સમસ્યા:કચ્છ ઉપરથી રણતીડરૂપી આફત હાલ પૂરતી ટળી ગઇ

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તીડ નિયંત્રણ માટે સ્પ્રેયર, દવાનો જથ્થો ઉપલબ્ધ

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં રણતીડરૂપી આફતથી ખેડૂતો પાયમાલ બની ગયા છે ત્યારે કચ્છ સહિત સમગ્ર ગુજરાત પરથી હાલ પૂરતી આફત ટળી ગઇ છે. વધુમાં તીડ નિયંત્રણ માટે જિલ્લામાં જંતુનાશક દવાની સાથે સ્પ્રેયર પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે.કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત મુજબ રણતીડના આક્રમણથી રાજસ્થાન અને ગુજરાત રાજ્ય વધુ પ્રભાવિત થશે તેવી સંભાવના હતી પરંતુ હાલની સ્થિતિ જોતાં ગુજરાત માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં કયાંક-કયાંક છૂટાછવાયા રણતીડ દેખાયા હતા, જે પણ સ્થાનિક હતા અને ઓછી માત્રામાં હતા, જેનો દવાનો છંટકાવ કરી નાશ કરાયો છે. ત્યારબાદ કયાંય પણ તીડ દેખાયા હોય તેવી ફરિયાદ આવી નથી. હાલ પૂરતી કચ્છ સહિત સમગ્ર ગુજરાત પરથી રણતીડરૂપી આફત ટળી ગઇ છે તેમ છતાં પણ તીડ નિયંત્રણ માટેની તમામ તૈયારીઓ આરંભી દેવાઇ છે. કચ્છમાં તીડના આક્રમણને ખાળવા માટે પૂરતા જંતુનાશક દવાના જથ્થા સાથે તેના છંટકાવ માટે 3 વ્હીકલ સ્પ્રેયર પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે.

દવાનો છંટકાવ પરોઢે કરાય તો સારું પરિણામ
કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસાની જેમ ઉનાળુ વાવેતર ઓછું છે એટલે કે, છૂટું છવાયું છે. મોટાભાગે રણતીડ જો લીલોતરી હોય તો દિવસે 10થી 15 કિ.મી.નું અંતર કાપીને રોકાઇ જતા હોય છે અને રાત્રે ઉડતા નથી. વધુમાં તીડ નિયંત્રણ માટે રાત્રે દવાનો છંટકાવ કરાય તો તેની અસરકારતા જોવા મળતી નથી. મોટાભાગે સવારે 4થી 5 વાગ્યાના અરસામાં દવાનો છંટકાવ કરાય છે અને આ સમયગાળામાં દવાના છૂટકાવથી સારા પરિણામો મળ્યા હોવાનું તીડ નિયંત્રણ કચેરીના પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર અશોક બારૈયાએ જણાવ્યું હતું.

તીડના ઉપદ્રવને ખાળવા ઉપલબ્ધ સંસાધનો
રણતીડને મ્હાત આપવા માટે કચ્છમાં સ્પ્રેયર અને દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. વધુમાં ગુજરાત સરકારે 500 જેટલા ટ્રેક્ટર સ્પ્રેયર ઉપલબ્ધ કરાવ્યા છે અને ડ્રોન પણ ભાડે લેવામાં આવશે. હાલે પૂરતા  સાધનો ઉપલબ્ધ છે અને જયાં જરૂરિયાત હશે ત્યાં પૂર્તતા કરાશે એમ તીડ નિયંત્રણ કચેરીના પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર બારૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...