સામાન્ય રીતે ઉનાળામાં પાણી વધુ પીવાય છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, ભુજમાં અેક વ્યક્તિ કે, જેમણે તાજેતરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે નવ દિવસ નિર્જળા ઉપવાસ કરી 40થી 44 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ રોજિંદા કામકાજ કરીને માનવીય ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભુજના જાણીતા બોડી બિલ્ડર અને પાવરલીફ્ટર નિખિલ ધરમશી મહેશ્વરી કે, જેઅો તિબેટીયન લામાફેરા પધ્ધતિના નિષ્ણાંત છે, તેઅો દર વર્ષની જેમ અા વખતે પણ ચૈત્રી નવરાત્રિ દરમ્યાન નવ દિવસ પાણી વગર નિર્જળા ઉપવાસ કરીને પોતાની શારીરિક ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અેટલું જ નહીં પરંતુ નિર્જળાના નવમા દિવસે જીમમાં જઇને કસરત પણ કરી હતી.
સામાન્ય રીતે જોઇઅે તો જીમમાં અેક-બે કસરતના સેટ કર્યા બાદ હ્દયની ગતિ અેટલે કે, પલ્સ રેટ અને શ્વાસોચ્છવાસની ક્રિયામાં વધારો થાય છે પરંતુ નિખિલે નિર્જળા ઉપવાસ બાદ કરેલી કસરતમાં ના તો તેના હ્દયના ધબકારા વધ્યા કે, ના તો શ્વાસોચ્છવાસની ગતિ વધી. 35 મિનિટની કસરત બાદ પણ તેના ચહેરા પર થાક જણાયો ન હતો. અેટલું જ નહીં પરતુ તેના લોહીના રીપોર્ટમાં પણ હિમોગ્લોબીનની માત્રા પણ જે પહેલા 12થી 13 ટકા જેટલી હતી, જે ઉપવાસ બાદ 16 ટકા થઇ ગઇ હતી.
અા બાબતે નિખિલે જણાવ્યું હતું કે, જયારે કોઇ વ્યક્તિ ખોરાક દ્વારા શક્તિ ગ્રહણ કરે છે ત્યારે અે શક્તિની માત્રા ખુબ જ અોછી અને સીમિત હોય છે પરંતુ નિર્જળા ઉપવાસ દરમ્યાન ચોથા દિવસે તરસ, છઠ્ઠા દિવસે બેચેની જેવો અનુભવ થાય છે અને મોઢાનો સ્વાદ ફીક્કો થઇ જાય છે વગેરે જેવા લક્ષણો જણાયા હતા. વધુમાં અાઠમા દિવસે અેક વમનક્રિયા પણ કરી હતી. ત્યારબાદ કોઇ સમસ્યા ન જણાઇ અને શક્તિનો અેક જુદો જ સ્ત્રોત ખુલ્યો હોય તેવો અનુભવ થયો હતો. શારીરિક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કાર્બો હાઇડ્રેડ અને ગ્લુકોઝ હોય છે.
નિર્જળાના સાત દિવસ બાદ અા સ્ત્રોત સંપૂર્ણ પૂર્ણ થઇ જાય છે ત્યારે અાઠમા દિવસે ઉર્જાનો અેક નવો જ સ્ત્રોત પ્રગટ થાય છે, જેનો સંબંધ શારીરિક ચયાપચયની ક્રિયા સાથે નથી હોતો, જે અનંત અને અખૂટ હોય છે, જેનું તાજેતરનું ઉદાહરણ છે ચુંદડીવાળા માતાજી પ્રહ્લાદ જાની અને હીરા રતનભાઇ છે.
ખોરાક-પાણી લીધા વિના નવમા દિવસે કસરત અસંભવ : તબીબ
અેશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મુંબઇના સ્પોર્ટસ મેડિસિન વિભાગમાં કાર્ય કરતા ડો. અાશિષ કોન્ટ્રાક્ટરે અા બાબતે જણાવ્યું હતું કે, ખોરાક અને પાણી લીધા વિના નવમા દિવસે કસરત કરવી અસંભવ છે કારણ કે, સામાન્ય તાપમાનમાં પણ શરીર છ દિવસ પછી ડીહાઇડ્રેડ થઇ ગયું હોય છે, જેથી કચ્છની ગરમીમાં ખુબ જ મુશ્કેલ છે.
યુવાનના પિતાજી પણ અા પધ્ધતિથી રોગ મુક્ત બન્યા
બોડી બિલ્ડર નિખિલના પિતાજી ધરમશીભાઇ મહેશ્વરીને શ્વાસનો જૂનો રોગ હતો. વધુમાં બ્લડપ્રેશર તથા અર્થરાઇટીસની તકલીફ હતી. તબીબોઅે બંને ઘુંટણ બદલવા (નિ-રિપ્લેસમેન્ટ) અોપરેશનની સલાહ પણ અાપી હતી પરંતુ તેમણે તબીબોની સલાહને અવગણીને નિખિલની સલાહ માની અને છેલ્લા બે વર્ષથી રાંધેલું ભોજન નથી લેતા, જેથી માત્ર અેક મહિનામાં બ્લડપ્રેશરની તકલીફ નાબૂદ થઇ ગઇ અને છ મહિનામાં તો ઘુંટણની તકલીફ પણ દુર થઇ ગઇ હતી અને તેઅો ભુજિયો ડુંગર પણ અાસાનીથી ચડી ગયા હતા. વધુમાં તેમના માતાની કેન્સરની સારવાર પણ તેઅો કરી રહ્યા છે.
લામાફેરા પધ્ધતિ મુજબ શરીરમાં 10 ટકાથી વધુ પાણીની ઘટ થાય ત્યારે પ્રાણશક્તિ જાગૃત થાય
લામાફેરા પધ્ધતિમાં શરીરના પાણીના કુલ જથ્થામાં ઘટાડો કરવામાં અાવે છે અને તે પણ નિર્જળા ઉપવાસથી. જયારે શરીરમાં 10 ટકાથી વધુ પાણીની ઘટ થાય છે ત્યારે પ્રાણશક્તિ જાગૃત થાય છે. શરીરની ચયાપચયની ક્રિયા બંધ થઇ જાય છે. બોડી મેટાબોલીઝમની અેટીપી ચેઇન તૂટી જાય છે ત્યારે શરીરમાં રહેલી પ્રાણ ઉર્જા બહાર અાવે છે અને ઉર્જા કામ કરે છે. અા શક્તિથી શારીરિક, માનસિક કે, અાધ્યાત્મિક કામ કરી શકાય છે. નવરાત્રિ પર્વ અે શક્તિ જાગરણનો પર્વ છે. નિર્જળા ઉપવાસથી પ્રાણ શક્તિ જાગૃત થાય છે, જેનાથી વ્યક્તિ પોતાના રોજિંદા કામો અાસાનીથી પાર પાડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.