ખર્ચ:શહેરમાં સાત વર્ષમાં ગટરની લાઈન બદલવા 12 કરોડ ખર્ચાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગનું ભુજ ખોદાઈ ગયા બાદ છેલ્લા બે ત્રણ મહિનાથી રાહત

ભુજ નગરપાલિકાઅે શહેરમાં છેલ્લા સાતેક વર્ષથી ગટરની લાઈન બદલવા માટે 12 કરોડ જેટલી રકમ ખર્ચી નાખી છે, જેમાં 2019/20 સુધી 3.52 કરોડ અને બાકીનો ખર્ચ ત્યારબાદ થયો છે. જોકે, ડ્રેનેજ સમિતિના ચેરપર્સને ઈજનેરો બદલ્યા બાદ છેલ્લા અઢી ત્રણ મહિનાથી ખર્ચ ઉપર સારો અેવો કાબૂ અાવી ગયો છે.

ભુજ શહેરમાં ભૂકંપ પછી પુનવર્સનની કામગીરી દરમિયાન જી.યુ.ડી.સી.અે નવી વસાહતોને સાંકળતી ગટરની લાઈનો પાથરી હતી. પરંતુ, નગરપાલિકા સાથે સંકલન સાધ્યા વિના કામગીરી કરી હતી, જેથી તળાવ અને તળાવના નાળામાં પથરાયેલી કેટલીક લાઈનો જળાશયોને ગંદા કરવા લાગી હતી. જેને નિષ્ક્રિય કરવાની નોબત અાવી હતી. અે સિવાયની લાઈનો છેલ્લા પાંચ સાત વર્ષથી દમ તોડવા લાગી છે.

જોકે, અેક તો પૂરતા કર્મચારીઅો અને અત્યાધુનિક મશીનરીના અભાવે ગટરની ચેમ્બર અને લાઈન સાફ કરવાની સતત ચાલતી પ્રક્રિયા ઉપર ધ્યાન અપાયું ન હતું, જેથી લાઈનોમાં કિચડ જમા થવા લાગ્યું હતું. જે ગંદાપાણીને અાગળ વધવામાં અવરોધ પેદા કરતું હતું, જેથી લાઈનો ઉપર ક્ષમતાથી વધુ ભારણ અાવવા લાગ્યું હતું અને લાઈનો દમ તોડવા લાગી હતી.

બીજું, ભુજ શહેરમાં પાણીની સુવિધામાં સારો અેવો સુધારો થવા લાગ્યો છે, જેથી ગામડાના લોકો ભુજ શહેરમાં વસવા લાગ્યા છે, જેથી પણ ભવિષ્યને નજરમાં રખાઈને પથરાયેલી ગટરની લાઈનો નબળી પુરવાર થઈ છે. જે અેક પછી અેક બેસવા લાગી છે. પરંતુ, છેલ્લા બે ત્રણ વર્ષથી લાઈનો બદલવામાં અતિરેક થઈ ગયો હતો, જેથી ડ્રેનેજ સમિતિના ચેરમેન રાજેશ ગોરે ઈજનેરો બદલવા દરખાસ્ત મૂકી હતી. જે બાદ નવા ઈજનેરોઅે ખર્ચ ઉપર કાપ મૂકવાની નીતિ અપનાવી છે, જેથી છેલ્લા બે ત્રણ મહિનાથી ગટરની લાઈનો બદલવા પાછળના ખર્ચમાં સારો અેવો ઘટાડો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...