી. બળદિયા અને નારાણપરમાં પણ અડધો ઇંચ જેટલો વરસ્યો હતો.

નખત્રાણા પંથકમાં એકથી બે ઇંચ, પાપડીમાં પાણી વહી નીકળ્યાં
ગુરૂવારે પૂર્વ કચ્છ બાદ શુક્રવારે પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકમા મેઘ સવારી આવી પહોંચી હતી. તાલુકા મથક નખત્રાણામાં સામાન્ય પવન સાથે વરસાદનું આગમન થયું હતું અને સાંજ સુધી પોણોઇંચ પાણી પડ્યું હતું. વિથોણ પંથકમાં એક કલાકમાં બે ઇંચ જેટલો ખાબકયો હતો. દેવીસર ગામના ધોળા તળાવમાં નવા નીર આવ્યા હતા.

અહીં સંત મેકરણ દાદાના માતા પબા માતાજીનું સમાધિ મંદિર છે. પ્રથમ વરસાદમાં જ લાખિયારવીરા પાસે આવેલી પપડીમાં જોશભેર પાણી વહી નીકળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો જો કે, પ્રવાહ ધીમો પડતાં રાબેતા મુજબ વાહનોની અવર જવર શરૂ થઇ હતી. ધાવડા ગામે નદી આવતાં લોકો ઉત્સાહભેર પાણી જોવા નીકળ્યા હતા.

આણંદપર યક્ષથી મંજલ સુધી ધીમી ધારે પાણી પડ્યું હતું. ચાવડકા, ધાવડા, અંગિયા, દેવપર, ડાડોર , ગોધિયાર, પલીવાડ, જીયાપર, મંગવાણા, વેરસલપર, સુખપર (રોહા), મોરગર, વિજપાસર, કુરબઈ, સાંયરા, મોટા યક્ષ સહિતના વિસ્તારો માં સામાન્ય થી માધ્યમ વરસાદ પડ્યો હતો. નાના અંગિયાના નરશી પારસિયાના જણાવ્યા મુજબ બપોરે પોણા ઇંચ જેટલો વરસાદ થતાં ગામની શેરીઓમાંથી જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં.

પાવર પટ્ટીમાં ઝાપટાથી રાબેતા મુજબ પાવર કટ
પાવર પટ્ટી વિસ્તારના નિરોણા,ઝુરા, પાલનપૂર, બિબર, હરીપુરા, અમરગઢ, ઓરીરા, મેડીસર, વંગ સહિતના ગામોમા બપોરે 3થી 4ના અરસામાં તોફાની પવન સાથે ભારે ઝાપટા પડ્યા હતા. સમાન્ય વરસાદને પગલે પાવર પટ્ટી વિસ્તારમાં રાબેતા મુજબ વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકોને હાલાકી વેઠવી પડી હતી.

કેરામાં જેઠ મહિને નાગમતી નદી બે કાંઠે વહી નીકળી
અષાઢ માસને આડે હજુ થોડા દિવસો બાકી છે તેવામાં જ કચ્છમાં પડેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા વહી નીકળ્યા હતા. ભુજ તાલુકાના કેરા ગામે નાગમતી નદી પાણીના જોશભેર પ્રવાહ સાથે બે કાંઠે વહી નીકળી હતી. જેઠ મહિનામાં આ નદી વહી નીકળી હોય તેવું ક્યારેક જ બને છે.

પ્રથમ વરસાદમાં જ પાલર ધુના ધોધ વહી નીકળ્યો
મોસમના પ્રથમ વરસાદમાં જ નખત્રાણા સમીપે આવેલા પાલર ધુના ધોધમાં પાણીની આવ શરૂ થઇ હતી. ધોધ વહી નીકળતાં આંખ ઠારે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચોમાસામા આ સ્થળે કુદરતના અદ્દભૂત નજારાને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. વરસાદની સીઝન વખતે અહીંનું દ્રશ્ય અહલાદક લાગે છે. લોકો માટે આ સ્થળ પીકીનીક ટુર સમાન બની રહ્યું છે. વરસાદના કારણે પાણીના ઝરણા વહી નીકળે છે આ સ્થળ પર.

દયાપરમાં દિવસભર બફરા બાદ રાત્રે 8 વાગ્યે ધોધમાર પડ્યો
લખપત વિસ્તારમાં દિવસભર વાદળછયા માહોલ વચ્ચે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. પૂર્વમાં સવારે અને છેલ્લે રાત્રે 8 કલાકે પશ્ચિમે છેવાડાના આ તાલુકાના મુખ્ય મથક દયાપરમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ અરસામાં વરસાદ પડતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. દયાપરમાં રાબેતા મુજબ વીજ પુરવઠો બંધ પડી જતાં અંધારપટ છવાઇ ગયો હતો.

ગાંધીધામમાં માત્ર 9 મીલિ મીટરથી ઠેર ઠેર પાણી ભરાયા
ગાંધીધામમાં સવારના ગોરંભાયેલા કાળા વાદળાઓએ વરસવાનું શરૂ કરી દીધુ હતુ અને બપોર બાદ વિરામ લીધો હતો. કુલ 9 એમએમ વરસાદ ગાંધીધામમાં પડ્યો હોવાનું નોંધાયું હતું. થોડા કલાકો પડેલા વરસાદમાંજ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને વાહનો બંધ થઈ જતા પરેશાન થતા લોકો નજરે ચડ્યા હતા. સુત્રોએ શનિવારે પણ વરસાદ પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.

મુન્દ્રા તાલુકાના પૂર્વીય પટ્ટામાં ચોમાસાની આલબેલ
મુન્દ્રા તાલુકાના પૂર્વીય પટ્ટામાં ચોમાસાની આલબેલ સાથે સરેરાશ એક થી બે ઇંચ પાણી વરસી ગયું હતું .જયારે મુખ્ય મથક મુન્દ્રા ખાતે સામાન્ય ઝાપટું થતાં માર્ગ ભીના થયા હતા.મુન્દ્રા થી અંજાર તરફ જતાં છેવાડાના વવાર ખાતેથી પ્રાપ્ત અહેવાલ મુજબ બપોરે સતત એક કલાક અંદાજિત બે ઇંચ પાણી પડી ગયું હતું.

જેથી ગામના ખેતરોમાં પાણી ભરાવાની સાથે છેલ્લાઓ વહી નીકળ્યા હતા. ગુંદાલા, મંગરા, સાડાઉ, ભદ્રેશ્વર, વડાલા, મોખા સહિતના ગામોમાં સરેરાશ અડધો થી એક ઇંચ વરસાદના વાવડ સાંપડ્યા હતા. માંડવી તરફના કાંઠાળ પટ્ટાના ગામો ધ્રબ, ઝરપરા, નવીનાળ, ભુજપર, દેશલપર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે શુકન કર્યું હતું .જયારે ભુજ તરફના માર્ગે બેરાજા, બાબિયા, કારાઘોઘા ખાતે એક ઇંચ વરસ્યો હતો.

રાપર પંથકમાં સતત ત્રીજા દિવસે હાજરી, એકથી દોઢ ઇંચ વરસ્યો
રાપર તાલુકામા સતત ત્રીજા દિવસે વરસાદી ઝાપટાનો દોર જારી રહ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાંએક થી દોઢ ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. બાદરગઢમા બપોરે બે કલાકે ઝાપટા પડતાં વોકળા વહી નીકળ્યા હતા તેમ શૈલેષ બારવડીયાએ જણાવ્યું હતું. નંદાસર, રવ મોટી, જેસડા, સૂવઈ, ત્રંબો, ભીમાસર, સણવા, ફતેગઢ, આડેસર, ગાગોદર, ભીમદેવકા, ફુલપરા, નીલપર, ચિત્રોડ, પ્રાંથળ પંથક, રામવાવ સહિતના વિસ્તારોમા ઝાપટા પડતાં ઠંડક પ્રસરી હતી. રાપર શહેરમા ત્રીજા દિવસે પણ બપોર બાદ ઝાપટાનો દોર અવિરત રહ્યો હતો જેમાં અંદાજે અડધા ઇંચ પાણી વરસ્યું હતું.

ગઢશીશાના લોકો એકાએક ફૂંકાયેલા તોફાની પવનથી ભયભીત
માંડવી તાલુકાના ગઢશીશા તેમજ આસપાસના ગામોમાં ભારે ઝાપટા પડ્યા હતા. ગઢશીશામા બપોરે 3.30 કલાકે અચાનક મીનિ વાવાઝોડા જેવો પવન ફુંકાતા લોકો ભયભીત બન્યા હતા. એકાએક પવન ફુંકાતાં વથાણ વિસ્તારના વેપારીઓની હાલત કફોડી બની હતી. ચાર વાગ્યાના અરસામાં શરુઆતમાં ધીમી ધારે બાદ જોરદાર વરસતાં ગામના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. અડધા ઇંચ જેટલો વરસાદ પડતાં બાળકોએ ન્હાવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા.

આગોતરા વરસાદથી ખડીરના ખેડૂતો વાવણી મુદ્દે અવઢવમાં
ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં વવણી લાયક વરસાદ થયો છે. જો કે, અમરાપર અને ધોળાવીરા એમ બંને છેડાના ગામોમાં જોઇએ તેવો વરસાદ નથી પડ્યો બાંભણકાના પૂર્વ સરપંચ મનજી મહારાજે જણાવ્યું હતું કે, આગોતરો વરસાદ પડતાં વાવણી કરવી કે નહીં તે મુદ્દે ખેડૂતો અવઢવમાં છે. જો વાવણી બાદ સમયસર વરસાદ ન થાય તો મોટો આર્થિક ફટકો પડે તેમ છે. ગણેશપરથી સવા ડોસા અને ગઢડાથી વિજયસિંહ સોઢાએ તેમના ગામમાં વરસાદ થયાના વાવડ આપ્યા હતા.

વરસાદના આંકડા
ભુજ56
નખત્રાણા22
રાપર14
ગાંધીધામ9
મુન્દ્રા3
દયાપર16
માંડવી0
ભચાઉ0
નલિયા0
અંજાર0

નખત્રાણાની બજાર તળાવમાં ફેરવાઇ ગઇ
નખત્રાણામાં પડેલ વરસાદથી મુખ્ય બજારની હાલત બદતર બની હતી. સરદાર વલ્લભભાઈનું પૂતળું હટતા ત્યાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને કારણે બજાર તળાવમા ફેરવાઇ ગઇ હતી. વથાણમાં પણ ખાબોચિયા ભરાઈ ગયા હતા.

દેવીસર પાસે ભૂખી ડેમમાં નવા નીર આવ્યા
ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે પાવર પટ્ટી વિસ્તારના દેવીસર ગામ નજીકની ભુખી નદીમા પાણી વહી નીકળ્યા હતા અને ભુખી ડેમમાં ઠલવાતાં ડેમમાં નવા નીર આવ્યા હતા. પ્રથમ વરસાદે જ નદીમાં વહી નીકળેલા પાણીને જોવા લોકો ઉમટ્યા હતા.

ધાવડા-દેવપર માર્ગે જૂનું વૃક્ષ ધરાશાયી
અસહ્ય ગરમી બાદ વરસતા વરસાદ વચ્ચે નખત્રાણા તાલુકાના ધાવડા-દેવપર માર્ગે પવનની થપાટથી મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. બનાવને પગલે વાહનોની અવર જવર રોકાઈ ગઈ હતી. વર્ષ 2017મા પણ આજ રસ્તા પર એક વૃક્ષ જમીનદોસ્ત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...