શક્યતા:બસ પોર્ટનું લોકાર્પણ એપ્રિલમાં પણ ન થયું, હવે મે માસની મુદત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને દરવાજે નડતર રૂપ નગરપાલિકાની દુકાનો કપાતમાં જશે

ભુજ શહેરમાં ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે જર્જરિત જિલ્લાનું સેન્ટ્રલ બસ સ્ટેશન પાડીને નવું બસ પોર્ટ બનાવવાનું કામ હજુ સુધી 70થી 80 ટકા જ પૂરું થયું છે, જેથી માર્ચ પછી અેપ્રિલ અને અેપ્રિલ પછી હવે મે મહિનામાં લોકાર્પણની મુદ્દત પડી છે. જોકે, બસ પોર્ટના બંને દરવાજે નડતર રૂપ પાલિકાની દુકાનો કપાતમાં જાય અેવા હેવાલ છે.

ભુજ બસ પોર્ટનું વાજતે ગાજતે વડાપ્રધાનના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું અને અેકાદ વર્ષમાં કામગીરી પૂરી થઈ જશે અેવું જણાયું હતું. જોકે, પ્રારંભમાં કામ શરૂ કર્યા બાદ વચ્ચે ચૂકવણાના અભાવે કામ અટક્યું હતું અને ત્યારબાદ તો કોરોના મહામારીને કારણે થંભી ગયું હતું. જોકે, અે પછી દિવાળી, માર્ચ માસ, અેપ્રિલ માસ જેવી તારીખો ઉપર તારીખ પડતી રહી હતી અને નગરપાલિકાની દુકાનો નડતરરૂપ હોવાના કારણો અાગળ ધરાતા રહ્યા હતા.

જોકે, દિવ્ય ભાસ્કરે અેપ્રિલમાં લોકાર્પણ થાય અેવી કોઈ શક્યતાના નથી અેવું લખ્યું હતું. જે વાત ખરી સાબિત થઈ છે અને હવે લોકાર્પણની તારીખ મે મહિનામાં નાખવામાં અાવી છે. પરંતુ, નડતર રૂપ નગરપાલિકાની દુકાનો સીટી સર્વે અને રેવન્યુના ચોપડે ચડી ન હોવાથી સમગ્ર મામલો ટલે ચડ્યો હતો. સૂત્રોનું માનીઅે તો વકીલે તો નાળા ઉપરની દુકાનો જ ગેરકાયદે હોવાનો દાવો કરી તેના અસ્તિત્વ ઉપર જ પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે, જેથી હવે અંદર જવાના અને બહાર નીકળવાના બંને દરવાજે નડતર રૂપ દુકાનો કપાત લેવાનો નિર્ણય લેવાયાના હેવાલ છે.

અેક બે દુકાન પાડતા જ તમામ દુકાનો પડી જશે
સૂત્રોઅે જણાવ્યું હતું કે, નગરપાલિકાઅે વરસાદી નાળા ઉપર દુકાનો બનાવી હતી. અેમાંય કેટલાક દુકાનદારોઅે અેક દુકાનમાંથી બે દુકાનો બનાવવા અન્ડર ગ્રાઉન્ડ ખોદકામ કર્યું છે. અધૂરામાં પૂરું ભૂકંપમાં જર્જરિત થઈ ગઈ છે, જેથી બંને દરવાજાને નડતર રૂપ દુકાનો કપાતમાં લેવાની કામગીરી દરમિયાન અન્ય દુકાનો અાપોઅાપ ધરાશાયી થઈ જાય અેવી દહેશત છે. કેમ કે, કેટલીક દુકાનોનો છત તો અત્યારથી જ પડવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...